(GNS),03
ઉતર પ્રદેશ સરકારે ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પોલીસ કસ્ટડીમાં કરાયેલ હત્યા અંગેની તપાસ બાબતે, સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. તેમાં સરકારે તેમનો જવાબ પણ દાખલ કર્યો છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા અંગે ઘટનાની તપાસ માટે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં 5 સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. આ કેસમાં અનેક સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારે, ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બીએસ ચૌહાણની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા આપવામાં આવેલા સૂચનોના પાલન વિશે પણ માહિતી આપી છે. એડવોકેટ વિશાલ તિવારીની અરજી પર ઉતર પ્રદેશ સરકારે સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે.
સુપ્રીમ કોર્ટ સોમવારે ઉતર પ્રદેશ સરકારે રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટ અંગે સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે, અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાને લઈને, આતિકની બહેન આયશાએ માફિયા ભાઈઓની હત્યાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અથવા સ્વતંત્ર એજન્સીની આગેવાની હેઠળની સમિતિ દ્વારા વ્યાપક તપાસની માંગ કરવામાં આવી હતી. અતીક બેહેને કહ્યું કે, ઉતર પ્રદેશમાં સરકારની મદદથી જ ગેરકાયદેસર બિન ન્યાયિક હત્યાનું અભિયાન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, તેમના પરિવારના સભ્યો અને અન્ય વ્યક્તિઓના મૃત્યુ એ ઉતર પ્રદેશ સરકાર દ્વારા એક દુષ્ટ, મનસ્વી અને ગેરકાયદેસર અભિયાનનો ભાગ છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ, NHRCએ પણ કાયદો અને વ્યવસ્થાના નામે અતિક અહેમદ અને અશરફ અહેમદની પોલીસ કસ્ટડીમાં હત્યા અંગે ટીકા કરી છે. અતીકની બહેનની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે યુપી સરકાર બદલાની ભાવનાથી તેના પરિવાર વિરુદ્ધ કામ કરી રહી છે. આયેશાએ પોતાની અરજી દ્વારા પરિવારના સભ્યોની સુરક્ષાની માંગ કરી છે.
અતીક અને અશરફની હત્યા માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે હત્યા અને ગુનાહિત ષડયંત્રના આરોપસર કેસ નોંધવાની પણ માંગ કરી હતી. અતીકની બહેન પહેલા એડવોકેટ વિશાલ તિવારીએ અતીક અને અશરફની હત્યાની ન્યાયિક તપાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. તેમણે પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ કરવાની માંગ કરી હતી. આ સાથે પીઆઈએલમાં 2017થી એપ્રિલ સુધી થયેલા 183 એન્કાઉન્ટરોની તપાસ પણ નિષ્ણાત સમિતિ દ્વારા કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુપીના પ્રયાગરાજમાં 15 એપ્રિલની રાત્રે માફિયા અતીક અને તેના ભાઈ અશરફની ત્રણ શૂટરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આરોપીઓની ઓળખ અરુણ મૌર્ય, સની અને લવલેશ તિવારી તરીકે થઈ હતી. ત્રણેય જણા પત્રકારના સ્વાંગમાં પોલીસ કાફલા પાસે પહોંચ્યા. આ પછી, અતીક અને તેના ભાઈ અશરફે જ્યારે મીડિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું કે તરત જ ત્રણેય આરોપીઓએ એકાએક ફાયરિંગ શરુ કરી દીધું. આ દરમિયાન લગભગ 18 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી, જેમાંથી 8 ગોળીઓ અતીક અહેમદને વાગી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.