(GNS),05
ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાઈ રહ્યાં છે. ભાજપમાં હવે યાદવા સ્થળી શરૂ થઈ હોય ધીમે ધીમે પાટીલ જૂથના નેતાઓ ટાર્ગેટ બની રહ્યાં છે. પાટીલ સામે પત્રિકાયુદ્ધ બાદ ભાજપના કદાવર નેતા પ્રદિપસિંહ વાઘેલા પણ આ પત્રિકા યુદ્ધનો ભોગ બન્યા છે. આ ઘટનાઓથી વ્યથિત થઈને પ્રદિપસિંહે પ્રદેશ મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને કમલમની જવાબદારીઓ પણ છોડી દીધી છે. છેલ્લા ઘણા વર્ષોથી એક અદના સેવક તરીકે ભાજપ સાથે જોડાયેલા પ્રદિપસિંહ વાઘેલા હવે ટાર્ગેટ થઈ રહ્યાં છે. ગઈકાલે કમલમમાંથી વનવાસ અને પ્રતિબંધની ચાલેલી ચર્ચાઓ વચ્ચે આજે મોટો ખુલાસો એવો છે કે પ્રદિપસિંહ વાઘેલાએ 7 દિવસ પહેલાં જ રાજીનામું આપી દીધું છે એટલે તેઓ ફક્ત જવાબદારીઓમાંથી મુક્ત થયા છે. પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં ફક્ત જવાબદારી છોડી છે, આજે પણ હું પાર્ટીનો કમિટેડ કાર્યકર્તા છું અને મેં ક્યારેક કોઈ ખોટું કામ કર્યું નથી અને કરીશ પણ નહીં હાલમાં જે પણ મારી સામે આક્ષેપો થઈ રહ્યાં છે એ તમામ બાબતોમાંથી હું બહાર આવીશ. કમલમમાં આજે પણ જવાનો છું અને કાલે પણ જઈશ, એ મારું બીજું ઘર છે. હું જવાબદારી મુક્ત થયો છે કાર્યકર્તાની વિચારધારામાંથી નહીં. મારા થકી પ્રદેશ અધ્યક્ષને પણ ટાર્ગેટ કરાઈ રહ્યાં છે. જે પત્રિકા યુદ્ધ સુરતમાં શરૂ થયું છે એવું જ પત્રિકા યુદ્ધ અમદાવાદમાં પણ ચાલી રહ્યું છે. સુરતમાં થઈ કાર્યવાહી એ તો પાશેરામાં પૂણી સમાન છે. હજુ આ પ્રકરણમાં મોટા માથાઓ સંડોવાયેલા છે. આ સિવાયના ઘણા નેતાઓ પ્રત્રિકા યુદ્ધમાં જોડાયેલા છે. જે મામલે હજુ કાર્યવાહી થશે. પ્રદિપસિંહ વાઘેલા માટે એવું કહેવાય છે કે એમને પત્રિકા યુદ્ધ વિરુદ્ધમાં એસઓજીમાં ફરિયાદ કરી હતી. જેની તપાસ પણ ચાલી રહી છે. આગામી દિવસોમાં એમના સામે પત્રિકા ફેરવવામાં બીજા નેતાઓના નામ ખૂલે અને કાર્યવાહી થાય તો નવાઈ નહીં. ગુજરાતમાં 156 સીટો પર વિજેતા બન્યા બાદ પાટીલના વધી રહેલા કદને કાપવા માટે હવે ભાજપમાં જૂથવાદ વકર્યો છે. પાટીલ વિરોધી જૂથ પાટીલના નજીકના નેતાઓને ટાર્ગેટ કરી રહ્યું છે અને આ બાબતે દિલ્હી સુધી રજૂઆતો થઈ રહી છે. પ્રદિપસિંહ સામે હાલમાં જે આક્ષેપો થઈ રહ્યાં છે એ તો સમય આવે ખુલાસાઓ થશે પણ ભાજપની યાદવાસ્થળી હવે ચરમસીમાએ પહોંચી છે. નેતાઓ હદ વટાવે એમાં નવાઈ નહીં પણ ગુજરાતમાં પ્રથમવાર એક જૂથના નેતા બીજા જૂથના નેતાને ટાર્ગેટ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ પર છાંટા ઉડે એ પહેલાં પ્રદિપસિંહે ભાજપના પદો પરથી રાજીનામું આપીને એક કાર્યકર બનીને રહેવાનું પસંદ કર્યું છે. ભાજપમાં પત્રિકા યુદ્ધ મામલે દિલ્હી સુધી રજૂઆતો થઈ છે. એવું કહેવાય છે કે સુરતથી પાટીલ સામે નનામી પત્રિકા અને પેનડ્રાઈવ એ મોટા મોટા તમામ નેતાઓને મોકલાઈ હતી. ગુજરાતમાં પાટીલ જૂથનો વધતો દબદબો જોઈ ન શકતા એક જૂથે રીતસરનો મોરચો ખોલી દીધો છે. જેનો ભોગ પ્રદિપસિંહ વાઘેલા બન્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.