ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા જ સમગ્ર ગુજરાતમાં ભાજપ સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ગુજરાતના 60 વર્ષના ઇતિહાસની સૌથી મોટી જીત મેળવનાર પાર્ટી તરીકે ભાજપ સામે આવી છે. કુલ 182 પૈકી 172 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં 147 બેઠકો ભાજપે કબજે કરી છે, તો 09 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ માત્ર 16 બેઠકોમાં સમાઈ ગઈ છે, તો 01 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો બાજી મારતા જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ફાળે 05, સમાજવાદી પાર્ટીના ફાળે 01 અને અપક્ષના 03 ઉમેદવારો જીત્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાની તમામ પાંચ બેઠકો ભાજપ પોતાની પાસે રાખવામાં સફળ થયું છે.
ગુજરાત વિધાનસભા 2022ની 182 બેઠકો માટે બે તબક્કામાં યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર થવાના દિવસે સાંજ સુધી 172 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મતદારોના 52.5% મત મેળવી સૌથી મોખરે રહી છે. આ વિધાનસભાની જીત ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટી જીત ગણાશે. કોંગ્રેસ 27.3% અને ગુજરાતમાં પહેલી વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી 12.9% મત મેળવવા સફળ રહી છે. પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે, અહીં ભાજપ તમામ બેઠકો સાચવી રાખવામાં સફળ રહ્યું છે.
જિલ્લા કે કદાચ રાજ્યમાં સૌથી વધુ ઐતિહાસિક અંતરથી અહીં ભાજપના ઉમેદવાર જીત્યા છે. કાલોલ-127 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ તેઓના નજીકના કોંગ્રેસના હરીફ પ્રભાતસિંહ ચૌહાણ સામે 1,12,506ના લાંબા અંતરથી જીત્યા છે. ફતેસિંહ ચૌહાણને 75.3% મત મળ્યા તો કોંગ્રેસના પ્રભાતસિંહને 13.97% મત મળ્યા હતા. 11 ઉમેદવારો વચ્ચેના જંગમાં આપના ઉમેદવાર દિનેશ બારીઆ 4.59% મત મેળવ્યા હતા, તો નોટામાં 2.09% મતદાન થયું હતું.
મોરવા હડફ-125 બેઠકની જો વાત કરીએ તો આ આદિવાસી બેઠક ઉપર ભાજપે નિમિષા બેન સુથારને રિપીટ કરવામાં આવ્યા હતા. જેઓ તેઓની નજીકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભણાભાઈ ડામોર સામે 48,877 મતના અંતરથી જીત્યા હતા. નિમિષા બેન સુથારને 57.88% મત મળ્યા હતા, તો આપના ઉમેદવારને 23.34% મત મળ્યા હતા. એક સમયે કોંગ્રેસની આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સ્નેહલતાબેન ખાંટને 15.68% મત મળ્યા હતા. 05 ઉમેદવારો વચ્ચેના જંગમાં નોટામાં 1.82% મત પડ્યા હતા.
હાલોલ-128 બેઠક ઉપર ભાજપે જયદ્રથસિંહ પરમારને રિપીટ કરતા છઠ્ઠી વખત ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સામે અનેક અસંતોષ છતાં તેઓ નજીકના હરીફ અને ભાજપમાંથી છેડો ફાડી અપક્ષમાંથી ચૂંટણી લડતા રામચંદ્ર બારીઆ સામે 42,705 મતોના અંતરે જીત્યા હતા. આ બેઠક ઉપર ભાજપને 50.7% મત મળ્યા હતા, તો અપક્ષમાંથી લડી રહેલા હરીફને 29.21% મત મળ્યા હતા. 09 ઉમેદવારો વાંચ હેન જંગમાં આમ આદમીના ઉમેદવાર ભરત રાઠવા 10.96% મત કાઢી ગયા હતા, તો કોંગ્રેસના ઉમેદવાર અનિષ બારીયાને 3.5% મત મળ્યા હતા. નોટામાં 1.76% મત પડ્યા હતા.
ગોધરા-126 બેઠક ઉપર 2017માં ઓક્સિજન ઉપર જીતેલા સી.કે.રાઉલજીને રિપીટ કરવામાં આવ્યા હતા. આ બેઠક ભાજપ ગુમાવે એવી અટકળો વચ્ચે રાઉલજી તેઓના હરીફ કોંગ્રેસના ઉમેદવાર રસ્મિતાબેન ચૌહાણ સામે 35,198 મતના અંતરે જીત્યા હતા. 10 ઉમેદવારોના જંગમાં અહીં ભાજપને 51.65% મત મળ્યા તો કોંગ્રેસને 32.76% મત મળ્યા. આમ આદમી પાર્ટીને 6.35% અને એઆઈએમઆઈએમને 5.1% મત મળ્યા હતા, તો નોટામાં 1.9% મત પડ્યા હતા.
શહેરા-124 બેઠક ઉપર પણ ભાજપે જેઠાભાઇ ભરવાડને રિપીટ કરતા ભાજપમાં વ્યાપેલા અસંતોસ વચ્ચે જેઠા ભરવાડ નજીકના એક સમયે ભાજપના જ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર ખાતુભાઈ પગી સામે 47,281 મતના અંતરે જીત્યા હતા. 04 ઉમેદવારોના જંગમાં ભાજપને 59.45% મત મળ્યા તો કોંગ્રેસને 32.37% મત મળ્યા હતા. આપના ઉમેદવાર તખતસિંહ સોલંકીને 3.56% મત મળ્યા તો નોટામાં 2.6% મત પડ્યા હતા.
પંચમહાલની તમામ બેઠકો ઉપર ભાજપ પોતાનો કબજો યથાવત રાખવામાં સફળ રહ્યું છે. કાલોલને બાદ કરતાં તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોએ 35 હજારથી 50 હજાર સુધીના અંતરે જીત મેળવી છે. તો કાલોલ બેઠક જ્યાં ઉમેદવાર બદલવાનો જુગાર ભાજપે રમ્યો હતો, તે બેઠકના ઉમેદવાર 1.12 લાખ મતોની લીડ સાથે વિજયી બન્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.