વીર શહીદોની વંદના અને દેશ ભાવના ઉજાગર કરવાના ઉમદા ભાવ સાથે’મારી માટી – મારો દેશ’ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે : જિલ્લા કલેકટર
પરબતપુરા ગામ ખાતે કલેકટરના હસ્તે શિલાફલકમનું અનાવરણ કરાયું : કલેકટરે ગ્રામજનો સાથે માટીના કોડિયામાં દીવો પ્રગટાવી પંચ પ્રણ લીઘા
(જી.એન.એસ),તા.૦૯
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજથી મારી માટી – મારો દેશ કાર્યક્રમનો આરંભ થયો છે. માણસા તાલુકાના પરબતપુરા ગામ ખાતે આ કાર્યક્રમ જિલ્લા કલેકટર હિતેષ કોયાના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો.
દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવી જિલ્લા કલેકટર હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમગ્ર દેશમાં નાગરિકોને માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, વીર શહીદોની વંદના કરવા અને દેશ ભાવના ઉજાગર કરવાના ઉમદા ભાવ સાથે મારી માટી – મારો દેશ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આજથી સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં આ કાર્યક્રમનો આરંભ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ થકી દરેક ગામવાસીઓને પોતાના ગામના સ્વાતંત્રય સેનાનીઓ, શહીદ વીરો, માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર સેનાના વીર શહીદ જવાનોને યાદ કરવાનો અને શ્રધ્ધાસુમન અર્પણ કરવાનો અવસર મળ્યો છે. આ કાર્યક્રમ થકી ગામમાં સમભાવના સાથે દેશ ભાવના પણ ઉજાગર થઇ રહી છે. તેમણે આગામી સમયે યોજાનાર હર ઘર તિરંગા કાર્યક્રમમાં પણ સર્વે ગ્રામજનોને પુરા જુસ્સા અને ઉમળકા સાથે સહભાગી બનીને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરવા માટે પણ આહૂવાન કર્યું હતું.
જિલ્લા કલેકટર હિતેષ કોયા અને મહાનુભાવોના હસ્તે નિવૃત્ત થયેલા લશ્કર, નેવી અને પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સંજયકુમાર નટવરલાલ રાવલ, ધનશ્યામભાઇ માધવદાસ પટેલ, જનકકુમાર વિઠ્ઠલદાસ પટેલ, જગદીશભાઇ ગાભાભાઇ પરમાર, રમેશભાઇ ગોવિંદભાઇ વાધેલા, ભરતભાઇ નરસિંહભાઇ પરમાર, અમરતભાઇ ગાભાભાઇ પરમાર અને દિનેશભાઇ મગનભાઇ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટર હિતેષ કોયા અને મહાનુભાવોના હસ્તે શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનો સાથે માટીના કોડિયામાં દીવો પ્રગટાવી પંચ પ્રણ પ્રતિજ્ઞા લીઘી હતી. ગામની શાળામાં વૃક્ષારોપણ કરીને અમૃત વાટિકાના નિર્માણ કરવાના કાર્યનો આરંભ કરાવ્યો હતો. રાષ્ટ્ર ઘ્વજ ફરકાવીને કલેકટર અને ગ્રામજનોએ સલામી આપી હતી. રાષ્ટ્રગાન પણ કર્યું હતું. કલેકટરે ગામની માટી પોતાના હસ્તે કળશમાં ભરી હતી. ત્યારબાદ ગામની નાની બાળાઓ દ્વારા આ મિટ્ટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, જિલ્લા પંચાયતના સદસ્ય જયેશભાઇ પટેલ, કલોલ પ્રાંત અધિકારી કિષ્નાબા વાઘેલા, માણસા મામલતદાર વિશાલ પટેલ, તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.