ત્રણ વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનું લક્ષ્ય : શ્રી આચાર્ય દેવવ્રતજી
વિકાસ યોજનાઓને વેગ આપનારા સાતત્યપૂર્ણ બજેટમાં તમામ વર્ગો-ક્ષેત્રો માટે જોગવાઈ : સુશીલ કુમાર મોદી
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 19 હજાર કરોડનું આયોજન
કેન્દ્ર સરકાર ગુજરાત સહિત તમામ રાજ્યોને રૂ. 1,30,000 કરોડની વ્યાજમુક્ત લોન આપશે
ભારતમાં કો-ઓપરેટીવ ક્ષેત્રના વિકાસ માટે નેશનલ કો-ઓપરેટીવ યુનિવર્સિટી બનશે
ભારત ડિજિટલ સુપર પાવર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે : upi ટ્રાન્સેક્શનમાં 91% ની વૃદ્ધિ
ભારત સરકારની બજેટ સમિતિના રાષ્ટ્રીય સંયોજક, રાજ્યસભાના સાંસદ અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે વર્ષ 2023-24ના સામાન્ય અંદાજપત્રમાં ગુજરાત, સહકારી ક્ષેત્ર અને ખેડૂતો માટેના મહત્વના પ્રાવધાન વિશે વિસ્તૃત આદાન-પ્રદાન કર્યું હતું. સહકાર, લઘુ, સૂક્ષ્મ, કુટિર અને મધ્યમ ઉદ્યોગોના રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ બેઠકમાં સહભાગી થયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ અંદાજપત્રમાં આગામી ત્રણ વર્ષમાં ભારતમાં એક કરોડથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ સાથે જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે રૂપિયા 469 કરોડનું પ્રાવધાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માટેની આ મહત્વકાંક્ષી કૃષિ પદ્ધતિને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. પ્રતિવર્ષ ભારતના અઢી લાખ કરોડ રૂપિયા રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્સની આયાત માટે વિદેશોમાં જાય છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી આ નાણાં બચશે, જે જનહિતની અન્ય યોજનાઓમાં વાપરી શકાશે. એટલું જ નહીં, કૃષિમાં બાયો ઇનપુટ રિસર્ચ માટે ભારતમાં 10,000 સેન્ટર્સ સ્થાપિત કરવાનું પણ આયોજન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ ખેડૂતોને ઘર આંગણે ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકાર ખેડૂતોને જ ટ્રેનર બનાવશે. પ્રાકૃતિક ખેતી કરી રહેલા ખેડૂતો જ અન્ય ખેડૂતોને તાલીમ આપે એવી ઓછી ખર્ચાળ અને અત્યંત અસરકારક યોજના તૈયાર કરવામાં આવી રહી છે, જેના સારા પરિણામો આવશે. તેમણે રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ અને જોગવાઈઓ વિશે વિગતવાર જાણકારી આપી હતી.
ભારત સરકારની અંદાજપત્રીય સમિતિના રાષ્ટ્રીય સંયોજક અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, આ અંદાજપત્રમાં સમાજના તમામ વર્ગો અને ક્ષેત્રો માટે કંઈક ને કંઈક જોગવાઈ છે. આ અંદાજપત્ર વિકાસ યોજનાઓ અને આંતરમાળખાકીય સવલતોને વધુ વેગ આપનારું સાતત્ય પૂર્ણ બજેટ છે. વિશેષ કરીને ગુજરાત માટેના પ્રાવધાન વિશે તેમણે કહ્યું કે, અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન યોજના માટે આ અંદાજપત્રમાં રૂ. 19,000 કરોડનું આયોજન છે. વર્ષ-2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ કરી શકાય એ ગતિએ કામ ચાલી રહ્યું છે.
સુશીલ કુમાર મોદીએ અત્યંત મહત્વની વિગતો આપતાં કહ્યું હતું કે, ભારત સરકાર ગુજરાત સહિત પ્રત્યેક રાજ્યને આંતર માળખાકીય સુવિધાઓ માટે 50 વર્ષની મુદત માટે રૂ. 1 લાખ, 30 હજાર કરોડની વ્યાજમુક્ત લોન આપશે.
સહકારી ક્ષેત્ર અને ખેડૂતો માટે મહત્વની જોગવાઈઓ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, કો-ઓપરેટિવ સોસાયટીઓ રૂ. 2 લાખ સુધીની મર્યાદામાં રોકડ જમા કરાવી શકશે કે ઉપાડી શકશે. એટલું જ નહીં, કો-ઓપરેટિવ સેક્ટર માટે હવે રૂ.3 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન પર બે ટકા ટી.સી.એસ.ની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ આ મર્યાદા રૂ. બે કરોડ સુધીના ટ્રાન્ઝેક્શન પર હતી. અત્યંત મહત્વની જાણકારી આપતાં તેમણે કહ્યું કે, ભારતમાં નેશનલ કો-ઓપરેટીવ યુનિવર્સિટી બનશે, જે કો-ઓપરેટીવ સેક્ટરના વિકાસ માટે પ્રશિક્ષણ આપશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ આયોજનને વધાવીને તેના સારા પરિણામો ગુજરાતને અને સમગ્ર દેશને મળશે એમ કહ્યું હતું.
ભારત ‘ડિજિટલ સુપર પાવર’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે; એમ કહીને સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, ભારત સરકારે અપનાવેલી ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર પદ્ધતિએ આખા વિશ્વને વિસ્મયમાં નાખી દીધું છે. આજે ભારતમાં 100 માંથી 60 થી 70 લોકો ડિજિટલી પેમેન્ટ કરી રહ્યા છે. યુપીઆઈ ટ્રાન્જેક્શનમાં ભારતે વિક્રમો સર્જ્યા છે. ગત વર્ષની સરખામણીએ ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની રકમમાં 91% ની વૃદ્ધિ થઈ છે અને ડિજિટલ ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં 26 ટકાનો વધારો થયો છે. 30 દેશો યુપીઆઈ ટ્રાન્જેક્શનમાં ભારત પાસેથી પ્રેરણા મેળવી રહ્યા છે. આવનારા સમયમાં ભારત ડિજિટલ કરન્સી અપનાવી શકે એ દિશામાં પ્રયોગો થઈ રહ્યા છે.
GNS NEWS