Home મધ્ય ગુજરાત અમદાવાદ વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનશે –

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનશે –

34
0

આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવવામાં આવી રહેલું આ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રદર્શિત કરશે લોથલનો ૫ હજાર વર્ષ કરતાં વધારે જૂનો ઇતિહાસ

રૂપિયા ૪,૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારુ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’(NMHC) માનવ સભ્યતાની પાપા પગલીનું સાક્ષી ઉપરાંત એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ પણ બનશે

મ્યુઝિમયમાં વિશ્વનું સૌથી ઊંચું ‘લાઇટ હાઉસ’ મ્યુઝિયમ, વિશ્વની  સૌથી મોટી ‘ઓપન એક્વેટીક ગેલેરી’  ભારતનું સૌથીં ભવ્ય ‘નેવલ મ્યુઝિયમ’ અહીંનુ વિશેષ આકર્ષણ બનશે…

૪૦૦ એકરના વિસ્તારમાં બની રહેલું આ મ્યુઝિયમ લોથલની આસપાસના  સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થાના વિકાસ સાથે હજારો લોકો માટે રોજગારીની અનેક તકોનું સર્જન કરશે ………

(જી.એન.એસ),તા૩૧

ધોળાવીરા-લોથલ

અમદાવાદ

પુરાતત્વીય ખોદકામથી ઐતિહાસિક પ્રાસંગિકતાના અનેક સ્થળો મળી આવ્યા છે. ભારતના ગૌરવ સમાન આ કેન્દ્રોમાં ધોળાવીરા અને લોથલનો પણ સમાવેશ થાય છે.  પ્રાચીન સમયમાં લોથલ, ભારતની સમુદ્રી ક્ષમતાનું સમૃદ્ધ કેન્દ્ર હતું. લોથલમાંથી ખોદકામ દરમિયાન મળેલા શહેરો, બંદરો અને બજારોના અવશેષોના શહેરી આયોજનમાંથી આજે ઘણું શીખી શકાય તેમ છે. આવા ‘લોથલ’ ખાતે ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’(NMHC) આકાર પામી રહ્યું છે. રૂપિયા ૪,૫૦૦ હજાર કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ કોમ્પલેક્ષમાં બનનારુ મ્યુઝિયમ’ માનવ સભ્યતાની પાપા પગલીનું સાક્ષી બનશે. 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ માર્ગદર્શન હેઠળ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ (NMHC)નું ગુજરાતના અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લોથલ ખાતેનું  ડોક્યાર્ડ વિશ્વનું સૌપ્રથમ માનવસર્જિત ડોકયાર્ડ છે જેને આજથી આશરે 5000 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. ભારત દેશના મેરીટાઈમ ઇતિહાસ અને ટેકનોક્રાફ્ટના મિશ્રણ સાથે તૈયાર થનારુ આ હેરિટેજ કોમ્પ્લેક્ષ લોકો માટે એક દર્શનીય સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનો અનુભવ બનશે. નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને તેને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવી તેની સારસંભાળ લેવામાં આવશે. આ પ્રોજેક્ટ સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થા વિકસાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. જેના પરિણામ સ્વરૂપે હજારો લોકો માટે રોજગારીની અનેક તકો અહીં સર્જાશે, તેમ જ સંખ્યાબંધ કુટીર ઉદ્યોગોના વિકાસની પણ અનેક રાહ ખુલશે એ પણ એટલું જ નિશ્ચિત છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં ‘પંચ પ્રણ’ વિશે વાત કરી હતી અને તેમાં વડાપ્રધાન શ્રીએ ‘આપણા વારસા માટે ગૌરવ’ની વાતને રેખાંકિત કરી હતી અને જણાવ્યું હતું કે આપણો સમુદ્રી વારસો આપણા પૂર્વજો દ્વારા આપણને સોંપવામાં આવેલો આવો જ એક વારસો છે. “આપણા ઇતિહાસની એવી ઘણી ગાથાઓ છે, જે વિસરાઇ ગઇ છે અને તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે તેને સાચવવાના માર્ગો શોધી શકાયા નથી. ભારતનો સમુદ્રી વારસો પણ આવો જ એક વિષય છે જેના વિશે અત્યાર થવી સુધી જોઈએ એટલી  ચર્ચા કરવામાં આવી નથી. તેને પગલે કેન્દ્ર સરકારના શીપીંગ વિભાગ દ્વારા ભવ્ય મ્યુઝિયમનું નિર્માણકાર્ય ચાલુ છે.

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ અમદાવાદથી ૭૫ કિલોમીટર દૂર આવેલા લોથલમાં આકાર પામી રહ્યું  છે. જ્યાં રોડ-માર્ગ મારફતે આરામથી પહોંચી શકાય છે. અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લોથલથી સૌથી નજીક આવેલું એરપોર્ટ છે. કુલ 400 એકરના વિસ્તારમાં આ પ્રોજેક્ટનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટનું નિર્માણ 3 ભાગમાં કરવામાં આવશે. પ્રોજેક્ટના પહેલા ભાગનું કાર્ય હાલ ચાલુ છે. આ પ્રોજેક્ટમાં દુનિયાનું સૌથી વિશાળ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ બનશે. દુનિયાના સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમનું નિર્માણ આ  કોમ્પ્લેક્ષમાં કરવામાં આવશે. દુનિયાની સૌથી મોટી ઓપન એક્વેટીક ગેલેરી પણ આ જ કોમ્પ્લેક્ષમાં બનાવવામાં આવશે. ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરવા માટે વિશ્વકક્ષાના આ નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષને તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મ્યુઝિયમનાં મુલાકાતીઓને એક વિશ્વકક્ષાના મ્યુઝિયમની મુલાકાતનો અનુભવ મળશે. તે મેરીટાઈમ સ્થાનોને તથા તેના ભવ્ય ઇતિહાસને રજુ કરતાં સ્થળનો અનુભવ કરાવશે. આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમના માસ્ટર પ્લાનની ડિઝાઇન મુલાકાતીઓને એક ભવ્ય મેરીટાઈમ ઇતિહાસમાંથી પસાર કરાવશે જેમાં શિક્ષણ, મનોરંજન અને આરામદાયક સમયની અનુભૂતિ હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાચીન સમયમાં લોથલ માત્ર સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય વેપાર કેન્દ્ર જ ન હતું, પરંતુ તે ભારતની સમુદ્રી શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક પણ હતું. એક સમય એવો હતો જ્યારે લોથલ બંદર ૮૪ દેશોના ધ્વજથી ચિહ્નિત હતું અને વલભી 80 દેશોના વિદ્યાર્થીઓનું ઘર હતું.

લોથલ ખાતેનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ ભારતના વૈવિધ્યસભર સમુદ્રી ઇતિહાસને શીખવા અને સમજવા માટે કેન્દ્ર તરીકે કાર્ય કરશે. લોથલમાં હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ રીતે કરવામાં આવી રહ્યું છે કે ભારતનો સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે. જેમાં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ જ યુગને ફરી સજીવન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોથલ, હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે તે જાણીતું છે. લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરની સ્મૃતિના જતન માટે એકદમ યોગ્ય છે.

બોક્સ – શું હશે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ?

આ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ લગભગ રૂ. ૪,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ૩૭૫ એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે. આ મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરીટાઇમ અને નેવી થીમ પાર્ક’,  ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કના નિર્માણના પગલે  ઘણી આવિષ્કારી અને યુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. હડપ્પન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી ૧૪ ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.

બોક્સ – લોથલમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનશે

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિક લાઇટહાઉસ મ્યુઝિયમ હશે. આ લાઇટહાઉસ મ્યુઝિયમ ૭૭ મીટરનું હશે જેમાં ૬૫ મીટર ઉપર  ઓપન ગેલેરી હશે, જે સમગ્ર સંકુલના તમામ મુલાકાતીઓને ઓપન એર વ્યુઇંગ ગેલેરી પ્રદાન કરશે. એટલું જ નહીં, રાત્રીના સમયે લાઇટિંગ શો પણ થશે.

બોક્સ – પ્રવાસીઓ માટે આકર્ષકણનું કેન્દ્ર

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. ૧૦૦ રૂમનું ટેન્ટ સિટી અને રિસોર્ટ પણ તૈયાર થશે. આખા મ્યુઝિયમમાં ફરવા માટે ઇ-કારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. ૫૦૦ ઇલેક્ટ્રિક કારના પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

બોક્સ – નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે

સૌથી અગત્યની વાત એ પણ છે કે. નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે. આમ, મેરિટાઈમની ડિગ્રી એક જગ્યાએ પ્રાપ્ત થશે. સાથો-સાથ   સ્ટુડન્ટ્સ એક્સેચેન્જ પ્રોગ્રામને વેગ મળશે.

બોક્સ – 66 કે.વીનું સબસ્ટેશન પણ બનાવાશે

આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રૂ.774 કરોડનો ખર્ચ થશે. આ કેન્દ્રને જોડતો ફોરલેન રસ્તો બનાવવામાં આવનાર છે.  આ  ઉપરાંત 66 કે.વીનું સબસ્ટેશન પણ બનાવવામાં આવશે. માત્ર મેરિટાઈમ કોમ્પલેક્ષ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે. કેનાલ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે જેના કારણે સ્થાનિક ખેડૂતોની સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા પણ ઉકેલી શકાશે.

પોતાના ઇતિહાસને કારણે આપણને ગૌરવથી છલકાવી દેતું લોથલ હવે આવનારી પેઢીઓના ભવિષ્યનું ઘડતર પણ કરશે. લોથલમાં તૈયાર કરવામાં આવી રહેલું નેશનલ મેરીટાઇમ મ્યુઝિયમ દેશના સમુદ્રી વારસાની વાત આવે ત્યારે દરેક ભારતીય માટે ગૌરવની બાબત બની જશે. લોથલ તેની જૂની ભવ્યતા સાથે વિશ્વ સમક્ષ આવશે.

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષની ખાસિયતો

             કોમ્પલેક્ષમાં 14 જેટલી ગેલેરી અને સંગ્રહાલયનું નિર્માણ

             લોથલના ઇતિહાસથી મુલાકાતીઓને કરાવશે પરિચય

             કોમ્પલેક્ષમાં બની રહેલું 77 મીટર ઊંચું વિશ્વનું સૌથી મોટું લાઈટ હાઉસ મ્યુઝિયમ

             ભવ્ય નેવી ગેલેરીની રચના: INS નિશાંક, સી હેરિયર જેટ્સ અને નેવી ચોપર્સનું પ્રદર્શન

             લોથલની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા નગરનું નિર્માણ

             વિશ્વકક્ષાનું એડવેન્ચર અને એમ્યુઝમેન્ટ પાર્ક

             મેરીટાઈમ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની રચના

             કોમ્પલેક્ષમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જળમાર્ગની રચના.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતને સાયબર સેફ બનાવવા માટે સુરત પોલીસના સાયબર સંજીવની ૨.૦ અભિયાનનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ
Next article૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૩ – રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે