સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં પરીક્ષાના છેલ્લા દિવસે એક વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષામાં કાપલી સાથેનો વીડિયો મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી યુનિવર્સીટીને પડકાર ફેંક્યો હતો જે અંગે યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થી સામે લાલ આંખ કરી માલવિયા કોલેજને વિદ્યાર્થી સામે કોપીકેસ કરવા તેમજ એનરોલમેન્ટ રદ કરવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, વાઇરલ થયેલો વીડિયો પી.ડી.માલવિયા કોલેજમાંથી બી,કોમ સેમેસ્ટર-1માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જય પ્રજાપતિ દ્વારા વાઇરલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી પોતે જ વર્ગખંડમાં જાતે મોબાઈલ લઇ ગયો હતો અને તેમાં ચિઠ્ઠી અને મોબાઇલ હોવાનું સામે આવતા તેની સામે કોપીકેસ કરી એનરોલમેન્ટ રદ કરવા કોલેજને સૂચના આપવામાં આવી છે.
છેલ્લી બેંચ પર બેઠેલા જય પ્રજાપતિએ ઉતારેલા વીડિયોમાં પોતાની હોલ ટિકિટ, કાપલી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લખેલી ઉત્તરવહી દેખાય છે. પરીક્ષામાં મોબાઈલ કે સ્માર્ટ વોચ લઈ જવા પર પ્રતિબંધ છે, છતાં મોબાઈલ લઈને વિદ્યાર્થીએ પ્રવેશ કેમ કર્યો તે પણ મોટો સવાલ છે. એકબાજુ યુનિવર્સિટી દ્વારા ક્યુપીડીએસ સિસ્ટમ લાગુ કરવા, પરીક્ષામાં ઓબ્ઝર્વર નિયુક્ત કરવા, સ્ક્વોડ મોકલવા, સીસીટીવીથી ચેકિંગના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વાઇરલ થયેલ આ વીડિયો તમામ પ્રયત્નોની નિષ્ફળતા દર્શાવે છે. જો કે આ સાથે માલવિયા કોલેજની પણ એમાં ભૂલ કહી શકાય છે કારણ કે વિદ્યાર્થીઓને તપાસી બાદમાં જ પ્રવેશ આપવા દેવો જોઈએ ત્યારે કોલેજ સામે પણ કાર્યવાહી થવી જરૂરી બની રહે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્બારા કુલ 10 કોપીકેસ કરવામાં આવ્યા છે. સીસીટીવીના માધ્યમથી 10 કોપીકેસ કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટ 1ના અલગ અલગ વિભાગના કુલ 59 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જેમાં બે સવારના 9.30થી 12 વાગ્યા સુધી અને બપોર પછી 2.30થી 5 વાગ્યા સુધી એમ શેડ્યુલમાં પરીક્ષા લેવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 13 ઓક્ટોબરનું બીબીએ અને બી.કોમ સેમ-5નું એક-એક પેપર લીક થવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું હતું અને તેમાંથી બી.કોમનું એક પેપર છાત્રોએ બીજી વખત આપવું પડ્યું હતું.
પેપર લીક થતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવેની તમામ પરીક્ષાઓમાં ક્યુઆર કોડ સાથેનું પેપર કાઢવાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીએ ત્વરીત નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે મહિના પહેલા અધ્યાપકોની ભરતી મામલે વિવાદમાં આવી હતી. જેમાં ભાજપના જ સિન્ડિકેટ સભ્યોએ પોતાના લાગતા વળગતાઓની ભરતી કરવા માટે ભલામણો કરી હતી. જેના સ્ક્રિનશોટ્સ સિન્ડિકેટ સભ્યોના વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયા હતા. બાદમાં આ મામલે ગાંધીનગરથી ટીમ આવી હતી અને રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને આપ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.