ગાંધીનગરના સેકટર – 7/એ શોપિંગમાં થોડા દિવસ અગાઉ જ્વેલર્સની દુકાનની દિવાલમાં બાકોરું પાડીને દાગીનાની ચોરીનાં ગુનાને અંજામ આપનાર અમદાવાદના રીક્ષા ચાલકની પોલીસે ટેકનિકલ સર્વેલન્સનાં આધારે ઝડપી પાડી 23 હજારનો મુદ્દામાલ રિકવર કરીને ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. ગાંધીનગરના સેકટર – 7/ બી પ્લોટ નંબર 721/2 માં રહેતાં હિતેશભાઈ સોની છેલ્લા પચીસ વર્ષથી ગાંધીનગર સેક્ટર-7/એ ખાતે આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાન નં-280/6 માં ભવાની જવેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન ચલાવે છે.
તા. 17 મી જાન્યુઆરીનાં રાત્રે દુકાન બંધ કરીને હિતેશભાઈ ઘરે જતા રહ્યા હતા. ત્યારે બીજા દિવસે દુકાનની ડાબીબાજુ આવેલ દિવાલમાં બાકોરું પાડી સોના જેવા ધાતુની વર્ક ચડાવેલ નંગ-4 ચેઇન તથા દુકાનના મધ્ય ભાગમાં મુકેલ લાકડાના કાઉન્ટરમાં સોના જેવા ધાતુની વર્ક ચડાવેલ નંગ-12 ગળાનાં હાર મળીને કુલ રૂ. 23 હજારની મત્તા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.
આ અંગે ફરિયાદ દાખલ થતાં જ સેકટર – 7 પોલીસ મથકના પીઆઈ પરાગ ચૌહાણ તેમજ સર્વેલન્સ સ્કવોર્ડનાં પીએસઆઇ એચ કે સોલંકીએ સ્થળ તપાસ કરીને આસપાસના વિસ્તારના 50 જેટલાં સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી. જેમાં એક શંકાસ્પદ રીક્ષા નજરે ચડી હતી. જે અન્વયે રીક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ટેકનિકલ સર્વેલન્સ થકી વધુ તપાસનો દોર શરૂ કરી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા.
જેનાં પગલે બાતમી મળી હતી કે, એક ઈસમ વાવોલ વિસ્તારમાં દાગીના વેચવા માટે ફરી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસે જયેન્દ્ર ઉર્ફે બોમ્બલી ગુર્જરભાઈ દાંતણીને(રહે. પ્રેમાભાઈનો મહોલ્લો, દિલ્હી ચકલા, અમદાવાદ) ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. જેની વધુ પૂછતાંછમાં ચોરીના અન્ય ગુનાનાં ભેદ ઉકેલાય તેવી સંભાવના રહેલી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.