પ્રજાકલ્યાણના નવતર રાહ શોધવાનું કામ કરે છે ચિંતન શિબિર – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
– મુખ્યમંત્રીએ કહ્યું કે
·ચિંતન શિબિરમાં વૈચારિક તાકાત ઉભી કરવાની સાથે જનસેવાના સંકલ્પને દોહરાવવા ઉપરાંત સરકારની સેવાને વધુ સુલભ બનાવવાનું વિચાર મંથન
·નવતર બાબતોના અમલમાં કેવી મુશ્કેલી કે પડકારો આવી શકે, તે શોધવા માટે ચિંતન શિબિરના વિચારો બહુ જ ઉપયોગી નિવડે છે
·પ્રજાકલ્યાણનું શ્રેષ્ઠ કર્મ કરવું હોય તો નવોન્મેષ વિચારો સાથે આગળ વધવા મુખ્યમંત્રીનું પ્રેરક આહ્વાન
·રાજ્ય સરકાર નાગરિકોના હિતમાં સારી તમામ બાબતો અને સૂચનોના આધારે કામ કરી રહી છે
·સુશાસન તેમજ સામાન્ય માનવીના ભલા માટે વૈષ્ણવજન જેવા નિષ્કામ ભાવ કેળવીએ
મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રિવન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું લોચિંગ કર્યું
(જી.એન.એસ),તા.૨૧
કેવડીયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે યોજાયેલી રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિરનું સમાપન કરાવતા કહ્યું કે, અંત્યોદય-છેવાડાના માનવીને પણ સરકારી સેવા કે યોજનાનો લાભ મેળવવામાં કોઇ મુશ્કેલી ના પડે તેવી રાજ્ય સરકારની નવતર કાર્યશૈલી વિકસાવવા અને તેમાં ટેક્નોલોજીનો વિનિયોગ કરવા ચિંતન શિબિર ખૂટતી કડીઓ પૂરવાનું કામ કરે છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ચિંતન શિબિરમાં વૈચારિક તાકાત ઉભી કરવાની સાથે જનસેવાના સંકલ્પને દોહરાવવા ઉપરાંત સરકારની સેવાને વધુ સુલભ બનાવવાનું વિચાર મંથન થયું છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને હજું પણ આપણે શ્રેષ્ઠ કામગીરી કરી શકીએ એમ છીએ. ચિંતનશિબિર આપણને સૌને નિજદર્શન કરવાની તક આપે છે. કોઇ જગ્યાએ કંઇ મુશ્કેલી હોય તો તેને આ શિબિરના માધ્યમથી ઉકેલી શકાય છે.
પહેલ કરવાની વૃત્તિ વિકસાવવાનું આહ્વાન કરતા મુખ્યમંત્રી પટેલે એ કહ્યું કે, શુભકાર્યની શરૂઆત તો કરવી જ પડે. સારા કાર્યોમાં શરૂઆતના તબક્કે થોડા વિઘ્નો પણ આવી શકે છે. આવા વિઘ્નોને દૂર કરવાની પણ આપણા સૌમાં ક્ષમતા રહેલી છે. નવતર બાબતોના અમલમાં કેવી મુશ્કેલી કે પડકારો આવી શકે, તે શોધવા માટે ચિંતન શિબિરના વિચારો બહુ જ ઉપયોગી નિવડે છે. પ્રજાકલ્યાણનું શ્રેષ્ઠ કર્મ કરવું હોય તો નવોન્મેષ વિચારો સાથે આગળ વધવું પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ નવતર પહેલ કરવાની વૃત્તિ બાબતે ઉદાહરણ આપતા કહ્યું કે, વડાપ્રધાન મોદી એ જ્યારે ડિઝીટલ ઇન્ડિયાની શરૂઆત કરી ત્યારે બધાને એમ લાગતું હતું કે, આવી રીતે કોણ પેમેન્ટ કરશે. પણ આજે આપણે સૌ જોઇ શકીએ છીએ કે, સમગ્ર વિશ્વમાં ડિઝીટલ પેમેન્ટમાં ૪૦ ટકાનો હિસ્સો ભારતનો છે. પ્રજાનું હિત જોઇ અને જાણી યોજનાનો અમલ કરવો જોઇએ. યોજનાના પ્રારંભે કોઇ મુશ્કેલી હોય તો તેને દૂર કરી શકાય છે.
ચિંતન શિબિરના માધ્યમથી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર થાય છે, એમ કહેતા મુખ્ય મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર નાગરિકોના હિતમાં સારી તમામ બાબતો અને સૂચનોના આધારે કામ કરી રહી છે. આવા સૂચનો અને ચિંતનશિબિરના મનોમંથનમાંથી આવેલા નિષ્કર્ષો ઉપર ત્વરિત કામ કરવા તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ અધિકારીઓને તણાવમુક્ત વાતાવરણમાં કામગીરી કરવાનું અનુરોધ કરી ફરજનિષ્ઠાથી કર્મઠ રહીને સુશાસન તેમજ સામાન્ય માનવીના ભલા માટે વૈષ્ણવજન જેવા નિષ્કામ ભાવથી કામ કરવા પ્રેરક સૂચન કર્યું હતું.
તેમણે માનવગૌરવ ગાન અને વૈષ્ણવજન ભજનનો સાર કહેતા જણાવ્યું કે, આપણને સૌને કુદરતે સરકારમાં રહીને સેવા કરવાની તક આપી છે. ત્યારે જનસેવાની એક પણ તક ચૂકવી જોઇએ નહીં.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી, આચરણ અને પ્રજાના પ્રશ્નો સમજી તેને સકારાત્મક રીતે હલ કરવાની રીત આપણને ઘણું શીખવે છે. તેમણે ચિંતન શિબિરનો હેતું મેં નહીં, હમ અને વન ટીમ, વન વિઝન, વન મિશન, ટીમ ગુજરાત થકી સમજાવ્યો છે. આ બાબત આપણને એક ટીમ બની કામ કરવાની પ્રેરણા આપે છે.
તેમણે કહ્યું કે, એક ટીમ બની કેવી રીતે કામ કરવું એ વિશે વડાપ્રધાનશ્રીએ એક સારી બાબત કહી છે. ટીમમાં ભાષા અનેક, ભાવ એક. રાજ્ય અનેક, રાષ્ટ્ર એક. પંથ અનેક, લક્ષ્ય એક. બોલી અનેક, સ્વર એક. રંગ અનેક, તિરંગો એક. સમાજ અનેક, ભારત એક. રિવાજ અનેક, સંસ્કાર એક. યોજના અનેક, મકસદ એક. કાર્યસંકલ્પ અનેક, રાહમંઝીલ એક. પહેરાવ અનેક, પ્રતિભા એક. ચહેરા અનેક, મુસ્કાન એક એમ વિવિધતામાં એકતા સાથે કામ કરવાનું છે.
મુખ્યમંત્રીએ સૌ એક થઇ, નેક થઇ ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના વડાપ્રધાન મોદીના સંકલ્પને સાકાર કરવા આહ્વાન કર્યું હતું.
તેમણે પોતાના પ્રવચનના પ્રારંભે વડાપ્રધાન મોદી ફરી એક વખત ગ્લોબલ લિડર રેંકિંગમાં ૭૮ ટકા લોકોની પસંદગી સાથે નંબર વન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રિવન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું લોચિંગ કર્યું હતું.
અંતમાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે નાણામંત્રી કનુભાઇ દેસાઇ, મુખ્ય સચિવ રાજકુમાર, કેન્દ્ર સરકારના સચિવ વી. નિવાસ, મંત્રીમંડળના સદસ્યો, વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.