કોડીનારમાં સોમનાથ હાઈવે ઉપર આવેલ અંબુજા કંપનીના ફાટક નજીક એક સ્કૂલ રિક્ષાને રોંગ સાઈડમાં પૂરપાટ આવતા ટ્રકે હડફેટે લેતાં રિક્ષા પલટી મારી ગઈ હતી. એ સમયે રિક્ષામાં બેસેલાં દસેક બાળકો ફંગોળાઈને પટકાયાં હતાં. જેમાં એક 15 વર્ષીય વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
જ્યારે રિક્ષાચાલક સહિત સાતેક બાળકોને નાની મોટી ઇજાઓ સાથે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે સ્થળ ઉપર લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયેલાં, ત્યારે વિદ્યાર્થિનીના મૃત્યુના સમાચાર જાણીને શહેર અને શાળા વર્તુળમાં ગમગીની પ્રસરી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.
આ અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ કોડીનાર શહેરમાંથી બાળકોથી લઈને સ્કૂલ રિક્ષા સાતેક વાગ્યા આસપાસ સોમનાથ હાઈવે ઉપર અંબુજા કંપનીના ફાટક પાસેથી જઈ રહી હતી. તે સમયે રિક્ષા ટર્ન લઈ રહી હતી, ત્યારે રોંગ સાઈડમાંથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકે સ્કૂલ રિક્ષાને અડફેટે લેતાં પલટી મારી ગયાની સાથે તેમાં બેસેલ વિદ્યાર્થીઓ અને ચાલક ફંગોળાઈને રસ્તા ઉપર પટકાયા હતા.
આ સમયે આસપાસથી પસાર થતાં અન્ય વાહનચાલકોએ દોડી આવીને પ્રથમ સ્કૂલ રિક્ષાને ઊભી કરી તેમાં રહેલા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તુરંત નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ હતા. આ સમયે હરિતાબેન મહેન્દ્રભાઈ બારડ (ઉ.વ. 15) નામની વિધાર્થીનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજતા ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ તેના વીડિયો સામે આવ્યા છે.
જેમાં પોતાની સાઈડમાં જઈ રહેલ સ્કૂલ રિક્ષાને રોંગ સાઈડમાંથી પૂરઝડપે આવતી ટ્રકે અડફેટે લેતા રિક્ષામાં બેઠેલા ત્રણેક વિદ્યાર્થીઓ બહારની સાઈડ ફંગોળાઈને રસ્તા ઉપર પટકાતા જોવા મળે છે. આ અકસ્માતના સીસીટીવી વીડિયોમાં લોકોનાં રુવાંડાં ઊભાં થઇ જાય તેવા અકસ્માતનાં દૃશ્યો જોવા મળે છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાં હિતાર્થ બારડ, ક્રિષુબેન અમરેલિયા, રુદ્ર બારડ, આયુષીબેન ડોડિયા, અવિકાબેન મીના, આર્વિબેન ગોહિલ, આર્યાબેન ડોડિયા, નવ્યાબેન ચૌધરી, વેદાંશું ચાવડા તથા રિક્ષાચાલક વાલજીભાઈ રાઠોડ સામેલ છે.
આ તમામ હાલ સારવાર હેઠળ છે. આ અકસ્માત સર્જનાર ટ્રકચાલક ઘટના સ્થળથી લગભગ 10 કિમી દુર પ્રાચી નજીક હાઇવે ઉપર ટ્રક છોડી ફરાર થઈ ગયો હોવાનું પોલીસના ધ્યાને આવતા ટ્રક ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે. આ અકસ્માતના મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ અકસ્માતમાં માસૂમ વિદ્યાર્થિનીના મૃત્યુના સમાચારથી શિક્ષણ જગત સાથે શહેરમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.