જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્રણેય મૃતકો જોડિયા તાલુકાના છે અને કાર લઇને ટીમલી ગામે સંબંધીના ઘરે ભજનના કાર્યક્રમમાં ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ લતીપર રોડ પર આવેલા ગોકુલપર ગામ નજીક આઇસરે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો ભુક્કો વળી ગયો હતો. ધ્રોલના લતીપર રોડ પર આવેલા ગોકુલપર ગામ પાસે રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. એક કાર અને આઇસર ધડાકાભેર સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.
કારમાં સવાર યુવરાજસિંહ જગતસિંહ જાડેજા, જયદેવસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રહે. ટીબડી, જોડિયા) અને લાલજીભાઈ દેવદાનભાઈ ગોગરા ( રહે. પીઠડ, જોડિયા)ને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજાને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ ધ્રોલમાં પ્રાથમિક સારવાર આપી જામનગર ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે ધ્રોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતક લાલજીભાઈ ગોગરાના ભાઈએ ધ્રોલમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમનો ભાઇ લાલજી 23 જાન્યુઆરીનાના રોજ રાત્રેના ટીમલી ગામે સંબંધીને ત્યાં યોજાયેલા ભજનના કાર્યક્રમમાં ભજન સાંભળવા માટે ગયા હતા. આ દરમિયાન ફોન કરીને લાલજીભાઇએ તેમને જણાવ્યું હતું કે, તેમને તેમના મિત્રો મળી ગયા છે, જેથી તેઓ ધ્રોલ ખાતે કારમાં ગેસ ભરાવવા અને નાસ્તો કરવા જઈ રહ્યા છે અને પછી તેઓ મિત્રોને ટીબડી મૂકી પરત આવી જશે, પરંતુ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે, તેઓના ભાઈની કારનો અકસ્માત થયો છે.
જેને લઈને તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધ્રોલથી લતીપુર તરફ જતા રસ્તા પર ગોકળપર ગામ નજીક આઇસર ટ્રક (નં-આરજે-04-જીસી1707)નો ચાલક પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો, જેણે કાર (નં-જીજે-03-એલજી-9326)ને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો ભૂકો વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોને ઘટનાસ્થળે જ કાળ ભરખી ગયો હતો. જ્યારે એકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.