ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે બેઠક યોજાઇ
રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના સ્થળે કૃષિ પ્રદર્શનના વિવિઘ સ્ટોલ,પશુ આરોગ્ય કેમ્પ અને ખેડૂતો મોડેલ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લેશે.
(જી.એન.એસ),તા.૦૮
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રવિ કૃષિ મહોત્સવના સુચારું આયોજન અર્થે આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાના અઘ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. રવિ કૃષિ મહોત્સવ જિલ્લામાં તા. ૨૪ અને ૨૫ નવેમ્બર, ૨૦૨૩ના રોજ ચારેય તાલુકામાં યોજાશે.
આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.એસ.પટેલે રવિ કૃષિ મહોત્સવની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લા સહિત રાજયમાં તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાશે. બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાશે. પ્રથમ દિવસે પ્રાકૃતિક ખેતી અને અન્ય ખેતી કરતાં સફળ ખેડૂતો અને કૃષિ તજજ્ઞો દ્વારા વિવિધ કૃષિ સંલગ્ન રસપ્રદ માહિતી આપવામાં આવશે. તેમજ રાજય સરકારની કૃષિલક્ષી યોજનાઓની પણ માહિતી આપવામાં આવશે.બીજા દિવસે ખેડૂતો માટે કૃષિ પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવશે. તેમજ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના સ્થળે સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાશે. કૃષિ પ્રદર્શન માટે કુલ ૩૦ સ્ટોલ ઉભા કરવામાં આવશે. જેમાં સેવાસેતુ કાર્યક્રમ માટેના ૧૫ સ્ટોલ હશે. તેમજ અન્ય ૧૫ સ્ટોલમાં સહકાર વિભાગ, બાગાયત, આરોગ્ય, કૃષિ યુનિવર્સીટી અને અન્ય કૃષિ સંલગ્ન માહિતી આપતાં ખાનગી કંપની અને સરકારના વિવિધ વિભાગના સ્ટોલ રાખવામાં આવશે. આ મહોત્સવ થકી ખેડૂતોને કૃષિ મહોત્સવ અને સેવાસેતુ કાર્યક્રમ બન્નેનો લાભ એક જ સ્થળેથી સરળતાથી મળી રહેશે.
રવિ કૃષિ મહોત્સવ ગાંધીનગર જિલ્લામાં ચારેય તાલુકામાં યોજાશે. જેમાં ગાંધીનગર તાલુકાનો સાદરા ગામ,કલોલ તાલુકાનો ભાદોલ ગામ, માણસા તાલુકાનો ગ્રામભારતી અને દહેગામ તાલુકાનો ઔડા હોલ ખાતે યોજવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. જે તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ યોજાશે, તેની નજીકમાં જિલ્લા પશુપાલન કચેરી દ્વારા ખાસ પશુનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, નાયબ ખેતી નિયામક (તાલીમ), ગાંધીનગર શ્રીમતી અર્ચનાબેન પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.