Home ગુજરાત સુરતના સરસાણા ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ સમિટ યોજાઈ

સુરતના સરસાણા ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ સમિટ યોજાઈ

32
0

સુરતના સરસાણા ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ સમિટ યોજાઈ

સુરતના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૫૭ કરોડના એમ.ઓ.યુ. કર્યા: અંદાજે ૩૫૦થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે

 અદ્વિતીય વિકાસથી ગુજરાતે સમગ્ર દેશને રાહ ચીંધી છે:

 બે દાયકા પહેલા વડાપ્રધાનશ્રીએ વાવેલું ‘વાયબ્રન્ટ ગુજરાત’નું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે

 શાંત અને સૌમ્ય ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે ‘બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ’ બન્યું છે : વન મંત્રી મુકેશભાઈ પટેલ

નિષ્ણાત વક્તાઓએ ઉદ્યોગકારો, રોકાણકારોને પેનલ ડિસ્કશન, સ્ટાર્ટઅપ, નેટવર્કીગ સેશન, બીટુબી અને બીટુસી મિટીંગ દ્વારા માર્ગદર્શન આપ્યું

(જી.એન.એસ),તા.૦૭

સુરત

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, જેના ભાગરૂપે તેમજ આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત સુરતના સરસાણા કન્વેન્શન હોલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ‘વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ સુરત’ સમિટ યોજાઈ હતી. જેમાં સુરતના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૫૭ કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા, જેનાથી અંદાજે ૩૫૦થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે. સમિટમાં વાજપાઈ બેન્કેબલ યોજના, MSME અને સ્ટાર્ટઅપ લોન સહાય, લેબગ્રોન ડાયમંડ યુનિટ અને પોલિમર મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માટે સહાય જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લોનસહાયના ચેકો મંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.  

વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (PMFME) સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ, જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં રહેલી તકોની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને પેનલ ડિસ્કશન, સ્ટાર્ટઅપ, નેટવર્કીગ સેશન, બીટુબી અને બીટુસી મિટીંગ દ્વારા માર્ગદશન આપ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘વાયબ્રન્ટ સમિટ’ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને ઉજાગર કરવાનું આગવું માધ્યમ બની છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો વિકસે, નવી ટેકનોલોજી અને રોજગારની નવીન તકો ઉભી થાય એવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાનશ્રીએ વાઈબ્રન્‍ટ સમિટનો વિચાર આપ્યો હતો, વડાપ્રધાનશ્રીએ ૨૦ વર્ષ પહેલા રોપેલું વાયબ્રન્ટ સમિટનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. દેશભરમાં વિકાસના મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થઈ રહેલુ શાંત અને સૌમ્ય ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે ‘બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ’ બન્યું છે. અદ્વિતીય વિકાસથી ગુજરાતે સમગ્ર દેશને રાહ ચીંધી છે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિઓના કારણે રોકાણકારો અહીં ઉદ્યોગો સ્થાપવા આકર્ષાઈ રહ્યા છે.

વાયબ્રન્ટ સમિટ અંગે જાગૃતતા વધારવા તમામ જિલ્લા સ્તરે પ્રિ-વાયબ્રન્ટ સમિટનું આયોજન થઈ હોવાનું જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ‘વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ પહેલથી અનેક નાના ઉદ્યોગકારો રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ દ્વારા જોડાઈ રાજ્ય – જિલ્લામાં નવી રોજગારીનું સર્જન કરવામાં યોગદાન આપી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટુ અર્થતંત્ર બન્યું છે, અને વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ યોગદાન આપશે એમ જણાવી ‘સૌના સાથ, સૌના વિકાસ’ મંત્રથી રાજ્યને વિકાસના પથ પર વધુ અગ્રેસર બનાવવાના સાર્થક પ્રયાસો કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

મેયરશ્રી દક્ષેશ માવાણીએ મંત્રીશ્રી સહિત મહાનુભાવોને આવકારતા સુરત શહેરના વિકાસની ગાથા વર્ણવી હતી. સુરતનું સુદ્રઢ શહેરીકરણ, સુગ્રથિત વિકાસ, સ્વચ્છતા, પ્રજા અને પ્રશાસનના વિકાસોન્મુખ અભિગમની છણાવટ કરી હતી. આ સમિટમાં L&T-સુરત યુનિટના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી શિરીષ અંત્રોલિયાએ એલ એન્ડ ટી. એ સુરતના હજીરામાં સ્થાપેલા ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ વિષે જાણકારી આપી હતી. તેમણે સોલારની મદદથી થતા ગ્રીન હાઈડ્રોજન જનરેશન વિષે જણાવ્યું કે, એલ એન્ડ ટી એનર્જી (ગ્રીન ટેક)એ ઈલેક્ટ્રોલાઈઝર્સ દ્વારા ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેનો ભારતનો સર્વ પ્રથમ પ્લાન્ટ શરૂ કર્યો છે. જે મોબિલિટી, ઘરેલું ગેસના મિશ્રણ તેમજ ઔદ્યોગિક વપરાશ માટે  ઉપયોગ કરી શકાય છે.

બિઝનેસ ફેસિલિટેટર અને ટ્રેઈનરશ્રી સાગર સોનીએ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ-(GEM) વિશે વિસ્તૃત વિગતો આપી બાયર અને સેલર્સ માટે આ ઓનલાઈન સેલિંગ વેબસાઈટ અંતર્ગત વ્યવસાયિક તકો અંગે રૂપરેખા આપી હતી. ઔદ્યોગિક ક્ષેત્રના તજજ્ઞ વિરેન્દ્ર વડગામાએ ઉદ્યોગો માટે સહાય આપતા ગોલ્ડ, સિલ્વર, અને બ્રોન્ઝ લેવલના ઝીરો ડિફેક્ટ ઝીરો ઈફેક્ટ(ZED) સર્ટિફિકેટ અને તેનાથી થતા લાભો અંગે સમજ આપી હતી.

જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના શ્રી દિનેશ નાવડિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળતા ઔદ્યોગિક પ્રોત્સાહન, હીરા ઉદ્યોગના નાના એકમોને માર્ગદર્શન અને મદદ આપતા GJEPC દ્વારા ઉદ્યોગ અને આ ક્ષેત્રના કામદારોના સશક્તિકરણ અને આરોગ્ય માટે થતી કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. નાયબ બાગાયત નિયામકશ્રી દિનેશભાઈ પડાલિયાએ પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ(PMFME) યોજના વિષે જણાવી નાના ઔદ્યોગિક જૂથોને મળતા લાભોની ચર્ચા કરી હતી. તેમજ ઝીરો કોલેટરલ પદ્ધતિ સાથે મળતી બેંક લોન વિષે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એમ.કે.લાડાણી અને વી.આર.પંડ્યાએ કુટિર ઉદ્યોગો માટેની યોજનાઓ તેમજ તેના માટે મળતી લોન અને સબસિડી અને લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર બકુલ ચૌધરીએ માઈક્રો, સ્મોલ અને મીડિયમ જેવા ૩ ભાગોમાં વિભાજીત MSME ઉદ્યોગોના વિકાસ માટે અપાતી વિવિધ બેંક લોનની માહિતી આપી હતી. વિષે જણાવ્યું હતું.

નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી-૨૦૨૪ દરમિયાન ગાંધીનગરમાં યોજાનાર ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ’ના ભાગરૂપે દરેક જિલ્લામાં તા.૨ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શે. જેના ભાગરૂપે આંત્રપ્રિન્યોરશીપ અંગે વિવિધ વિષયો ઉપર એક્ષપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી ચેરમેનશ્રી રાજન પટેલ, સ્ટાર્ટઅપ સાહસિકો, ઈન્ડસ્ટ્રીઝ અને જિલ્લા વહીવટીતંત્ર અને મનપાના અધિકારીઓ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. 

.

એક્ઝિબીશનમાં ૨૦ થી વધુ સ્ટોલ દ્વારા ઔદ્યોગિક એકમોને સહાય, યોજનાઓનું માર્ગદર્શન

. . . . . . . . . . . . . . . . . . . . .

સરસાણા કાર્યક્રમ સ્થળે આયોજિત એક્ઝિબીશનમાં ૨૦ થી વધુ સ્ટોલ દ્વારા ઔદ્યોગિક એકમોને સહાય, યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, કોટેજ અને રૂરલ ઈન્ડસ્ટ્રીઝ સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ-(GEM), જેમ અને જ્વેલરી ક્ષેત્રે સહાય અને જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે ૨૦ સ્ટોલોમાં એક્ઝિબીશન પણ યોજવામાં આવ્યું છે, જે તા.૮મી સુધી ખૂલ્લું રહેશે.

-૦૦૦-

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર ખાતે ઉત્તર અને મધ્ય ગુજરાતના નવ જિલ્લાના લાભાર્થીઓને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરિયાની ઉપસ્થિતિમાં લોન/સહાય અપાઈ
Next articleવન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં વાઈલ્ડ લાઈફ કોન્‍ફરન્‍સ યોજાઈ