Home ગુજરાત લાલાવાડા ખાતે માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ...

લાલાવાડા ખાતે માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ

49
0

ચૌધરી સમાજની કૃષિ અને પશુપાલન પ્રત્યેની નિષ્ઠા અને સન્માનની ભાવનાને બિરદાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

સહકાર, શિક્ષણ અને કન્યા કેળવણી ક્ષેત્રે ચૌધરી સમાજે કરેલી પ્રગતિની રાજ્યપાલશ્રીએ પ્રસંશા કરી અન્ય સમાજોને શિક્ષણ તરફ આગળ વધવા અનુરોધ કર્યો

વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે મા અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, લાલાવાડા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતમાં મા અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ યજ્ઞશાળામાં આહુતિ અર્પણ કરી મા અર્બુદાના આશીર્વાદ મેળવ્યા હતા.

રાજ્યપાલશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં ચૌધરી સમાજની કદ-કાઠી જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાત ભ્રમણમાં આવા ઊંચા પહોળા લોકો જોયા નથી. ચૌધરી સમાજના મૂળિયાં  રાજસ્થાન અને હરિયાણા પ્રદેશમાં છે. તેઓના પૂર્વજો ત્યાંથી સ્થળાંતર કરી મા અર્બુદાના આશીર્વાદથી ગુજરાતમાં વસ્યા છે એ હકીકત જાણી તેમણે પોતાપણું અનુભવ્યું હોવાનું જણાવી આપણે એક જ પરિવારના છીએ એમ કહ્યું હતું.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ચૌધરી સમાજના પરંપરાગત વ્યવસાય કૃષિ અને પશુપાલનની પ્રસંશા કરી આધુનિક ટેક્નોલોજીનો સમન્વય સાધી કૃષિને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. ખેતી અને પશુપાલન દુનિયાનું શ્રેષ્ઠ કાર્ય છે, વેદોમાં પણ કહ્યું છે કે, ખેતી કરો.. એમ જણાવી રાજ્યપાલશ્રીએ બનાસ ડેરી અને ખેતી, પશુપાલન ક્ષેત્રે ચૌધરી સમાજે આપેલા યોગદાનની પ્રસંશા કરી સમાજને અભિનંદન આપ્યા હતા.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, નિમ્ન નોકરીનું ઉદાહરણ આપતાં ખેતીને પવિત્ર કામ ગણાવ્યું હતું. આપણે સૌ ધરતી માતાના સંતાનો છીએ, ધરતી મા આપણું પાલનપોષણ કરે છે. ખેતી અને પશુપાલન મહેનતનાં કામ છે અને પરસેવો પાડીએ ત્યારે માં અર્બુદા – પરમાત્માના દર્શન થાય છે. એટલે જ ભારતમાં ખેતીને સર્વશ્રેષ્ઠ કામ ગણાવ્યું છે. એમ જણાવી ચૌધરી સમાજની ખેતી પ્રત્યેની નિષ્ઠા અને સન્માન ભાવનાને બિરદાવી હતી.

પ્રાકૃતિક ખેતી તેમજ ગાય આધારિત ખેતીના ફાયદા ગણાવી રાજયપાલશ્રીએ તેઓ પહેલાં ખેડૂત છે પછી રાજયપાલ છે એમ જણાવી ચૌધરી સમાજના આગેવાનો અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવવા કિસાન સંમેલન યોજવા આહવાન કર્યું હતું. જેમાં તેઓ સ્વયંમ ઉપસ્થિત રહી કિસાનોને ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપશે, અને કઈ રીતે ગાયની નસ્લમાં સુધારો કરી વધુ ઉત્પાદન મેળવી શકાય એ નવીન પદ્ધતિઓ પણ જણાવશે એમ જણાવ્યું હતું.

વધુમાં રાજ્યપાલશ્રીએ સહકારી ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને કન્યા કેળવણી ક્ષેત્રે ચૌધરી સમાજે કરેલી પ્રગતિની પ્રસંશા કરી કોઈપણ સમાજની પ્રગતિનો આધાર શિક્ષા છે એમ જણાવી અન્ય સમાજોને શિક્ષણ અપનાવવા અનુરોધ કર્યો હતો. ચૌધરી સમાજના યુવાઓને વ્યસનમુક્ત બનવા અપીલ કરી ખેતીની પરંપરા જાળવી રાખી શિક્ષણ થકી વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો.

માં અર્બુદા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના આમંત્રણ બદલ સમગ્ર સમાજનો આભાર માની મા અર્બુદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હોવાનું જણાવી રજત જયંતિ મહોત્સવના આયોજન, વ્યવસ્થાઓ જોઈ હર્ષની લાગણી અનુભવી હતી અને સમાજને આ સુંદર આયોજન અને તેની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, મા અર્બુદાની અસીમ કૃપાથી માતાજીના રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે પ્રસંગે પ્રાકૃતિક ખેતીના હિમાયતી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. તેમણે ચૌધરી સમાજના ઇતિહાસની વાત કરતા કહ્યું કે, આ સમાજ મૂળ રાજસ્થાન અને હરિયાણાથી આવીને ગુજરાતમાં સ્થાયી થયો છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા ચૌધરી સમાજે મા અર્બુદા મહોત્સવનું ભવ્ય આયોજન કરીને મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. દલિત સમાજ સહિત તમામ સમાજો અને જ્ઞાતિઓને આ યજ્ઞમાં જોડીને સામાજિક સમરસતાનું વાતાવરણ આ સમાજે ઉભું કર્યુ છે. વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબધ્ધ બનવાનો અનુરોધ કરતાં અધ્યક્ષએ જણાવ્યું કે, વ્યસનોની બદીઓથી દૂર રહી તમામ સમાજને સાથે રાખીને ચાલીશું તો ચોક્કસ આગળ વધી શકાશે. બીજાના ભલામાં જ સમાજનું ભલું થશે તેવી ભાવનાથી જ સમાજનું કલ્યાણ થશે. આપણા સંવિધાને આપેલા હક્ક અને અધિકારોનું પાલન કરવું તથા નિયમોનું પાલન કરીશું તો જ ધર્મનું પાલન કર્યુ ગણાશે તેમ અધ્યક્ષએ જણાવ્યું હતું.

બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુરના પ્રમુખ કેશરભાઇ ભટોળે રાજ્યપાલશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોનું હ્રદયના ઉમળકાથી ભાવભર્યુ સ્વાગત કર્યુ હતુ. જ્યારે શ્રી અર્બુદા માં રજત જયંતિ ઉજવણી સમિતિના ચેરમેન પરથીભાઇ ભટોળે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે સંસદ સભ્યો પરબતભાઇ પટેલ, દિનેશભાઇ અનાવાડીયા, દેવજીભાઇ ચૌધરી, ધારાસભ્યો પ્રવિણભાઇ માળી, માવજીભાઇ દેસાઇ, અનિકેતભાઇ ઠાકર, લવિંગજી ઠાકોર, અખિલ આંજણા મહાસભાના પ્રમુખ વિરજીભાઇ જુડાળ, પૂર્વ મંત્રીઓ હરીભાઇ ચૌધરી, હરજીવનભાઇ પટેલ, કાંતિભાઇ કચોરીયા, વિપુલભાઇ ચૌધરી, પૂર્વ ધારાસભ્યો જોઇતાભાઇ પટેલ અને નાથાભાઇ પટેલ સહિત અગ્રણીઓ, કલેક્ટર આનંદભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GNS NEWS

Previous articleકેન્દ્રીય બજેટ સમિતિના રાષ્ટ્રીય સંયોજક સુશીલ કુમાર મોદીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય અંદાજપત્રના મહત્વના પ્રાવધાન વિશે વિસ્તૃત આદાન-પ્રદાન
Next articleદિનદયાળ પોર્ટની ક્ષમતા વધારવા કેન્દ્રીય મંત્રી, શ્રી સર્બાનંદ સોનોવાલે એ જુના કંડલા ખાતે ઓઈલ જેટી નંબર 7નું ઉદ્ઘાટન કર્યું