રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી:-
ગુજરાતમાં પોણા નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયાં છે
રાજય સરકારના પ્રોત્સાહક પ્રયત્નોને કારણે ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જનઆંદોલનને નવું બળ મળ્યું છે
દેશના ખેડૂતોની આવક બમણી કરવા, ધરતીને રસાયણોના ઝેરથી મુક્ત કરવા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી ઉત્તમ માર્ગ છે
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પુરજોશમાં આગળ વધી રહ્યું છે
જમીનને પુનઃ ફળદ્રુપ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ
ધરતીપુત્રોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલશ્રીનો અનુરોધ
(જી.એન.એસ),તા.૨૩
સુરેન્દ્રનગર,
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે શ્રી મોટકા કડવા પાટીદાર હનુમાનજી મંદિરના દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારત બે મહત્વપૂર્ણ ઇતિહાસ છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન અને શાસન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે એક પુત્ર, પતિ, ભાઈ અને રાજાની ભૂમિકામાં શ્રી રામનું આચરણ બધા લોકો માટે પ્રેરણા અને આદર્શરૂપ છે. પ્રેમ અને ત્યાગની વાત કરતું રામાયણ દુનિયાના ઇતિહાસમાં અનેરુ સ્થાન ધરાવે છે. આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે રામચરિત માનસ કથાના આયોજન બદલ મોટકા પરિવારને અભિનંદન પાઠવતાં તેમણે ઉમેર્યું હતું કે આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળે તેવું આયોજન કરવામાં આવ્યું તે વિશેષ આનંદની વાત છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલા આહ્વાન અને સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પુરજોશમાં આગળ વધી રહ્યું છે. દેશના ખેડૂતોની આવક બમણી કરવા, ધરતીને રસાયણોના ઝેરથી મુક્ત કરવા અને પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક ખેતીને તેમણે ઉત્તમ માર્ગ ગણાવ્યો હતો.
ખેડૂતો રાસાયણિક ખેતી છોડી દેશે તો ઉત્પાદન ઓછું થશે તેવી ભ્રમણા અંગે વાત કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, રાસાયણિક ખેતીમાં યુરિયા, ડી.એ.પી., જંતુનાશક દવાઓનો મોટા પાયે વપરાશ કરવો પડે છે, જે ઉત્તરોત્તર વધતો જાય છે. રાસાયણિક ખેતી ખર્ચાળ અને જમીનની ફળદ્રુપતા તથા ગુણવત્તા ઘટાડનારી છે. આ રીતે ઉત્પાદિત થયેલા કૃષિ ઉત્પાદનો માણસના સ્વાસ્થ્ય ઉપર પણ હાનીકારક અસરો ઉપજાવે છે. જયારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી ઓછા ખર્ચે વધુ કૃષિ ઉત્પાદન લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહીં પરંતુ ઉત્તરોત્તર વધારો થાય છે, જમીન ફળદ્રુપ બને છે. જળ, જમીન અને પર્યાવરણની પણ રક્ષા થાય છે.
દેશમાં આઝાદી બાદ જ્યારે અન્નની મોટા પાયે જરૂરિયાત હતી ત્યારે હરિત ક્રાંતિ થકી આપણે કૃષિ ઉત્પાદન વધારવા રાસાયણિક ખેતી અપનાવી હતી. તે સમયની માંગ હતી. પરંતુ આજે રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગના કારણે માટીની ગુણવત્તા તળિયે ગઈ છે. રાસાયણિક ખેતીને લીધે દેશભરમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૫ થી નીચે આવી ગયું છે. હવે જમીનને પુનઃ ફળદ્રુપ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું. વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઇને દેશને પોષણયુક્ત અનાજ મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.
આજે આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે, એમ કહીને તેમણે હરીયાણા ખાતે પ્રાકૃતિક ખેતી કરવાનો સ્વાનુભવ વર્ણવતાં જણાવ્યું હતું કે, મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી તેના ત્રણ વર્ષની અંદર ઓર્ગેનિક કાર્બન વધીને ૧.૭ થી ઉપર આવી ગયો છે. આ જમીનમાં આ વર્ષે એક એકરમાં ૩૫ ક્વિન્ટલ ડાંગરનું ઉત્પાદન થયું છે. જ્યારે બાજુમાં રાસાયણિક ખેતી કરતાં ખેડૂતને એક એકરમાં ૨૮ ક્વિન્ટલ ઉત્પાદન થાય છે. આમ નહિવત ખર્ચ સાથે અનાજનું મબલખ ઉત્પાદન પ્રાકૃતિક ખેતીની સફળતા દર્શાવે છે.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના ઘટકો, દેશી ગાયના છાણ અને ગૌ-મૂત્રના ઉપયોગ વિશેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે. ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોને ખર્ચ પણ નહિવત થાય છે. વધુમાં તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર જાણકારી આપી હતી.
ગુજરાતમાં પોણા નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયાં છે તેનો ઉલ્લેખ કરતાં રાજયપાલશ્રીએ ઉમેર્યું હતું કે, રાજય સરકારના પ્રોત્સાહક પ્રયત્નોને કારણે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના જનઆંદોલનને અનેરું બળ મળ્યું છે. ગુજરાતમાં ગામોના ક્લસ્ટર બનાવીને પ્રાકૃતિક ખેતીની તાલીમ માટે માસ્ટર ટ્રેનરની પણ નિમણૂક કરવામાં આવી છે. ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં મહિલાઓના પ્રદાનની વાત કરતાં તેમણે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના લક્ષ્યને હાંસલ કરવામાં મહિલાઓની ભૂમિકા અતિ અગત્યની હોઈ મહિલાઓ પણ સ્વયંભૂ આગળ આવીને આ અભિયાનમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ મોટકા સમાજ દ્વારા ૧૫ થી ૫૫ વર્ષની વય ધરાવતા લોકોનો વીમો ઉતારવાની કામગીરી તેમજ દર વર્ષે વિદ્યાર્થીઓને ઈનામ વિતરણની પણ કામગીરીની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે, મોટકા સમાજની આવી સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ એકતાના વિચારો પ્રદર્શિત કરે છે, જે અનુકરણીય છે.
આ તકે મોટકા પરિવાર અગ્રણીઓ દ્વારા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું શાલ ઓઢાડી, મોમેન્ટો અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા વર્ણવતા નાટકની કડવા પાટીદાર શાળાની બાળાઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, અગ્રણી સર્વશ્રી મુકેશભાઈ, ભાઈલાલભાઈ, વાસુદેવભાઇ, વક્તા શ્રી રાજેન્દ્ર પ્રસાદજી તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.