ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે ચીન અને પાકિસ્તાનના આતંકવાદને લઈને બેવડા માપદંડ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે સામુહિક રીતે એ દેશો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જે તેના દ્વારા રાજનીતિક રીતે ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી બ્રિફિંગમાં તેમણે કહ્યું કે આપણે ન્યૂયોર્કનું 9/11 કે મુંબઈનું 26/11 ફરી થવા દઈ શકીએ નહીં. ત્યારબાદ જયશંકરે પ્રેસના સવાલોના જવાબ પણ આપ્યા અને પાકિસ્તાની રિપોર્ટરની બોલતી બંધ કરી દીધી. વાત જાણે એમ છે કે પત્રકારોના સવાલોના જવાબ આપવાના એક સત્રમાં એક પાકિસ્તાની પત્રકારે જયશંકરને એક પ્રશ્ન પૂછ્યો. પાકિસ્તાની પત્રકારનો સવાલ દક્ષણ એશિયામાં આતંકવાદને લઈને હતો. ભારતીય વિદેશમંત્રીએ આ સવાલનો જવાબ અગ્નિ-5 મિસાઈલ જેવી મારક ક્ષમતા જેવો આપ્યો.
પાકિસ્તાની પત્રકારે પૂછ્યું કે દક્ષિણ એશિયાએ ક્યાં સુધી આ આતંકવાદ ઝેલવો પડશે જે નવી દિલ્હી, કાબુલ, અને પાકિસ્તાનથી ફેલાઈ રહ્યો છે? આ પ્રશ્ન પર નજર ફેરવીએ તો પાકિસ્તાની પત્રકારે આતંકવાદ ફેલાવનારાઓની યાદીમાં ભારતને પણ સામેલ કરવાની કોશિશ કરી પરંતુ પત્રકારની આ હરકત અને તેના એજન્ડાને જયશંકરે ઓળખી કાઢ્યો. તેમણે કહ્યું કે પહેલા તેઓ આતંકવાદ પર જવાબ લઈ લે. જયશંકરે પાકિસ્તાની પત્રકારને કહ્યું કે તેમણે આતંકવાદ પર પાકિસ્તાનના મંત્રીને સવાલ કરવો જોઈએ, ભારતના મંત્રીને નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાન દુનિયાનું ધ્યાન ભટકાવવાની ગમે તેટલી કોશિશ કરે પરંતુ હવે દુનિયા તેની વાતોમાં આવશે નહીં કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે આતંકવાદની જનની કોણ છે. જયશંકરે પાકિસ્તાની પત્રકારને કહ્યું કે, ‘તમને ખબર હોવી જોઈએ કે તમે ખોટા મંત્રીને પૂછી રહ્યા છો કે આખરે આ બધુ ક્યાં સુધી ચાલશે. તમારે પાકિસ્તાનના મંત્રીને એ પૂછવું જોઈએ કારણ કે પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદનો સહારો લેતું રહેશે એ તો એ જ જણાવી શકશે.
આખરે દુનિયા મુરખ નથી અને ન તો કઈ ભૂલે છે. દુનિયા આતંકવાદમાં સંડોવાયેલા દેશો, સંગઠનો અને લોકોની ઓળખ સારી પેઠે કરી શકે છે. તમે ચર્ચાને નવા નવા વળાંક આપીને આતંકવાદ પર પડદો નાખવામાં સફળ થઈ શકશો નહીં. તમે કોઈને પણ હવે ગૂંચવણમાં રાખી શકશો નહીં. લોકોએ બરાબર રીતે સમજી લીધુ છે કે આતંકવાદનો ગઢ ક્યાં છે. આથી મારી સલાહ છે કે કૃપા ઢંગથી કામ કરો અને સારા પાડોશી બનવાની કોશિશ કરો, કૃપા કરીને એ કરો જે આજે દુનિયા કરી રહી છે- આર્થિક વિકાસ, પ્રગતિ, વિકાસ, આશા રાખુ છું કે તમારી ચેનલ દ્વારા આ સંદેશ ત્યાં (પાકિસ્તાનને) પહોંચી જશે. આ અગાઉ વિદેશમંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે દુનિયા પાકિસ્તાનને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે બે વર્ષના કોવિડ 19 મહામારીના દોર છતાં વૈશ્વિક સમુદાય એ નથી ભૂલ્યું કે આતંકવાદની આ બદીના મૂળ ક્યાં છે.
જયશંકરે ‘યુએનએસસી બ્રિફિંગ: ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ એપ્રોચ: ચેલેન્જ એન્ડ વે ફોરવર્ડ’ વિષય પર થયેલી ચર્ચાની અધ્યક્ષતા કરી. વિદેશમંત્રીએ કહ્યું કે તેઓ જે પણ કઈ કહી રહ્યા હોય, પણ સચ્ચાઈ એ છે કે બધા લોકો, સમગ્ર દુનિયા આજે તેમને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. જયશંકરે કહ્યું કે મને ખબર છે કે આપણે અઢી વર્ષથી કોવિડ સામે ઝઝૂમી રહ્યા છીએ અને આ કારણે યાદો થોડી ધૂંધળી થઈ ગઈ છે. પરંતુ હું તમને આશ્વાસન આપું છું કે દુનિયા એ નથી ભૂલી કે આતંકવાદ શરૂ ક્યાંથી થાય છે અને ક્ષેત્રમાં તથા ક્ષેત્ર બહાર તમામ ગતિવિધિઓ પર કોની છાપ નજરે ચડે છે. તેમણે કહ્યું કે આથી હું કહીશ કે કોઈ પણ પ્રકારની કલ્પનામાં જીવવા કરતા તેમણે પોતાને એ વાત યાદ અપાવવી જોઈએ.
જયશંકર પાકિસ્તાનના વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારના હાલના આરોપ પર પૂછાયેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા. ખારે આરોપ લગાવ્યો હતો કે આતંકવાદનો ઉપયોગ ભારતથી સારું અન્ય કોઈ દેશે કર્યો નથી. વિદેશમંત્રી જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનને ફટકાર પણ લગાવી હતી. તેમણે કહ્યું કે જે દેશે અલ કાયદાના પૂર્વ ચીફ ઓસામા બિન લાદેનને સુરક્ષિત આસરો આપ્યો અને પાડોશી દેશની સંસદ પર હુમલો કર્યો તેને યુએનની આ શક્તિશાળી સંસ્થામાં ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી. સુરક્ષા પરિષદમાં સંશોધિત બહુપક્ષવાદ પર ચર્ચા દરમિયાન જ્યારે ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજ અધ્યક્ષતા કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. બિલાવલે કહ્યું હતું કે કાશ્મીરનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. જો તમે (ભારત) બહુપક્ષવાદની સફળતા જોવા માંગતા હોવ તો કાશ્મીરના મુદ્દે તમે UNSC ના પ્રસ્તાવને લાગૂ કરવાની મંજૂરી આપી શકો છો. સાબિત કરો કે તમારી અધ્યક્ષતામાં UNSC અમારા ક્ષેત્ર (કાશ્મીર)માં શાંતિ લાવી શકે છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.