વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે આવી જ એક ઘટના મહેસાણાથી સામે આવી છે. ખેરવા ગામના મુકેશ પટેલે વ્યાજે લીધેલા રૂપિયાના ત્રણ ગણા ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ત્રાસ આપતાં ત્રણ દિવસ પૂર્વે સ્યુસાઇડ નોટ લખીને તળાવમાં કૂદીને આત્મહત્યા કરી હતી. તેમનો મૃતદેહ મળતા મહેસાણા સિવિલમાં લવાયો હતો. જ્યાં પ્રાથમિક તબક્કે પંચનામામાં પોલીસકર્મીએ આત્મહત્યાને બદલે પગ લપસી જતા મોત થયું હોવાનું લખતાં ટોળાએ હુમલો કર્યો હતો અને જ્યાં સુધી ગુનેગારો સામે સાચી ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, પોલીસના ઉપરી અધીકારીઓએ આવીને ફરિયાદ નોંધી મામલો થાળે પાડ્યો હતો.
મહેસાણાના ખેરવા ગામે રહેતા અને ગણપત યુનિવર્સિટીમાં પટાવાળા તરીકેની ફરજ બજાવતા મુકેશભાઈ ત્રિભોવનભાઈ પટેલે સ્યૂસાઇડ નોટ લખી ત્રણ દિવસ પૂર્વે સ્થાનિક વ્યાજખોરના ત્રાસથી ગામના સુજલામ સુફલામ તળાવમાં આત્મહત્યા કરી લીધી હતી. બુધવારે તળાવમાંથી લાશ મળી આવતાં મહેસાણા સિવિલના પીએમ રૂમ બહાર ભેગા થયેલા ગામલોકોના ટોળાએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધી ન્યાયની માગણી કરી હતી. જોકે, વિમલ નામના પોલીસકર્મીએ પંચનામામાં પગ લપસી જતા મોત થયું હોવાનું લખતાં ભારે હોબાળો મચ્યો હતો અને ટોળાએ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો.
મામલો ઉગ્ર બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને આખરે મૃતકની દીકરીની ફરિયાદ આધારે વ્યાજખોર ગાંડા દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સ્યુસાઇટ નોટમાં મૃતકે વ્યાજે લીધેલ એક લાખના રૂ.3.30 લાખ ચૂકવ્યા હોવા છતાં પાંચ લાખ રૂપિયા માગી ઘર પડાવી લેવાની ધમકી અપાતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. મૃતકની દીકરીએ ફરિયાદ નોંધાવી છે કે, મારા પપ્પા રોજ બાઇક લઇને નોકરી પર જતા પણ એ દિવસે બાઇક લઇને નહોતા ગયા. મારા કાકાની દીકરીને બાઇકની ચાવી આપી અને કહ્યું કે, તારી મોટી મમ્મીને કહેજે હું ગાડીમાં બેસીને બહાર જવાનો છું.
જેથી અમને શંકા જતા અમે શોધખોળ હાથ ધરી હતી. શોધખોળમાં દરમિયાન ગામના સુજલામ સુફલામ તળાવના કિનારેથી પપ્પાનું સ્વેટર મળી આવ્યું હતુ. જેથી પપ્પા ગુમ થયાની અમે પોલીસને અરજી આપી હતી. તરવૈયાઓએ તળાવમાં શોધખોળ કરી પણ કંઇ મળ્યું નહોતું. જ્યારે બે દિવસ બાદ તળાવમાં તરતી લાશ જોવા મળતાં અમે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહ બહાર કાઢ્યો ત્યારે તેમના ખિસ્સામાંથી ભીની ચિઠ્ઠી મળી આવી હતી. ચિઠ્ઠીમાં પપ્પાએ વ્યાજે લીધેલ એક લાખના રૂ.3.30 લાખ ચૂકવ્યા હોવા છતાં પાંચ લાખ રૂપિયા માગી ઘર પડાવી લેવાની ધમકી અપાતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
મહેસાણા સિવિલમાં હોબાળો થયો ત્યારે મૃતકના કુટુંબીભાઈ હરેશ પટેલે જણાવ્યું કે, મૃતક પર પૈસા મામલે બહુ દબાણ હતું. કોલેજમાં નોકરી જતા ત્યારે રસ્તા પર ધાક ધમકીઓ આપતા અને પકડીને ઉભા રાખતા. એમના પત્ની કે છોકરી ગામમાં કોઈ વસ્તુ લેવા જાય ત્યારે ઉઘરાણી કરનાર પૈસા લેવા ઉભો રહેતો અને બેફામ અપશબ્દો બોલતો. 1 લાખ આપ્યા હતા એમ છતાં વ્યાજખોરોએ 3.30 લાખ લીધા અને હજુ 5 લાખ આપ નહીં તો પરિવારને ઉઠાવી લઇશું એવી ધમકી આપતા મુકેશભાઈએ આત્મહત્યા કરી છે.
અમારી એક જ માંગ છે આરોપી સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ગામમાં અન્ય લોકો પાસે પણ આવું કર્યું છે. મુકેશ પટેલે આત્મહત્યા કરતાં પહેલાં સ્યુસાઇડ નોટ લખીને તેનો મોબાઈલમાં ફોટો પાડી લીધો હતો. જે મોબાઈલ પરિવારજનોને મળતાં તેમણે આત્મહત્યા કરી હોવાની ખબર પડી હતી. બીજી તરફ મોબાઇલમાં જે ફોટો મળ્યો હતો તે જ સ્યુસાઇડ નોટ તેમના કપડામાંથી મળી આવી હતી.
જેમાં લખ્યું હતું કે, ‘મારું મરવાનું કારણ મેં રબારી ગાંડાભાઈ જોડેથી એક લાખ લીધેલ હતા, એક લાખ વ્યાજ સહિત મેં હપ્તે હપ્તેથી આપતો હતો. પાંચ લાખ રૂપિયા મારી પાસે માગે છે. મેં અત્યાર સુધી 3 લાખ 30 હજાર ચૂકવેલ છે. આજે મને રૂબરૂમાં ઘર પડાવી લેવાની વાતો કરે છે અને જો મારા રૂપિયા નહીં આપે તો મને મારી નાખવાની અને મને રૂબરૂ મળે ત્યારે ગાળો અને ના બોલવાના શબ્દો બોલે છે. મારા તરફથી મોટી સજા કરશો. એ જ લિ. પટેલ મુકેશભાઈ ટી.ના જય માતાજીનું લખાણ છે.’
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.