Home ગુજરાત સાયન્સ સિટીમાં આગામી સમયમાં નવા આકર્ષણો ઉમેરાશે

સાયન્સ સિટીમાં આગામી સમયમાં નવા આકર્ષણો ઉમેરાશે

39
0

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી

સાયન્સ સિટીની મુલાકાત અનેરો અવસર અને કાયમી યાદગીરી બને તેવી આનુષાંગિક વ્યવસ્થાઓ વિકસાવવા માર્ગદર્શન આપ્યું

સાયન્સ સિટીમાં ઊભા કરાશે:-

  • હ્યુમન એન્‍ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી
  • એવીએશન એન્ડ ડિફેન્‍સ ગેલેરી
  • બાયોડાઇવર્સિટી પાર્ક

(જી.એન.એસ),તા.૦૧
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ થયેલા સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાનશ્રીએ વિજ્ઞાન સાથે લોકસમુહને જોડવા અને બાળકો-યુવાઓ સૌ કોઈને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક શોધ-સંશોધનની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તે માટે ૧૦૭ હેક્ટર વિસ્તારમાં આ વર્લ્ડક્લાસ સાયન્સ સિટીનું નિર્માણ ૨૦૦૧માં કરાવેલું છે.
આ સાયન્સ સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ખાસ કરીને બાળ વિદ્યાર્થીઓમાં અનેરું આકર્ષણ અને જિજ્ઞાસા જગાવ્યા છે.
સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઝ અને પાર્કસ ઉભા કરીને ટેકનોલોજી યુક્ત અભિગમ સાથે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચિ વધે અને ગમ્મત સાથે જ્ઞાન વર્ધન થાય તેવો અભિગમ રાખવામાં આવ્યો છે.
દર વર્ષે એક-એક નવીન ગેલેરી સાયન્સ સિટીમાં નિર્માણ કરવામાં આવે છે.
આ સાયન્સ સિટીમાં હાલ મ્યુઝિકલ ફાઉન્ટેન, રોબોટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને રોમાંચકારી અનુભવ કરાવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં પ્રવર્તમાન ગેલેરીઝ અને વિવિધ પ્રોજેક્ટસની વિશેષતાઓ તથા તેને વધુ સુવિધા સભર બનાવવા અંગે પણ સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં બીજા ફેઇઝ નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧માં ઉદઘાટન કર્યા બાદ હવે આગામી સમયમાં જે વધુ નવીનતા સભર આકર્ષણો ઊભા કરવાનું આયોજન છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી.
સાયન્સ સિટીમાં હાલના મ્યુઝિકલ ફાઉન્ટેનના અપગ્રેડેશન અને વધુ આકર્ષક બનાવવા સાથે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું નિર્માણકાર્ય અગ્રિમ તબક્કામાં છે.
હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી તેમજ એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરીનું નિર્માણ અંદાજે કુલ રૂ. ૭૫૦ કરોડના ખર્ચે હાથ ધરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સાયન્સ ટાવર અને બાયોડાઇવર્સિટી પાર્ક પણ ઊભા કરવામાં આવશે.
આ સમીક્ષા બેઠકમાં પ્રેઝન્ટેશન દરમિયાન જણાવવામાં આવ્યું કે, સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ૨૦૧૨ થી ૨૦૨૩ ના દશકમાં અંદાજે ૭૭ લાખ લોકો તેમજ ૨૦૨૨ના એક જ વર્ષમાં ૧૨.૩૯ લાખ લોકોએ સાયન્સ સિટી નિહાળ્યું છે. અંદાજે ૪ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લીધી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી જોવા આવનારા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રેમી યુવાઓ પોતાના અનુભવો અને સાયન્સ સિટીની વ્યવસ્થા અંગેના ફીડબેક માટે અદ્યતન કિયોસ્ક, ટચસ્ક્રિન ટેકનોલોજી વગેરેને કાર્યરત કરવાનું સૂચન કર્યું હતું. તેમણે સ્વચ્છતા-સફાઈનું સતત ધ્યાન રાખવાની પણ તાકીદ કરી હતી.
સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકો પોતે જોયેલી ગેલેરીઝ અને અન્ય આકર્ષણો અનુરૂપ પોતાના પ્રયોગાત્મક વિચારો, કાર્યો અભિવ્યક્ત કરી શકે તે માટે ઓપન-એર સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્સપ્લોરેટોરીયમ પણ બનાવવાનું આયોજન છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બધા જ વિષયો અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને સમયબદ્ધ આયોજન સાથે નવી ગેલેરીઝ અને પાર્કસના નિર્માણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ શ્રી પંકજ જોષી, સાયન્સ એન્‍ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી તથા સાયન્સ સિટીના જનરલ મેનેજર શ્રી વદર વગેરે આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field