વેરાવળ-કોડીનાર હાઇવે ઉપર મોડી સાંજના સમયે ઓટો રીક્ષા તથા ટ્રક વચ્ચે જોરદાર ટકકર થતાં રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં વેરાવળમાં રહેતો રીક્ષાનો ચાલક અને તેના મિત્રનું સ્થળ ઉપર જ કરૂણ મૃત્યુ નિપજતાં ગમગીની સાથે અરેરાટી પ્રસરી ગઈ હતી. આ અકસ્માત સર્જીને સ્થળ ઉપર ટ્રક મૂકીને તેનો ચાલક નાસી ગયો હતો જેની સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં બે મિત્રોના મૃત્યુ નિપજતાં બંન્નેના પરીવાર ઉપર આભ ફાટયું હોય તેમ પરીવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
આ અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળ-કોડીનાર હાઇવે ઉ૫૨ પ્રાસલી ગામ નજીક જલારામ હોટલ પાસે સાંજે ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રક નં.જી જે 10 એક્સ 5345ની હડફેટે આવેલ રીક્ષા નં.જી જે 6 એ.યુ. 6058નો સાવ બુકડો બોલી જતાં અંદર બેઠેલા અંદાજે વેરાવળના બંન્ને મિત્રોના રિક્ષામાં જ કચડાઈ જવાથી સ્થળ ઉપર જ કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત સર્જીને સ્થળ ઉપર ટ્રક મુકીને ટ્રકચાલક નાસી ગયો હતો. આ અકસ્માતની જાણ થતા પોલીસ સ્ટાફએ ઘટનાસ્થળે દોડી આવીને બંન્ને મિત્રોના મૃતદેહોને કોડીનાર સરકારી હોસ્પીટલે ખસેડ્યા હતાં જ્યાં પીએમ કરવામાં આવ્યું હતું.
પોલીસ તપાસમાં મૃતકના બંન્ને મિત્રો સીરાજ યુસુફ રફાઈ અને નદીમ અલીમહમદ તુરક વેરાવળના હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સીરાજ રીક્ષા ચલાવતો હતો અને કોડીનારનું ભાડું કરવા બંન્ને સાથે ગયા હતા. ત્યાંથી પરત વેરાવળ આવી રહ્યાં હતાં તે સમયે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. આ અકસ્માત અંગે બંન્ને મિત્રોના પરીવારજનોને જાણ કરવામાં આવી હતી. બાદમાં મૃતક સીરાજના પરીવારજન જાવીદ રફાઈએ નાસી ગયેલા ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતની જાણ થતાં મુસ્લીમ સમાજના આગેવાનો કોડીનાર હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર બંન્ને મિત્રોનો પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.