વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પૂર્વેથી જ ચર્ચામાં રહેલી રાજકોટ જિલ્લાની જસદણ વિંછીયા વિધાનસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરતા પૂર્વે જ પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રચાર શરૂ કરી દીધો છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ અને વિંછીયા વિસ્તારના અલગ અલગ આગેવાનો સાથે ઓટલા બેઠક શરૂ કરી દીધી છે. જેમાં તેઓ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને જીત માટેના સમીકરણોની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. આ જોતા જસદણ વિંછીયા બેઠક પરથી ભાજપ કુંવરજી બાવળીયાને આ બેઠક પરથી રિપીટ કરી ફરી ચૂંટણી લડાવશે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળીયા પાછલી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. જો કે આ વખતે ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતા આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે. જસદણ વિધાનસભા બેઠક માટે છેલ્લી પેટાચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારોનો ઉમેરો થયો છે. જસદણ બેઠક માટે ગત ડિસેમ્બર-2018 માં યોજાયેલી પેટાચૂંટણીમાં 1,22,180 પુરૂષ મતદારો હતા. જેમાં 11,832 મતદારોનો વધારો થતાં અત્યારની ચૂંટણી માટે 1,34,012 મતદારો નોંધાયેલા છે.
જયારે 1,09,936 સ્ત્રી મતદારો હતા. જેમાં 12,341 મતદારોનો વધારો થતા અત્યારે 1,22,277 મતદારો નોંધાયેલા છે. 2018 ની પેટાચૂંટણીમાં સ્ત્રી અને પુરૂષ મળી કુલ 2,32,116 મતદારો નોંધાયેલા હતા. જ્યારે અત્યારની ડિસેમ્બર-2022 ની સામાન્ય ચૂંટણી માટે કુલ 2,56,289 મતદારો નોંધાયેલા છે. આમ ગત 2018 ની પેટાચૂંટણીની સરખામણીએ છેલ્લા 4 વર્ષ દરમિયાન કુલ 24,173 મતદારોનો ઉમેરો થયો છે. બીજીબાજુ ગત પેટાચૂંટણીમાં કુલ 256 મતદાન બુથ હતા. જેમાં આ વખતે 5 બુથનો વધારો થતાં અત્યારે ચૂંટણીમાં કુલ 261 મતદાન મથકો નોંધાયેલા છે. વિંછીયા ગામમાં 10 મતદાન મથકો હતા.જેમાં 2 મતદાન મથકનો ઉમેરો થતા 12 મતદાન મથકો થયા છે.
જ્યારે જસદણ શહેરમાં પહેલા 31 મતદાન મથકો હતા. જેમાં 2 નવા મતદાન મથકનો ઉમેરો થતાં 33 મતદાન મથકો થયા છે. જ્યારે ભડલીમાં એક મતદાન મથક વધતા 3 ને બદલે 4 મતદાન મથકો થયા છે. જસદણ વિધાનસભા બેઠક માટે જસદણ ચૂંટણી તંત્રમાંથી જુદી-જુદી 13 વ્યક્તિઓએ અત્યાર સુધીમાં ફોર્મ ઉપાડ્યા છે. 72 જસદણ વિધાનસભા બેઠક માટે જસદણ ચૂંટણી શાખામાંથી ભાજપના દાવેદાર ગજેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રામાણીએ ભાજપના ઉમેદવાર તરીકે ત્રણ ફોર્મ ગઈકાલે ઉપાડ્યા હતા.
ઉપરાંત ભોળાભાઈ ભીખાભાઈ ગોહિલે કોંગ્રેસના નામે ચાર ફોર્મ ઉપાડ્યા છે. જ્યારે કોળી સમાજના નેતા શામજીભાઈ ડાંગરે અપક્ષ તરીકે તેમજ રણજીતભાઈ ગોહિલે કોંગ્રેસ પક્ષ તરીકે ફોર્મ ઉપાડ્યા છે. જસદણ બેઠકની ઉમેદવારી કરનારા ઉમેદવાર માટે ચૂંટણી પંચ દ્વારા 2018 ની પેટા ચૂંટણીમાં રૂ.28 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જો કે આવનારી સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા રૂ.40 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સામાન્ય ચૂંટણી માટે કુલ 2,56,289 મતદારોને મતાધિકાર ભોગવવાની તક મળશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.