ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ પ્રચારનો ઝંઝાવાત શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ જાહેરાત બાદ રોડ શો અને સભા શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં તમામ ઉમેદવારોની જાહેરાત બાદ આપનો ઝંઝાવાતી પ્રચાર થશે. જેના માટે 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ અને યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં આપના સ્ટાર પ્રચારક તરીકે સભાઓ ગજવશે.
આમ આદમી પાર્ટીએ રાતે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજનસિંહ, પંજાબ સરકારના બે મહિલા મંત્રીઓ બલજિંદર કૌર અને અનમોલ ગગન માન, યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર કરશે. ગુજરાતના નેતાઓમાં આમ આદમી પાર્ટીનાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપરાંત મનોજ સોરઠિયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજસિંહ જાડેજા, પ્રવીણ રામ અને મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂનાગઢમાં ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય રોડ શો કર્યો હતો, જેમાં તેમણે ગુજરાતમાં મફતમાં વીજળી આપવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે માર્ચ પછી તમારા ઘરનું વીજબિલ તમારે ભરવાની જરૂર નથી, જે હું ભરીશ. હું તમને વચન આપું છું કે ચૂંટણી પછી હું તમારો ભાઈ બનીને, તમારો દીકરો બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળીશ. મફત આપતાં કોઈને નથી આવડતું, આ જાદુ માત્ર કેજરીવાલ પાસે જ છે.
છોટા ઉદેપુરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જે રોડ શો પાવર હાઉસથી શરૂઆત કરવામાં આવી હતી અને ઝંડા ચોક ખાતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ ઝંડા ચોક ખાતે સભાને સંબોધતા ભગવંત માને કહ્યું કે, આવો જ માહોલ મેં 7 મહિના પહેલા પંજાબમાં જોયો હતો અને ત્યાં 177 સીટોમાંથી આમ આદમી પાર્ટીને 92 સીટો મળી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ યાદી 2જી ઓગસ્ટ 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તબક્કાવાર ઉમેદવારો જાહેર કર્યા હતા. અત્યારસુધીમાં 12 યાદીઓ જાહેર કરી છે. જેમાં 158 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. દિવસની રીતે ગણતરી કરીએ તો આપ દ્રારા 99 દિવસમાં ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.