Home ગુજરાત આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે આઝાદી અપાવવામાં યોગદાન આપનાર આપણા પૂર્વજોના ઇતિહાસને જાણીએ...

આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે આઝાદી અપાવવામાં યોગદાન આપનાર આપણા પૂર્વજોના ઇતિહાસને જાણીએ અને દેશસેવામાં જોડાયેલા વીર જવાનોની રાષ્ટ્રસેવાને બિરદાવીએ- વિકાસ કમિશનર સંદીપ કુમાર

19
0

ગાંધીનગર તાલુકાના વાસણ ગામ ખાતે ‘મારી માટી, મારો દેશ’ અંતર્ગત વિકાસ કમિશનર સંદીપ કુમારની અધ્યક્ષતામાં બાળકો, યુવાઓ અને ગ્રામજનોએ હાથમાં માટી લઈને પંચ પ્રતિજ્ઞા લીધી

વાસણ ગામમાં દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન પામેલ તળાવ ખાતે શિલા ફલકમનું વિકાસ કમિશનરે અનાવરણ કર્યું

(જી.એન.એસ),તા.૦૯

ગાંધીનગર

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ આજથી ‘મારી માટી-મારા દેશ’ અભિયાન શરૂ થયું છે ત્યારે ગાંધીનગર તાલુકાના વાસણ ગામ ખાતે વિકાસ કમિશનર સંદીપ કુમારની અધ્યક્ષતામાં પંચ પ્રતિજ્ઞા, તિરંગા યાત્રા અને શિલા ફલકમ અનાવરણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. ‘મિટ્ટી કો નમન, વીરો કો વંદન’ની થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ વડીલોએ સાથે મળીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. શાળાની બાળાઓ દ્વારા પરંપરાગત રાજપૂત વેશભૂષામાં સ્વાગત ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ ગ્રામજનો દ્વારા મહાનુભાવોનું શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકાસ કમિશનરશ્રીએ આ પ્રસંગે ગામના ૧૨ વીર જવાનોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું.

આ પ્રસંગે પ્રસંગોચિત સંબોધન કરતાં વિકાસ કમિશનર સંદીપ કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જવાનો માટે સંકલ્પને દોહરાવતા કહ્યું હતું કે, ’માતૃભૂમિ માટે રોજે રોજ સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેક કણ જીવવું એજ સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણી સાચી શ્રદ્ધાંજલિ છે.’ વિકાસ કમિશનરે વાસણ ગામના યુવાઓને મોટી સંખ્યામાં પોલીસ અને સેનામાં જોડાવા માટે અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ વાસણ ગામના વધુમાં વધુ યુવાઓ દેશ સેવા માટે જોડાય. ઉલ્લેખનીય છે કે પોલીસ સેવામાં અને સૈન્યમાં વાસણ ગામના યુવાઓ મોટી સંખ્યામાં સેવા આપી રહ્યા છે. વધુમાં વિકાસ કમિશનર સંદીપ કુમારે આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે આઝાદી અપાવવામાં યોગદાન આપનાર આપણા પૂર્વજોના ઇતિહાસને જાણવા અને દેશસેવામાં જોડાયેલા વીર જવાનોની રાષ્ટ્રસેવાને બિરદાવવા માટે ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધન બાદ વિકાસ કમિશનરે તિરંગા યાત્રાને રાષ્ટ્રધ્વજ બતાવીને કૂચ કરાવી હતી. બાદમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ વિકાસ કમિશનર દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન પામેલ અમૃત સરોવર ખાતે સ્થપાયેલી શિલા ફલકમનું અનાવરણ કર્યું હતું અને શિલા ફલકમ સાથે સેલ્ફી પણ લીધી હતી. વડીલો અને યુવાઓ સહિતના લોકોએ વીર જવાનોના માનમાં બનાવેલ શિલા ફલકમ સાથે સેલ્ફી લઈને ગર્વ અનુભવ્યો હતો.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત હિસાબનીશ હરજીન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા આંકડા અધિકારી હર્ષદભાઈ પ્રજાપતિ, ગામના સરપંચ શ્રી વિજયસિંહ વાઘેલા, ઉપસરપંચ વિક્રમસિંહ વાઘેલા, તલાટી મંત્રી દિપ્તીબેન ત્રિવેદી, શાળાના એસએમસી સભ્યો, શાળાના બાળકો, વડીલો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આગામી 30મી ઓગસ્ટ સુધી ચાલનાર ‘મારી માટી- મારો દેશ’ કાર્યક્રમ તમામ પંચાયતો અને બ્લોક સ્તરે યોજાશે. અને દેશના ગામડાંમાંથી એકઠા કરાયેલા ૭૫૦૦ જેટલા માટી કળશને દિલ્હીના કર્તવ્ય પથ લઈ જઈને ‘અમૃત વાટિકા’ બનાવવામાં આવશે.  સ્વતંત્રતા, એકતા અને અખંડિતતામાં યોગદાન આપનાર નાયકોને સમર્પિત આ સ્મારકને ‘અમૃત મહોત્સવ સ્મારક’ નામ આપવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field