Home ગુજરાત બોટાદના સાળંગપુર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું

બોટાદના સાળંગપુર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું

19
0

*

પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે

—————

રાજ્યના ૬.૫ લાખ ખેડૂતો હાલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

*

પ્રાકૃતિક કૃષિને આશીર્વાદરૂપ ગણાવી વધુને વધુ ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા રાજ્યપાલશ્રીનો અનુરોધ

*

આગામી બે વર્ષમાં ગુજરાત ઝેરમુક્ત બનશે તેવી પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા રાજ્યપાલશ્રી

*

રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર તથા ગુજરાત પ્રાકૃતિક અને ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી વચ્ચે ૫ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્ર શરૂ કરવા અંગે MOU કરાયા

*

બી.એ.પી.એસ. યજ્ઞપુરુષ વાડી, સાળંગપુર ખાતે જીવામૃત નુતન પ્લાન્ટ અને ગુજરાતના પ્રથમ મહંતમ્ પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્રનો પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રી

(જી.એન.એસ),તા.૧૪

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સાળંગપુરના બી.એ.પી.એસ.મંદિરના સભાખંડ ખાતે મહંતમ્ પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું હતું. પ્રાકૃતિક કૃષિના જન અભિયાનથી દેશમાં કૃષિક્ષેત્રના સર્વાંગી વિકાસનો  નવો અધ્યાય શરૂ થયો છે, ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ, જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે પાણીની બચત થવાની સાથે કૃષિ ખર્ચ નહિવત આવે છે.

તેમણે પ્રાકૃતિક કૃષિને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. રાસાયણિક ખાતરથી થતી ખેતીને પરિણામે માનવીય આરોગ્ય પર ગંભીર અસરો જોવા મળી રહી છે. જેનો એક માત્ર ઉકેલ પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક  કૃષિના માધ્યમથી દેશમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. પ્રાકૃતિક કૃષિક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોડલ સ્ટેટ બની પ્રેરણારૂપ કાર્ય કરશે એમ રાજ્યપાલશ્રીએ કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વાવાઝોડું અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ માટે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર માનવામાં આવી રહ્યું છે, પરંતુ રાસાયણિક અને જૈવિક ખેતી પણ એટલી જ જવાબદાર છે.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહયોગથી રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યાં છે. હાલ ગુજરાતમાં ૬.૫ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં હોવાની સાથે માત્ર ત્રણ જ મહિનાના ટૂંકા ગાળામાં ૯,૨૭,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમબદ્ધ કરાયાં છે. આગામી બે વર્ષમાં ગુજરાતની કૃષિ રસાયણમુક્ત બનશે તેવી પ્રતિબધ્ધતા રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી પર્યાવરણ, જળ, ગૌમાતા, ધરતીમાતાની રક્ષા થશે. લોકોના સ્વાસ્થ્યની સાથે આરોગ્ય સુખાકારી પણ વધશે. આથી રાસાયણિક અને જૈવિક ખેતીને કાયમી તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલશ્રીએ અપીલ કરી હતી. 

કાર્યક્રમ બાદ રાજ્યપાલશ્રીએ બોટાદ જિલ્લા આત્મા વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે જિલ્લામાં તાલીમ આપતા ફાર્મર માસ્ટર ટ્રેનર્સ (FMT)  સાથે સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યાં હતાં. કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીએ  બી.એ.પી.એસ. યજ્ઞપુરુષ વાડી ખાતે જીવામૃત નૂતન પ્લાન્ટ અને સમગ્ર ગુજરાતનાં પ્રથમ મહંતમ્ પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્રનો શુભઆરંભ કરાવ્યો હતો. આ પ્લાન્ટ થકી જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અને પ્રોત્સાહન વધશે તથા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી ગુણવત્તાલક્ષી વધુ ઉત્પાદન મેળવી શકશે.

ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડીયાએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે પૂ.જ્ઞાનેશ્વરદાસ સ્વામીજી, પૂ.વિવેકસાગર સ્વામીજી તેમજ રાજ્યના  પ્રાકૃતિક કૃષિના સંયોજકશ્રી મહાત્મા પ્રફુલ્લભાઈ સેંજલીયાએ પ્રાકૃતિક ખેતી અંગે  પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ અવસરે રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર અને ગુજરાત પ્રાકૃતિક અને ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી વચ્ચે ૫ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્ર શરૂ કરવા અંગે એમ.ઓ.યુ. કરવામાં આવ્યાં હતાં. આ પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્ર દેશ માટે ઉદાહારણીય સાબિત થશે.

કાર્યક્રમ બાદ રાજ્યપાલશ્રીએ બી.એ.પી.એસ.યજ્ઞપુરુષ ગૌશાળાની મુલાકાત લઈને ગૌશાળા અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં આત્માના નિયામક શ્રી પ્રકાશભાઈ રબારી, ખેતી નિયામક શ્રી સોલંકી,  કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી ડૉ. નરેશભાઈ કેલાવાળા, જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે. એફ. બળોલીયા, અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશ પરમાર સહિત ગણમાન્ય સાધુસંતો તેમજ પ્રગતિશીલ ખેડૂતો,  જિલ્લાના અધિકારીશ્રીઓ, આત્મા વિભાગના અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field