પ્રધાનમંત્રીના ‘નલ સે જલ’ મિશનને વધુ વેગ આપવા
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં દૈનિક ૩,૨૦૦ MLD પીવાના પાણીનું વિતરણ
પીવાના પાણી ક્ષેત્રે ૧૦૦ દિવસની સિદ્ધિઓ
પાણી પુરવઠાની ૨૩ યોજનાઓમાં રાજ્યના ૧૩ જિલ્લાને આવરી લેવાયા
આગામી ૧૦૦ દિવસમાં કુલ ૧૧૩૮ ગામોની કુલ ૧૫ યોજના દ્વારા વધુ ૩૨ લાખ નાગરિકોને પાણીનો લાભ મળશે
પાણીની ગુણવત્તાની ચકાસણી માટે NABL માન્ય ૧ રાજ્ય લેબ, ૩૩ જિલ્લા તેમજ ૪૫ તાલુકા લેબ કાર્યરત
ગ્રામીણ સ્તરે ફિલ્ડ ટેસ્ટીંગ કીટ દ્વારા ૧૦૦ દિવસમાં ૧.૨૦ લાખના લક્ષ્યાંક સામે ૧.૯૨ લાખથી વધુ પીવાના પાણીના સેમ્પલ પરીક્ષણ કરાયા
ગ્રામીણ કક્ષાએ પાણી વિતરણ કરતાં ૭,૦૦૦ના લક્ષ્યાંક સામે ૮,૧૬૬ ઓપરેટરોને તાલીમ –ટુલકીટનું વિતરણ
ચાલુ વર્ષના બજેટમાં કુલ ૬,૦૦૦ કરોડની જોગવાઇ સામે ‘નલ સે જલ’ યોજના માટે રૂા.૨૬૦૨ કરોડ
(જી.એન.એસ),૧૯
કોઇપણ માનવ સંસ્કૃતિના સર્વાંગી વિકાસમાં પાણીની ભૂમિકા ખૂબજ મહત્વની છે, આ ધ્યેય મંત્રને ચરિતાર્થ કરવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના તમામ ઘરોમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પુરુ પાડવાના લક્ષ્ય સાથે ‘નલ સે જલ’ મિશન શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલુ વર્ષના બજેટમાં પાણી પુરવઠાની કુલ ૬,૦૦૦ કરોડની જોગવાઇ સામે ‘નલ સે જલ’ યોજનાને વધુ વેગ આપવા માટે રૂા.૨૬૦૨ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ મિશન હેઠળ શહેરી- ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી વર્તમાન સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં વિવિધ વિભાગોએ પ્રજાહિતના કાર્યો કરવાના લક્ષ્યાંક નક્કી કર્યા હતા. પાણી પુરવઠા દ્વારા ૧૦૦ દિવસમાં કુલ ૨૪ યોજનાઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. જે અંતર્ગત કુલ ૨૪માંથી ૨૩ યોજનાઓ પૂર્ણ કરી ગ્રામીણ વિસ્તારોમાં યોજનાઓનો લાભ આપવાનું શરૂ કરાયું છે. આમ લક્ષ્યાંક સામે અત્યાર સુઘીમાં ૯૬ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે જેના ફળ સ્વરૂપે અત્યાર સુઘીમાં ગુજરાતની ૬૬ લાખથી વઘુ વસ્તીને તેમના ઘર સુધી પીવાના શુદ્ધ પાણીનો લાભ મળતો થયો છે.
વધુમાં આ યોજનાઓ પૂર્ણ થતાં સુરત, નર્મદા, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, પાટણ, ખેડા, બનાસકાઠા, પંચમહાલ, વડોદરા તથા તાપી એમ કુલ ૧૩ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને લાભ મળી રહ્યો છે તેમ,મંત્રીએ ઉમેર્યું હતું.
જળ એ માનવ જીવનનો મુખ્ય આધારસ્તંભ છે તેમ જણાવી મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સલામત-પર્યાપ્ત તેમજ ગુણવતાયુકત પીવાનું પાણી આપવા અથાગ પ્રયત્નો કર્યા છે. રાજયના દૂરંદેશી નેતૃત્વ અને પાણી પુરવઠા વિભાગની રાજ્યને પીવાના પાણીની દ્રષ્ટિએ જળ સલામતીના લીધેલા છેલ્લા ૨૦ વર્ષના પારદર્શક આયોજન અને સચોટ-ત્વરિત અમલના પરિણામે આજે દૈનિક ૩,૨૦૦ એમએલડી જેટલું પીવાનું પાણી ગ્રામીણ વિસ્તારમાં પુરૂ પાડી વધુ એક વાર ગુજરાત મોડલનું ઉત્તમ ઉદારહણ રજૂ કર્યુ છે.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગને આગામી ૧૦૦ દિવસમાં કુલ ૯૦૫ ગામોની ૮ યોજનાઓના કામો શરૂ કરી ૨૭ લાખ લાભાર્થીઓને લાભ આપવાનું આયોજન કરવા લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ દિવસમાં કુલ ૧,૧૩૮ ગામોની કુલ ૧૫ યોજનાઓના કામો શરૂ કરવામાં
આવ્યા છે. આ યોજનાઓ પૂર્ણ થતાં અમદાવાદ, કચ્છ, જૂનાગઢ, ગાંઘીનગર, તાપી, મહેસાણા, નવસારી, છોટાઉદેપુર, અમરેલી અને મહિસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની ૩૨ લાખથી વઘુ નાગરિકોને લાભ મળશે.
મંત્રીએ પાણીની ગુણવત્તા ચકાસણીની કામગીરીની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં પાણીની ગુણવત્તા ચકાસણી માટે ૧ સ્ટેટ લેબોરેટરી, જિલ્લા કક્ષાની ૩૩ લેબોરેટરી અને તાલુકા કક્ષાની ૪૫ એમ તમામ NABLની માન્યતા પ્રાપ્ત લેબ કાર્યરત છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી માટે રાજ્યભરની જિલ્લા તથા તાલુકા એમ કુલ ૮૦ પ્રયોગશાળાઓ તથા ગ્રામ પંચાયત સ્તરે ફીલ્ડ ટેસ્ટીંગ કીટ દ્વારા પીવાના પાણીના કુલ ૧,૨૦,૦૦૦ સેમ્પલ પરીક્ષણની કામગીરી દિન ૧૦૦માં પૂર્ણ કરવાના નિર્ઘારીત લક્ષ્યાંક સામે કુલ ૧,૯૨,૭૯૭ પીવાના પાણીના સેમ્પલનું સફળ પરીક્ષણ કરાયું છે એટલે કે લક્ષ્યાંક સામે અત્યાર સુઘીમાં ૧૬૦ ટકાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
મંત્રી કુંવરજીએ કહ્યું હતું કે, ગ્રામીણ સ્તરે પાણીની યોગ્ય વિતરણ વ્યવસ્થા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ દિવસમાં પાણી વિતરણ કરતા પંચાયત હસ્તકના કુલ ૭,૦૦૦ ઓપરેટરોને તાલીમ–ટુલકીટ આપવા માટેના લક્ષ્યાંક સામે ૮,૧૬૬ ઓપરેટરોને તાલીમ આપી ટુલકીટ વિતરણ કરવામાં આવ્યું છે. આમ લક્ષ્યાંક સામે અત્યાર સુઘીમાં ૧૧૬ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ માટે રાજ્યના ૩૩ જિલ્લાની ૨૪૧ તાલુકા કક્ષાની આઈ.ટી.આઈ કેન્દ્રો ખાતે ઓપરેટરોને તાલીમ પણ આપવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે, પીવાના પાણીની દ્રષ્ટીએ નિર્ઘારીત કરેલ લક્ષ્યાંક પૂર્ણ કરી સમાવિષ્ટ ગામો માટે જળ સલામતીની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તે પરિવર્તનકારી વહિવટ એટલે કે “ટ્રાન્સફર્મેટીવ ગવર્નન્સ”
નું એક અનેરુ ઉદાહરણ છે. પાણીની પુરતી ઉપલબ્ધતાથી સામાજિક અને આથિક વિકાસને વધુ વેગ મળે છે. આ ઉપરાંત શુદ્ધ અને પુરતાં પાણીની સુનિશ્ચિતતાને પરિણામે રાજયની મહિલાઓ અને બાળકોને દૂર-દૂરથી પાણી ભરવાની હાડમારીમાંથી મુક્તિ મળી છે. ગુજરાતમાં તમામને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પહોંચાડવાના પરિણામે માનવ વિકાસ સૂચકાંકમાં વધારો તેમજ પાણીજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના આ દિશામાં રાજ્ય સરકારની એક મોટી ઉપલબ્ધિ છે. આદિજાતિ વિસ્તારના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અમલી બનાવી છે જે પાણી ક્ષેત્રે ગુજરાતના પાણીદાર આયોજનનું ઉત્તમ ઉદાહરણ છે.