(GNS),28
ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાઝને પગની ઘૂંટીને દુખાવાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે ક્રિકેટ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. તે હવે ભારત પરત ફરશે તેમ ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) ગુરુવારે જાહેર કર્યું હતું. તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટની સિરીઝમાં મોહમ્મદ શમીની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાઝ ભારતીય ટીમનો અગત્યનો બોલર બની રહ્યો હતો. તેણે બીજી ટેસ્ટમાં પાંચ વિકેટ પણ ખેરવી હતી. આ સિરીઝમાં ભારતનો 1-0થી વિજય થયો હતો. ભારતીય ટીમ ગુરુવારથી શરૂ થઈ રહેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝમાં રમનારી છે ત્યારે ટેસ્ટ ટીમના રવિચંદ્રન અશ્વિન, અજિંક્ય રહાણે, કે એસ ભરત અને નવદીપ સૈનીની સાથે સિરીઝ પણ ભારત પરત ફરી રહ્યો છે.
બીસીસીઆઈએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે મોહમ્મદ સિરાઝને ભારતીય વન-ડે ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગુરુવારથી ત્રણ મેચની વન-ડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. બોર્ડે જણાવ્યું હતું કે ઝડપી બોલર સિરાઝને પગની ઘૂંટીના દુખાવાની સમસ્યા છે અને બોર્ડની મેડિકલ ટીમની સલાહ મુજબ સાવચેતીના પગલારૂપે તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે તેને બદલે અન્ય કોઈ ખેલાડીની માગણી કરી નથી. સિરાઝ વેસ્ટ ઇન્ડિઝ સામેની બંને ટેસ્ટમાં રમ્યો હતો જેમાં તેણે પોર્ટ ઓફ સ્પેન ખાતેની બીજી ટેસ્ટમાં 60 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. સિરાઝની ગેરહાજરીમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણમાં હવે જયદેવ ઉનડકટ, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક અને ક્યારેય વન-ડે નહીં રમેલા મુકેશ કુમારનો સમાવેશ થાય છે. બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે આઇપીએલ બાદ સિરાઝ સતત રમી રહ્યો છે. આ ગાળામાં તે ત્રણ ટેસ્ટ રમ્યો છે. હવે તે સીધો એશિયા કપ માટેના એનસીએના કેમ્પમાં જોડાશે. એવા પણ અહેવાલ છે કે મુખ્ય ટીમમાં નિયમિત રમી રહેલો એકેય ખેલાડી કે જેઓ વર્લ્ડ કપ માટેની ટીમ માટે નિશ્ચિત દાવેદાર છે તેવા ખેલાડી આયર્લેન્ડ જનારા નથી. આમ સિરાઝને આયર્લેન્ડના પ્રવાસ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.