(જી.એન.એસ),તા.૨૯
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રીશ્રીએ આવા અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તેમને ઝડપથી પુર્વવત કરવા જાહેર કરેલ આ યોજનાનો લાભ ભરૂચ જીલ્લાના ૪૦ ગામો તથા ૨ શહેરો, વડોદરા જીલ્લાના ૩૧ ગામો તેમજ નર્મદા જીલ્લાના ૩૨ ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને મળવાપાત્ર થશે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે જાહેર કરેલ આ સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામોના વેપાર ધંધા પુન: કાર્યાન્વિત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન/ દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે. એટલું જ નહી માસિક રૂ. ૫ લાખથી વધુનું ટર્નઓવર હોય તેવા વેપારી/ મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલા આ રાહત સહાય યોજનાની જોગવાઇઓ આ મુજબ છે.
૧. લારી / રેકડી – ઉચ્ચક રોકડ સહાય – રૂ. ૫,૦૦૦/-
૨. નાની સ્થાયી કેબિન ધારકો ૪૦ ચોરસ ફુટ સુધીનો વિસ્તાર – ઉચ્ચક રોકડ – સહાય – રૂ. ૨૦,૦૦૦/-
૩. મોટી કેબિન ધારકો ૪૦ ચોરસ ફુટથી વધારે વિસ્તાર – ઉચ્ચક રોકડ સહાય – રૂ. ૪૦,૦૦૦/-
૪. નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે પાકા બાંધકામવાળી જેનું માસિક ટર્નઓવર (GST રીટર્ન મુજબ) રૂ. ૫ લાખ સુધી હોય – ઉચ્ચક રોકડ સહાય – રૂ. ૮૫,૦૦૦/-
૫. મોટી દુકાન એટલે કે પાકા બાંધકામવાળી અને જેનું માસિક ટર્નઓવર (GST રીટર્ન મુજબ) રૂ. ૫ લાખથી વધુ હોય – રૂ. ૨૦ લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય ૭%ના દરે વધુમાં વધુ કુલ રૂ. ૫ લાખ સુધીની સહાય
પુન:વસન સહાય માટે સર્વે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇ સહાય ચુકવવામાં આવશે. ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તા. ૩૧/૧૦/૨૦૨૩ સુધીમાં સંબંધિત મામલતદારશ્રી/ નગરપાલિકાના ચીફ ઓફીસરને અરજી કરવાની રહેશે. આ સહાય મંજૂર કરવા સંબંધિત પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષપણા નીચે સમિતિની રચના કરવામાં આવશે. જ્યારે વ્યાજ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને લોનના મેળવ્યાના જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે. વધુમાં, અસરગ્રસ્ત એકમને સહાય મંજૂર થવા સંબંધી વિવાદના કિસ્સામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં અપીલ સમિતિને રજૂઆત કરી શકાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.