ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે ભારતના ટ્વિટર યૂઝર્સ માટે આ ટ્વિટર એકાઉન્ટ બ્લોક છે. ટ્વિટર તરફથી જણાવવામાં આવ્યું છે કે એક લીગલ ફરિયાદ મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે ભારતમાં દેશ વિરોધી ગતિવિધિઓ રોકવાની દિશામાં કેન્દ્ર સરકારે આ પગલું લીધુ છે. જો કે ભારત સરકાર તરફથી હજુ સુધી પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને બેન કરવા અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ બધા વચ્ચે પાકિસ્તાન પર થયેલી અત્યાર સુધીની સૌથી મોટી ડિજિટલ સ્ટ્રાઈક અંગે અનેક પ્રકારની અટકળો લાગી રહી છે.
કહેવાય છે કે હાલમાં જ એક કટ્ટર ઈસ્લામિક સંગઠન પર કરાયેલી કાર્યવાહી બાદ કેન્દ્ર સરકારે આ પગલું લીધુ છે. પાકિસ્તાન સરકારનું અધિકૃત ટ્વિટર એકાઉન્ટ કેમ બેન કરાયું તેના પર અધિકૃત નિવેદનની વાટ જોવાઈ રહી છે. નોંધનીય છે કે પાકિસ્તાન લાંબા સમયથી સોશિયલ મીડિયા મંચો દ્વારા ભારત વિરોધી પ્રોપગેન્ડા ફેલાવતું રહ્યું છે. આવામાં સમયાંતરે ભારત વિરુદ્ધ નફરતભર્યા અને પાયાવિહોણા આરોપ લગાવનારા પર સરકાર તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. અત્રે જણાવવાનું કે હાલમાં પીએફઆઈ પર પાંચ વર્ષના પ્રતિબંધના વિરોધમાં પાકિસ્તાન સરકાર તરફથી ટ્વીટ કરાઈ હતી.
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના કેનેડામાં સ્થિત દૂતાવાસે આ કાર્યવાહી પર ભારતનો વિરોધ કર્યો અને પીએફઆઈના સમર્થનમાં વાત કરી હતી. એવું કહેવાય છે કે કદાચ આ કારણસર ભારતમાં પાકિસ્તાન સરકારનું અધિકૃત ટ્વિટર એકાઉન્ટ બેન થયું હોઈ શકે. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના કેનેડા સ્થિત દૂતાવાસની એક ટ્વીટનો સ્ક્રીનશોટ, જે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સમર્થનમાં હતી, ખુબ વાયરલ થઈ હતી.
રિપોર્ટ મુજબ પાકિસ્તાન મહાવાણિજ્ય દૂતાવાસ વાનકુવરના અધિકૃત હેન્ડલે પ્રતિબંધિત પીએફઆઈના સમર્થનમાં ટ્વીટ કરી હતી. એટલું જ નહીં આ આપત્તિજનક ટ્વીટની સાથે તેમાં પાકિસ્તાન વિદેશ મંત્રાલય અને પાક સરકારને ટેગ કરાયું હતું. સોશિયલ મીડિયા પર આ ટ્વીટ વિરુદ્ધ લોકોએ ખુબ ગુસ્સો કાઢ્યો હતો. આ પોસ્ટ ખુબ વાયરલ થઈ હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.