ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ રમવા પાકિસ્તાન ગઈ છે. બીજી ટેસ્ટ 9મી ડિસેમ્બર એટલે કે શુક્રવારથી મુલતાનમાં બંને દેશો વચ્ચેની હતી પણ આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ જ્યાં રોકાઈ છે તે હોટલની પાસે ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. મીડિયાના અહેવાલ પ્રમાણે આ ગોળીબાર સ્થાનિક ગેંગ વચ્ચે થયો હતો.
જો કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. આ ઘટના ત્યારે બની હતી જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બીજી ટેસ્ટની તૈયારી માટે હોટલથી મુલતાન સ્ટેડિયમ જવા રવાના થવાની હતી. જોકે, આ ઘટના ઈંગ્લેન્ડની ટીમ હોટલથી ઘણી દૂર હતી ત્યારે બની હતી. જેથી, ખેલાડીઓની સલામતી માટે કોઈપણ રીતે કોઈ ખતરો ન હતો. પાકિસ્તાન પોલીસે આ કેસમાં આરોપીઓની શોધ શરૂ કરી દીધી છે અને ચાર લોકોની ધરપકડની માહિતી પણ સામે આવી છે.
સ્થાનિક પ્રશાસને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ખાતરી આપી છે કે, આ ઘટનાથી ખેલાડીઓની સુરક્ષા પર કોઈ અસર નહીં થાય. કારણ કે, જે જગ્યાએ આ ઘટના બની તે ઈંગ્લેન્ડની ટીમની હોટલથી 1 કિલોમીટર દૂર છે અને તે સ્ટેડિયમમાં આવવા-જવા માટે ઈંગ્લેન્ડની ટીમના રૂટનો ભાગ નથી. આ ઘટના બાદ ઈંગ્લેન્ડની ટીમે મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સાથે પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન મુલતાનમાં રાવલપિંડી સ્ટેડિયમની જેમ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઈંગ્લેન્ડની ટીમને પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષા આપવામાં આવી રહી છે. ખેલાડીઓની સુરક્ષા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત સેનાને પણ તૈનાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે, આ ઘટના બાદ ટીમની સુરક્ષા યોજનામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા ગયા વર્ષે ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ સુરક્ષા કારણોસર મેચ રમ્યા વિના પાકિસ્તાનથી સ્વદેશ પરત ફરી હતી.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાવલપિંડીમાં ત્રણ વનડે અને લાહોરમાં 5 ટી-20 મેચ રમવાની હતી. પરંતુ, પ્રથમ મેચ પહેલા જ ન્યુઝીલેન્ડની ટીમે પ્રવાસ રદ કરી દીધો હતો. તે સમયે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને ઈ-મેલ દ્વારા ધમકીઓ મળી હતી, હુમલાના ભય વચ્ચે રમાવા કરતા ન્યુઝીલેન્ડે વાપસી કરવાનું વધુ સારું માન્યું હતું.
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની જો વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ 74 રને જીતી લીધી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 657 રન બનાવ્યા હતા. જ્યારે તેના જવાબમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 579 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં 264/7ના સ્કોર પર ડિકલેર કર્યો હતો. આ રીતે પાકિસ્તાનને 343 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ, તેનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 268 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.