વડોદરા શહેરની યુવતીએ વર્ક પરમિટ ઉપર કેનેડા જવાના ચક્કરમાં રૂપિયા 2.95 લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેનેડાના વર્ક પરમીટના બહાને નાણાં પડાવ્યા બાદ પરત ન કરનાર ભેજાબાજ સામે યુવતીએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે મકરપુરા પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં મુજબ વડોદરા શહેરના છાણી વિસ્તારમાં જાદવ પાર્કમાં દીપ્તિબહેન પ્રવિણભાઇ પરમાર પરિવાર સાથે રહે છે. ચાર માસ અગાઉ ટ્રાયકલર હોસ્પિટલમાં મિલાપ વિનાયક બરવે (રહે. 0-1, લકુલેશનગર-2, આજવા રોડ) સાથે પરિચય થયો હતો.
તે સમયે તેણે પોતે કેનેડા વિઝા વર્ક પરમિટનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. આથી તેઓ મિલાપ બરવેની મકરપુરા ડેપો સી-412, હબ ટાઉન ખાતે આવેલ ઓફિસમાં ગયા હતા. જ્યાં દિપ્તીબહેને કેનેડા વર્ક પરમિટ માટેના જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. ત્યારબાદ મિલાપ બરવેને ગુગલ પે દ્વારા રૂપિયા 50 હજાર ટ્રાન્સફર કર્યાં હતા. ત્યાર બાદ ચાર દિવસ પછી મિલાપે ફોન કરીને દિપ્તીબહેનને જણાવ્યું હતું કે, કેનેડા માટે આગળની પ્રોસેસ કરવાની હોવાથી જે નંબર આપું તેના ઉપર પૈસા ટ્રાન્સફર કરો. જેથી તેઓએ ભરતભાઈ નામના વ્યક્તિને રૂપિયા 65 હજાર ગુગલ પે કર્યાં હતા. બે દિવસ બાદ મિલાપના કહેવાથી રૂપિયા 25 હજાર અલ્પેશ રાજને ગુગલ પે દ્વારા ટ્રાન્સફર કર્યા હતા.
આ ઉપરાંત શુભમ જાદવ, વિનાયક બરવે,અલગ અલગ બહાને ટુકડે ટુકડે 2.95 લાખની રકમ ચૂકવી હતી. ભેજાબાજ મિલાપે દિપ્તીબહેનનું મુંબઈ ખાતે મેડિકલ પણ કરાવી દીધું હતું. મેડિકલનું કામ પૂર્ણ કરીને પરત વડોદરા આવ્યા બાદ દિપ્તીબહેને મિલાપ બરવેને કેનેડા વર્ક પરમીટના કામ અંગે પૂછપરછ કરતા ગોળગોળ જવાબો આપવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મિલાપ બરવેએ ફોન પણ બંધ કરી દીધો હતો.
દિપ્તીબહેનને પોતે છેતરાઇ હોવાનું જણાતા મિલાપ પાસે પોતે આપેલા નાણાં પરત માંગવાનું શરૂ કર્યું હતું. પરંતુ, મિલાપ નાણાં પણ પરત આપતો ન હતો. દરમિયાન દિપ્તીબહેન પરમારને પોતે કેનેડા જવાની આશામાં નાણાં ગુમાવ્યા હોવાનું જણાતા મિલાપ વિનાયક બરવે સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે મિલાપ બરવે સામે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.