Home ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના પ્રવાસે જવા રવાના થશે

16
0

૨૬ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિંગાપોરનો સાત દિવસનો પ્રવાસ

(જી.એન.એસ),તા.૨૩

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં યોજાઈ રહેલી વાઇબ્રન્‍ટ સમિટ ૨૦૨૪માં ગુજરાત અને જાપાન વચ્ચે ઔદ્યોગિક-આર્થિક વિકાસની ભાગીદારીની નવી ક્ષિતિજો વિસ્તારવાનો ફળદાયી પ્રયાસ

સિંગાપોર ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લેશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આગામી ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જવા રવાના થશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, તેના સંદર્ભમાં જાપાનના ઉદ્યોગ-વાણિજ્ય ક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવાના ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

 જીઆઈડીસી ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાહુલ ગુપ્તા એ મુખ્યમંત્રીશ્રીના  જાપાન પ્રવાસ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના વિવિધ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો પણ આ પ્રવાસમાં સામેલ થશે .

 વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને ઉદ્યોગ, વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારો માટે ગ્લોબલ ડેસ્ટીનેશન બનાવનારી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડીશન આગામી જાન્યુઆરી ૨૦૨૪માં યોજાવાની છે.

જાપાન ૨૦૦૯થી આ વાઇબ્રન્‍ટ સમિટમાં પાર્ટનર કન્‍ટ્રી રહ્યું છે ત્યારે આગામી ૧૦મી એડીશનમાં પણ જાપાનનાં સહયોગને વ્યાપક ફલક પર વિસ્તારવામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનો આ જાપાન પ્રવાસ ઉપયુક્ત બનશે તેમ શ્રી રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ૨૬ નવેમ્બરના રોજ ટોકિયોમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેની મુલાકાતથી તેમના જાપાન-સિંગાપોર પ્રવાસની શરૂઆત કરશે.

મુખ્યમંત્રીશ્રી ગુજરાતી સમાજના લોકો સાથે વાતચીત કરશે અને જાપાનના વિકાસમાં તેમના યોગદાન અંગે જાણકારી મેળવશે. તે પછીના દિવસે એટલે કે ૨૭ નવેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનના ટોકિયો ખાતે એમ્બેસીની ટુંકી મુલાકાત લેશે.

ગુજરાતમાં ઔદ્યોગિક આર્થિક વિકાસની અનોખી સંભાવનાના સંદર્ભમાં જાપાન ભાગીદાર બને તે હેતુસર જાપાન સરકાર, જાપાનના ઉદ્યોગો તેમજ જાપાનીઝ સંસ્થાઓની મુખ્યમંત્રીશ્રી અને પ્રતિનિધિમંડળ મુલાકાત લેશે તથા પરસ્પર સહયોગના ક્ષેત્રો વિકસાવવા માટે પરામર્શ કરશે.

આ દિવસે મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ JETRO ના પ્રેસિડેન્ટ, ટોક્યોના ગવર્નર તેમજ JBICના ગવર્નરની પણ મુલાકાત લેશે. ૨૭ નવેમ્બરની સાંજે મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળ જાપાનમાં ભારતના રાજદૂત શ્રીયુત સીબી જ્યોર્જ દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીનાં માનમાં આયોજીત ડિનરમાં જોડાશે.

ગુજરાતમાં હાલ અનેક જાપાનીઝ ઉદ્યોગો અને ઉત્પાદન એકમો કાર્યરત છે. બેસ્ટ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર, પ્રો-એક્ટીવ પોલીસીઝ, ગુડ ગવર્નન્‍સ, ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ અને ઝીરો મેન ડઈઝ લોસ જેવા ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમથી પ્રેરિત થઈને વધુ જાપાનીઝ ઉદ્યોગો ગુજરાતમાં મૂડીરોકાણ માટે અને પરસ્પર સહયોગનાં ક્ષેત્રો વધુ વિકસે તેવા ઉદ્દેશય સાથે ટોકીયોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ અગ્રણી ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠકો પણ યોજવાના છે.

તા. ૨૯ નવેમ્બરના રોજ, ટોકિયો રોકાણના ચોથા દિવસે ટોકિયોની ઇમ્પિરિયલ હોટલ ખાતે રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શૉ દરમિયાન પણ મુખ્યમંત્રીશ્રી સાથે વિવિધ વન-ટુ-વન બેઠકો આયોજિત કરવામાં આવી છે. રોડ શૉ પૂરો થયા પછી 29 નવેમ્બરની સાંજે મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતનું ઉચ્ચસ્ચરીય પ્રતિનિધિમંડળ બુલેટ ટ્રેન મારફતે કોબે જવા રવાના થશે.

જાપાન પ્રવાસના પાંચમા દિવસે એટલે કે ૩૦ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ કોબેના ગવર્નર અને મેયરની મુલાકાત લેશે. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેના ભોજન સમારોહમાં જોડાશે અને જાપાનમાં વિવિધ ક્ષેત્રે ભારતીય તથા ગુજરાતી સમુદાયનાં લોકોના યોગદાન અંગે ચર્ચા-પરામર્શ કરશે. ત્યારબાદ તેઓ ત્યાંથી સિંગાપોર જવા રવાના થશે.

૧ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોર સરકારના અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો કરશે. લંચ પછી પણ મુખ્યમંત્રીશ્રીની વિવિધ વન-ટુ-વન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની મુલાકાત પણ લેશે.

૨ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સિંગાપોરમાં વિવિધ સાઇટ્સ વિઝિટ કરીને સિંગાપોરથી અમદાવાદ પરત આવવા રવાના થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓસ્ટ્રેલિયાના 8 બેટ્સમેનોને પકડનાર ભારતીય ખેલાડીનું નિવેદન
Next articleનાગરિકોના પ્રશ્નોના સરળતાથી અને ઝડપી ઉકેલ માટે ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી હિતેશ કોયાના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો