ગાંધીનગર ખાતે ઓગસ્ટ મહિનામાં G20 હેલ્થ ટ્રેક મીટિંગનું આયોજન
17 થી 19 ઓગસ્ટ દરમિયાન 4થી આરોગ્ય કાર્યકારી જૂથ અને આરોગ્ય કાર્યકારી જૂથ મંત્રીઓની બેઠક યોજાશે
19 ઓગસ્ટના રોજ આરોગ્ય-નાણા મંત્રીઓની એક સંયુક્ત બેઠક યોજાશે
(જી.એન.એસ),તા.૧૪
ગાંધીનગર
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે G20નું પ્રમુખપદ સંભાળ્યું છે અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ માટે ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. G20-શેરપા ટ્રેક હેઠળ દેશભરમાં અનેક કાર્યકારી જૂથની બેઠકો યોજવામાં આવી રહી છે. ગુજરાતે વૈશ્વિક નેતાઓ વચ્ચે સહયોગી ચર્ચાઓને પ્રોત્સાહન આપીને પ્રવાસન, કુદરતી આપત્તિના જોખમમાં ઘટાડો, પર્યાવરણ અને ક્લાઇમેટ સસ્ટેનેબિલિટી જેવા વિષયો પર મહત્વપૂર્ણ G20 કાર્યકારી જૂથની બેઠકોનું આયોજન કર્યું છે. રાજ્યએ ઓગસ્ટમાં ‘હેલ્થ ટ્રેક મીટિંગ્સ’નું આયોજન કરીને આંતરરાષ્ટ્રીય સહકાર અને વ્યવહારિક ઉકેલો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ગાંધીનગરમાં ઓગસ્ટમાં હેલ્થ વર્કિંગ ગ્રુપની નીચે મુજબની બેઠકો યોજાશે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગરમાં 4થી આરોગ્ય કાર્યકારી જૂથના ડેપ્યુટીઓ અને આરોગ્ય કાર્યકારી જૂથના મંત્રીઓની બેઠક યોજાશે. 19 ઓગસ્ટે ગાંધીનગરમાં જી20 સભ્ય દેશોના આરોગ્ય અને નાણા મંત્રીઓની એક સંયુક્ત બેઠક યોજાશે. આ કાર્યક્રમોમાં વિવિધ દેશોના મહત્વપૂર્ણ મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જેમાં શ્રીલંકાના સ્વદેશી દવાના રાજ્યમંત્રી જે.એ. સિસિરા કુમારા જયકોડી, ડૉ. કાર્લા વિઝોટ્ટી (આર્જેન્ટિના), શ્રીમતી ડેચેન વાંગમો (ભુટાન), બાઉનફેંગ ફૌમાલયસિથ (લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક), મોહન બહાદુર બસનેટ (નેપાળ), ડો. ઓડેતે મારિયા ફ્રેઇટાસ બેલો (તિમોર-લેસ્તે) સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે.
ચોથી આરોગ્ય કાર્યકારી જૂથ (ડેપ્યુટીઓ) બેઠક-
4થી હેલ્થ વર્કિંગ ગ્રુપ ડેપ્યુટીઓની બેઠક 17 ઓગસ્ટ, 2023ના રોજ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર વિભાગના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ સુધાંશ પંતની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શરૂ થશે. આ મીટિંગ દરમિયાન ‘G20 ઈન્ડિયા હેલ્થ ટ્રેક ફોકલ પોઈન્ટ, ભારત સરકાર દ્વારા આઉટકમ ડોક્યુમેન્ટનો ઓવરવ્યૂ’ પણ થશે.
દિવસભર ચાલનારી આ ઈવેન્ટમાં ‘ભારતના G20 પ્રેસિડેન્સી હેલ્થ ટ્રેક ફોકલ પોઈન્ટની આગેવાની હેઠળના ડ્રાફ્ટ ડિક્લેરેશન પર લાઈવ નેગોશિયેશન્સ’ દ્વારા આઉટકમ ડોક્યુમેન્ટને અંતિમ રૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે બે સત્રોમાં વિભાજિત હશે. સમાપન સત્ર પછી, WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ, વન અર્થ વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા 2023 અને ઈન્ડિયા મેડટેક એક્સ્પો 2023 જેવી વિવિધ થીમ પર એક એક્ઝિબિશન ટુરનું આયોજન કરવામાં આવેલ છે. ડેપ્યુટીઓ અને અન્ય પ્રતિનિધિઓ માટે વર્કિંગ ડિનર એટલે કે ‘રાત્રિ ભોજ’નું આયોજન કરવામાં આવશે. મંત્રીમંડળના પ્રતિનિધિઓનુ રાત્રિ ભોજનમાં ‘સાંસ્કૃતિક સંધ્યા’ સાથે સ્વાગત કરવામાં આવશે.
આરોગ્ય કાર્યકારી જૂથના મંત્રીઓની બેઠક-
હેલ્થ ટ્રેકના બીજા ભાગમાં આરોગ્ય મંત્રીઓની બેઠક આયોજિત થશે, જે 18 ઓગસ્ટ, 2023થી શરૂ થશે. ઉદ્ઘાટન સત્રમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવશે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર વિભાગના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ લવ અગ્રવાલ અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ સુધાંશ પંત પણ ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરશે.
બેઠકનો પહેલો દિવસ સત્તાવાર રીતે ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રી અને બ્રાઝિલના આરોગ્ય મંત્રી સહિત ટ્રોઇકાની ઓપનિંગ રિમાર્ક સાથે શરૂ થશે. ત્યાર બાદ પહેલું સત્ર આરોગ્ય કટોકટી નિવારણ, તૈયારી અને પ્રતિભાવ (વન હેલ્થ અને એએમઆર પર કેન્દ્રિત) પર યોજાશે. પહેલા સત્રમાં બેઠકમાં પધારેલા મહાનુભાવો ‘પ્રોગ્રેસ ઓન પ્રાયોરિટી વન એન્ડ વે ફોરવર્ડ’ વિશે ચર્ચા કરશે જેમાં ટ્રોઇકા, સભ્ય રાજ્યો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લેશે. ‘WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ સાથે પેનલ ડિસ્કશન’ પર ઇન્ટરફેઝ સેશન 1 અને ‘વન અર્થ વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયા 2023 સાથે પેનલ ડિસ્કશન’ પર ઇન્ટરફેઝ સત્ર 2નું આયોજન કરવામાં આવ્યું છે.
તમામ સત્રો બાદ એક એક્ઝિબિશન ટુરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિનિધિઓ WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ, વન અર્થ વન હેલ્થ- એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા 2023 અને ઈન્ડિયા મેડટેક એક્સ્પો 2023ની મુલાકાત લેશે. દિવસનો અંત સાંસ્કૃતિક રાત્રિ અને ગાલા ડિનર સાથે થશે.
બીજા દિવસે, એટલે કે 19મી ઓગસ્ટના રોજ વહેલી સવારે ધ્યાન અને યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મુખ્ય ઇવેન્ટ કન્ટિન્યુ કરવામાં આવશે, જેમાં વિવિધ સત્રોમાં નીચેના વિષય પર ચર્ચા કરવામાં આવશે:-
1) વેક્સિન, થેરાપ્ટિક્સ અને ડાયાગ્નોસ્ટિક્સ (VTDs) જેવા સલામત, અસરકારક, ગુણવત્તાયુક્ત અને પોસાય તેવા તબીબી ચિકિત્સા ઉપાયોની ઉપલબ્ધતા અને પહોંચ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારને મજબૂત બનાવવો.
2) યુનિવર્સલ હેલ્થ કવરેજ અને હેલ્થકેર સર્વિસ ડિલિવરીમાં સુધારો કરવા માટે ડિજિટલ હેલ્થ ઈનોવેશન અને સોલ્યુશન્સ
મહાનુભાવો મુખ્યત્વે ‘પ્રોગ્રેસ ઓન પ્રાયોરિટી 2 એન્ડ 3 એન્ડ વે ફોરવર્ડ’ પર ચર્ચા કરશે, જેમાં ટ્રોઇકા, સભ્ય દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ હિસ્સો લેશે.
સમાપન સત્રમાં ટ્રોઇકા દ્વારા સમાપન ટિપ્પણી કરવામાં આવશે. આ સાથે જ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતરના માનનીય કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ક્લોઝિંગ રિમાર્ક્સ આપવામાં આવશે, અને ત્યારબાદ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના G20 ફોકલ પોઇન્ટ દ્વારા આભારવિધિ કરવામાં આવશે.
ત્યારબાદ એક વિશેષ ‘સંયુક્ત આરોગ્ય-નાણા મંત્રીઓની બેઠક’ યોજાશે, જેમાં માનનીય આરોગ્ય મંત્રીઓ રૂબરૂ જોડાશે જ્યારે નાણામંત્રીઓ વર્ચ્યુઅલ રીતે જોડાશે. ત્યારબાદ બેઠકમાં પધારેલા પ્રતિનિધિઓ અને મહાનુભાવો ‘દાંડી કુટિર’ ની મુલાકાત લેશે, અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.