Home ગુજરાત ગાંધીનગર શહેરના નાગરિકોએ ‘ગર્જના ઉત્સવ’ થકી પ્લાસ્ટિક મુક્તિ માટે જન આંદોલન છેડ્યું

ગાંધીનગર શહેરના નાગરિકોએ ‘ગર્જના ઉત્સવ’ થકી પ્લાસ્ટિક મુક્તિ માટે જન આંદોલન છેડ્યું

32
0

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગર્જના ઉત્સવ અંતર્ગત પ્લાસ્ટિક એકઠું કરીને લાવનાર નાગરિકોને અપાય છે આકર્ષક ગિફ્ટ: ખાસ મેસ્કોટ દ્વારા જન જાગૃતિ અભિયાન
છેલ્લા ૫ મહિનામાં ગર્જના ઉત્સવ થકી ગાંધીનગરના નાગરિકોએ ૩ હજાર કિલો જેટલું પ્લાસ્ટિક એકત્રિત કરી રિસાયકલ માટે આપ્યું
(જી.એન.એસ),તા.૧૩
ગાંધીનગર,
રાજ્ય, શહેર અને ગામની સફાઇ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સ્વચ્છતાના આહ્વાનને દેશના નાગરિકોએ જન આંદોલન બનાવીને ‘સ્વચ્છતા હી સેવા’ સૂત્રને ચરિતાર્થ કર્યું છે. ગાંધીનગર શહેરના લોકોએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પોતે આગળ આવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્તિ અને સ્વચ્છતા માટે ચલાવવામાં આવેલા ગર્જના ઉત્સવમાં પોતાનું યોગદાન આપ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યમાં પ્રથમવાર પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે એક નવતર અભિગમ અપનાવીને ખાસ મેસ્કોટ જાહેર કર્યા છે. ‘ગાંધીનગર રિસાયકલ જનઆંદોલન – ગર્જના’ ઉત્સવ અંતર્ગત પ્લાસ્ટિકાસુર અને ટોડો મેસ્કોટ દ્વારા લોકોમાં પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિ ફેલાવાઈ રહી છે.
ગાંધીનગર શહેરના નાગરિકો ઉપરાંત શાળા કોલેજો અને સ્વૈચ્છિક સંગઠનો આ કાર્યમાં જોડાયા છે. ગાંધીનગર શહેરના વસાહત મહાસંઘ જેવા સિનિયર સિટીઝનના સંગઠને પ્લાસ્ટિકમુક્તિ માટે પોતાનું યોગદાન આપ્યું છે. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે આ આંદોલનમાં પોતાનો સહયોગ આપીને ૩૦૦થી ૪૦૦ કિલો જેટલું પ્લાસ્ટિક રિસાયકલ માટે આપ્યું હતું. આ મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલા જણાવે છે કે લોકોમાં સ્વચ્છતાનો સંદેશો જાય અને તમામ લોકો પ્લાસ્ટિક મુક્તિ માટે આગળ આવે તે માટે સંગઠનના તમામ સભ્યોએ કાર્ય કર્યું છે. તેઓ વધુમાં જણાવે છે કે સંગઠનના સભ્યો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને કચરો તો એકઠો કરે જ છે સાથે સ્વચ્છતા માટેની જન જાગૃતિ પણ ફેલાવે છે,લોકોને પ્રેરિત કરે છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્નર જે.એન વાઘેલા તથા મેયર હિતેષ મકવાણા દ્વારા શરૂ કરાયેલા ગર્જના ઉત્સવમાં શાળા કોલેજો પણ જોડાઈ છે. કોર્પોરેશન દ્વારા સેક્ટર-૨૧માં કચરો એકત્રિત કરવાનું સેન્ટર ઊભું કરાયું છે. જ્યાં શહેરના નાગરિકો મંગળવારથી રવિવાર સુધી અઠવાડિયાના છ દિવસ, સવારના ૧૧ થી સાંજના ૭ વાગ્યા સુધીમાં પ્લાસ્ટિક એકત્રિત કરાવી શકે છે. આ પ્લાસ્ટિકના બદલામાં કોર્પોરેશન દ્વારા વિવિધ ભેટ આપવામાં આવે છે. જેમાં ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિક લઈને આવનાર વિદ્યાર્થીને લખવા માટેનું પેડ અને ગૃહિણીઓને ફ્લાવર પોટ આપવામાં આવે છે. ઉપરાંત નાગરિકોને જયુટમાંથી બનાવેલી થેલીઓ પણ આપવામાં આવે છે. ૨૫ કિલો પ્લાસ્ટિક લઈને આવનાર નાગરિકોને કોર્પોરેશન દ્વારા બેસવા માટેની બેન્ચ ભેટ આપવામાં આવે છે. આ બેન્ચની વિશેષતા એ છે કે તે આ રિસયકલ કરાયેલા પ્લાસ્ટિકમાંથી જ બનાવવામાં આવેલી હોય છે. મહત્વનું છે કે છેલ્લા પાંચ મહિનાના ટૂંકા સમયગાળામાં શહેરના નાગરિકોએ ૩ હજાર કિલો જેટલું પ્લાસ્ટિક રિસાયકલ માટે જમા કરાવ્યું છે. એકત્રિત કરાયેલા પ્લાસ્ટિકને કોર્પોરેશન દ્વારા ઇકો વિઝન નામની એજન્સીને રિસાયકલ માટે મોકલવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ વ્યાપકપણે જોડાઈને સ્વચ્છતા માટે શ્રમદાન કરીને પોતાનું યોગદાન આપ્યું હતું. આ અભિયાનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુ ૮ અઠવાડિયા લંબાવીને સેવાયજ્ઞ ચલાવવાનું આહ્વાન કર્યું છે ત્યારે ગાંધીનગર શહેરના નાગરિકોએ સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ માટેનું ઉઠાવેલુ પગલું ચોક્કસ અન્યોને પ્રેરણા આપશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાઇબ્રન્ટ ગુજરાત બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ ગુજરાતને સાર્થક કરે છે: પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા
Next articleવાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ નવસારી સમિટ હેઠળ નવસારી જીલ્લામાં કુલ રૂ.૨૧૨ કરોડના MOU થયા