(જી.એન.એસ) તા.16
કાશ્મીર
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કાશ્મીરના ગુલમર્ગના પ્રવાસે છે. રાહુલ ગાંધી અહીં બુધવારે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં બરફ પર સ્કીઇંગની મજા માણી હતી તેમજ પ્રખ્યાત ગોંડોલા કેબલ કાર પર સવારી કરી હતી. ગુરુવારે પણ રાહુલ અહીં જ રોકાશે.
રાહુલ ગાંધી બુધવારે શ્રીનગર એરપોર્ટથી સીધા ગુલમર્ગ જવા રવાના થયા હતા. તેઓ તંગમર્ગમાં પણ થોડો સમય રોકાયા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી નહોતી અને માત્ર દૂરથી જ પ્રણામ કર્યા હતા. તેઓ અહીંના સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. રાહુલે પ્રવાસીઓ સાથે વાતચીત પણ કરી હતી.રાહુલ સાથે મુલાકાત કર્યા બાદ એક પ્રવાસીએ જણાવ્યું હતું કે અમે ભાગ્યશાળી છીએ કે અહીં અમારી રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ. જ્યારે અન્ય એક પ્રવાસીએ કહ્યું હતું કે રાહુલ ભારત જોડો યાત્રા પૂરી કર્યા બાદ રજાઓ માણવાના હકદાર છે. આ પહેલાં રાહુલ ભારત જોડો યાત્રાના અંતિમ પડાવ દરમિયાન 29 જાન્યુઆરીએ શ્રીનગર પહોંચ્યા હતા. તેમણે 145 દિવસની ભારત જોડો યાત્રા પૂરી કરી હતી.શ્રીનગરમાં લાલચોક ખાતે ત્રિરંગો ફરકાવ્યા બાદ તેમણે બહેન પ્રિયંકા ગાંધી સાથે હિમવર્ષાનો આનંદ પણ માણ્યો હતો. મળતી માહિતી મુજબ, ગુરુવારે રાહુલ રાજકીય લોકો સાથે એક બેઠક પણ કરી શકે છે.145 દિવસની મુલાકાત પછી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. સમાપન સમારોહ દરમિયાન ભારે હિમવર્ષા પણ થઈ હતી. રાહુલ અને પ્રિયંકા બંને હિમવર્ષાની મજા માણતાં જોવા મળ્યાં હતાં.રાહુલની ભારત જોડો યાત્રા ગયા વર્ષે 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. તેમણે શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. તેઓ સુરક્ષાકર્મીઓની કારમાં ત્યાં પહોંચ્યાં હતાં. તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં હતાં. ત્રિરંગો ફરકાવ્યા બાદ રાહુલની ભારત જોડો યાત્રા સમાપ્ત થઈ ગઈ હતી.જ્યારે પણ દેશમાં કોઈ મોટી ઈવેન્ટ થાય છે ત્યારે રાહુલ ગાંધી રજા મનાવવા ચાલ્યા જાય છે. ઘણી વખત એવું બન્યું છે કે દેશમાં કે કોઈ રાજ્યમાં ચૂંટણી બાદ તેઓ ઈટાલી કે કોઈ અન્ય દેશમાં રજા મનાવવા માટે ગયા હોય. ગયા વર્ષે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ઈટાલી ચાલ્યા ગયા હતા. એ બાબતે ભાજપે તેમના પર નિશાન સાધતા પ્રહાર કર્યા હતા. આ વખતે પણ ભારત જોડો યાત્રા જેવી મોટી ઈવેન્ટ બાદ તેઓ રજા મનાવવા ચાલ્યા ગયા છે.રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થઈ ગઈ. તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રાએ લગભગ 3570 કિલોમીટરનું અંતર કાપ્યું છે. કુલ 146 દિવસની આ યાત્રામાં રાહુલે 14 રાજ્યની સરહદોને સ્પર્શી છે, જેમાં તામિલનાડુની કન્યાકુમારીથી લઈને કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, યુપી, દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.
રાહુલે કહ્યું હતું કે તેમની મુલાકાતનો ઉદ્દેશ રાજકીય નથી, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે કોંગ્રેસ દેશના દક્ષિણથી ઉત્તર સુધીનો પ્રવાસ કરીને 372 લોકસભા બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક પૂર્વ મંત્રીએ નામ ન આપવાની શરતે કહ્યું – અમે ભારત જોડો યાત્રા દ્વારા રાહુલ ગાંધીની નવી છબિ બનાવવામાં સફળ રહ્યા છીએ. લગભગ પાંચ મહિના પછી રાહુલ જનતા સાથે જોડાયેલા ગંભીર નેતા તરીકે ઊભરી આવ્યા છે. હવે તેઓ વિપક્ષનું નેતૃત્વ કરી શકે છે અને વડાપ્રધાન પદના ઉમેદવાર પણ બની શકે છે.
(જી.એન.એસ)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.