74 મા ગણતંત્ર પર્વની સંધ્યાએ રાજભવનમાં ‘એટ હોમ’ કાર્યક્રમ રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રતિ કર્તવ્યબદ્ધતાના વાતાવરણમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, નાગરિકો પોતાના હક્ક અને અધિકારો માટે જેટલા સજાગ છે એટલી જ સજાગતા પોતાના કર્તવ્યો માટે પણ કેળવવાનો વખત આવી ગયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમાજની પ્રબુદ્ધ પ્રતિભાઓ અને મહાનુભાવોને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૃતકાળ માટે પાંચ પ્રણ લેવાનું આહવાન કર્યું છે. પ્રત્યેક ભારતીય એ વિકસિત ભારત માટે સંકલ્પબધ્ધ થવાની આવશ્યકતા છે. ગુલામીની માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. આપણી વિરાસત ભવ્ય અને અદભુત છે, દરેક ભારતીયને આપણી પરંપરા અને વિરાસત પર ગર્વ હોવો જોઈએ. પ્રત્યેક સમાજ અને વર્ગ વચ્ચે એકતાની જરૂર છે. પરસ્પરની એકતા આપણને વધારે મજબૂત બનાવશે. તેમણે કહ્યું હતું કે પ્રત્યેક નાગરિકે પોતાના કર્તવ્યો પ્રમાણિકતાપૂર્વક નિભાવવા પડશે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વીર શહીદ રામપ્રસાદ બિસ્મિલને યાદ કરતાં કહ્યું હતું કે, દેશ માટે મરી ફીટવાની તત્પરતા એવા જ લોકો દાખવી શકે જે દિવાના હોય, પોતાના કર્તવ્યો અને ફરજ માટે સંકલ્પબદ્ધ હોય. પ્રજાસત્તાક પર્વના 74 મા વર્ષે ફરી દેશ માટે કંઈક કરી છૂટવાની જરૂર ઊભી થઈ છે. એ માટે અમૃતકાળના પાંચ પ્રણ માટેની પ્રતિબદ્ધતા અત્યંત અનિવાર્ય છે.
પંજાબથી પધારેલા ગાયક કલાકાર જગત વર્માજીએ દેશભક્તિ ગીતોનું ગાન કર્યું હતું.
મંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મુખ્ય સચિવ પંકજકુમાર, પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સેનાની ત્રણેય પાંખના વરિષ્ઠ અધિકારીઓ, સ્વાતંત્ર સેનાનીઓ, રમતવીરો, પદ્મ એવોર્ડ વિજેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.