દેશમાં સ્ત્રીઓ સામેના અત્યાચારમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દૂષણ હવે શાળાઓ સુધી પહોંચી ગયું છે. શાળામાં અભ્યાસ કરતાં કેટલાક છાત્રો પણ અસામાજિક પ્રવૃતિઓમાં ધકેલાઇ જતાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે મુંબઈમાં ધો. 8ની વિદ્યાર્થિની પર તેના ક્લાસના જ બે છાત્રોએ બળાત્કાર કર્યો હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે. પોલીસ આ કેસમાં આરોપીઓ સામે કલમ 376 ડીએ અને પોક્સો હેઠળ કાર્યવાહી કરી છે. હાલ આરોપીઓને જુવેનાઇલ ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાયા છે. મુંબઈના માટુંગા વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત શાળાના વર્ગખંડની અંદર બે વિદ્યાર્થીઓએ 13 વર્ષીય સહાધ્યાયી પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બળાત્કારની ઘટના સોમવારે બની હોવાનું જાણવા મળે છે. માટુંગા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ક્લાસના અન્ય છાત્રો ડાન્સની પ્રેક્ટિસ માટે વર્ગખંડની બહાર જતાં રહ્યા, ત્યારે બે છાત્રોએ તકનો લાભ લઈ કિશોરી પર બળાત્કાર કર્યો હતો. પીડિતા અને આરોપીઓ ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનાના કારણે કિશોરીને હચમચી ગઈ હતી અને તેણે તેની સાથે બનેલા બનાવ અંગે પરિવારના સભ્યોને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ તરત જ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ફરિયાદના આધારે પોલીસે સગીર આરોપીઓ સામે ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)ની કલમ 376 ડીએ (સોળ વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી પર ગેંગરેપ) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો મુજબ કેસ નોંધ્યો હતો.
આ કેસમાં સગીર આરોપીઓને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને દક્ષિણ મુંબઇના ડોંગરી ખાતેના જુવેનાઇલ ડિટેન્શન સેન્ટરમાં મોકલી આપ્યા હતા. આ કેસમાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આવો જ એક કેસ હૈદરાબાદની સ્કૂલમાં નોંધાયો હતો. જ્યાં પાંચ વિદ્યાર્થીઓની વિદ્યાર્થીની સાથે યૌન શોષણ કરવા બદલ અટકાયત થઈ હતી. આ વર્ષે ઓગસ્ટમાં આરોપીઓ સગીરાના પરિવારની ગેરહાજરીમાં તેના ઘરે ગયા હતા અને તેને ધમકી આપી જાતીય હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાના દસ દિવસ પછી બે સગીરોએ જઈને તેનું જાતીય શોષણ કર્યું હતું અને તેનું મોબાઇલ ફોન પર રેકોર્ડિંગ કર્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.