Home ગુજરાત ઉત્તર ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ધોરડોમાં G-20 અંતર્ગત ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ધોરડોમાં G-20 અંતર્ગત ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક યોજાઈ

63
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 પ્રેસીડેન્સીની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકનો કચ્છના ધોરડોથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, TWG બેઠકના સામુહિક ચિંતનથી ટુરિઝમ સેક્ટરને નવી દિશા અને ઊર્જા મળશે.

વિકાસમાં પ્રવાસનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશ અને દુનિયાના જીડીપીમાં ટૂરિઝમનું મહત્ત્વનું યોગદાન છે.

ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં લેવાઇ રહેલા પગલાંઓનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યુ કે, નવી પ્રવાસન નીતિ અંતર્ગત રાજ્યમાં પ્રવાસનના વિકાસની સાથે-સાથે પર્યાવરણ સમૃદ્ધિનો એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે.

બે દાયકા પહેલાં કચ્છના ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા અને હજ્જારો ઘર ધ્વસ્ત થઈ ગયા હતા. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાક પ્રયત્નોએ આફતને અવસરમાં પલટાવી દીધી છે. તેમની દૂરદર્શિતા અને માર્ગદર્શનના પરિણામે કચ્છ ફરી બેઠું થયું અને વિકાસના માર્ગ પર આગેકૂચ કરી રહ્યું છે તેનો મુખ્યમંત્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ કચ્છમાં ઔદ્યોગિક વિકાસની સાથે પ્રવાસનની પણ અપાર સંભાવનાઓ નિહાળીને શરુ કરાવેલો રણોત્સવ આજે દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રધાનમંત્રીએ કચ્છના રણને વિશ્વના માનચિત્રમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે.

ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની મહત્ત્વની પાંચ પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાંચમાંથી એક પ્રાથમિકતા ગ્રીન ટૂરિઝમ પણ છે. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની યાદમાં નિર્માણ થયેલું સ્મૃતિવન સ્મારક ગ્રીન ટૂરિઝમનું ઉદાહરણ છે. આ સ્મૃતિ વનમાં પચાસ ચેકડેમ અને ત્રણ લાખથી વધુ છોડના વાવેતરથી ગ્રીન ટૂરિઝમને નવી દિશા મળી છે.

દેશમાં પ્રવાસનના વિકાસની અપાર સંભાવનાઓને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વર્ષના અમૃત બજેટમાં પ્રવાસનના વિકાસ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. વડાપ્રધાને ચેલેન્જ મોડના માધ્યમથી દેશમાં પ્રવાસનના 50 સ્થળોની પસંદગી કરી છે અને આ સ્થળોને ખોરાક, સલામતી સહિતના મુદ્દે એક સંપૂર્ણ પેકેજના સ્વરૂપમાં વિકસિત કરવાની યોજના પણ જાહેર કરી છે, તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

ગુજરાત પ્રવાસનની વિવિધતાઓથી ભરેલું ટૂરિઝમ ફ્રેન્ડલી રાજ્ય છે. પ્રવાસનના વિકાસ માટે રાજ્યમાં ગાંધી સર્કિટ, બૌદ્ધ સર્કિટ અને વિવેકાનંદ સર્કિટ પણ વિકસિત કરવામાં આવી રહી છે, તેની વિસ્તૃત વિગતો ભૂપેન્દ્ર પટેલે આપી હતી. 

કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કચ્છમાં રણ, દરિયો અને પર્વત સહિતની સમૃદ્ધ ભૌગોલિક વિવિધતા છે અને પ્રવાસનનું હબ બનેલી કચ્છની ધરતી પર જી-૨૦ની બેઠક યોજાઈ રહી છે તે આપણા માટે ગૌરવ અને સૌભાગ્યની બાબત છે. જી-૨૦ની અધ્યક્ષતા સર્વગ્રાહી, સર્વ સમાવેશક અને સમૃદ્ધ ભારતના નિર્માણ તરફની યાત્રાને વધુ વેગવાન બનાવનાર બની રહેશે.

ભારતમાં પ્રવાસનની તકો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ભારતની સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાઓ, વૈશ્વિક સ્તરના પ્રવાસન આકર્ષણો, ઇકો ટુરિઝમ, ગ્રીન ટુરિઝમ અને એગ્રી ટુરિઝમ પ્રવાસીઓને વિશિષ્ટ અનુભવ પૂરો પાડે છે. પ્રવાસનના વિકાસ થકી નવી રોજગારીઓનું સર્જન થાય છે અને આર્થિક તેમજ સામાજિક દૃષ્ટિએ પણ તે વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય છે.

કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડીએ પ્રવાસનને દેશના ગ્રોથ એન્જિનનો મહત્ત્વનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં ૬.૯ મિલિયન પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતમાં પ્રવાસનની અનેક વિવિધતાઓ છે ત્યારે દેશનો પ્રવાસન હબ તરીકે યોગ્ય દિશામાં વિકાસ થઈ રહ્યો છે. વિદેશી પ્રવાસીઓ માટે ભારત સુરક્ષિત અને સલામત પ્રવાસન સ્થળ બની રહ્યું છે. પ્રવાસનના વિકાસ માટે નવી પ્રવાસન નીતિ સાથે નેશનલ ટૂરિઝમ મિશન પણ બનાવવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.

આ બેઠકમાં રાજ્યના મુખ્યસચિવ રાજકુમાર, ભારત સરકારના પ્રવાસન વિભાગના સચિવ અરવિંદસિંઘ, નાણાં વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, પ્રવાસન તેમજ અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જી-20 દેશોના વિવિધ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Next articleભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ… નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!