નળકાંઠાના નો-સોર્સ વિલેજને સિંચાઇના પાણી ઉપલબ્ધ કરવા અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે તાજેતરમાં મુખ્ય સચિવ પંકજકુમાર અને સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે યોજેલી બેઠક બાદ સરકારે નળકાંઠાના વધુ ૧૧ ગામોના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧૫ હેક્ટર જમીનને નર્મદા કમાન્ડ એરીયામાં આવરી લેવાનો ર્નિણય કર્યો છે.
આ વિસ્તારમાં સિંચાઇ માટેના પાણીનો અન્ય કોઇ સ્ત્રોત નહીં હોવાથી ખેડૂતોને પડતી પારાવાર મુશ્કેલી અને રજૂઆતોને ધ્યાને લઇને અમિત શાહે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. નળકાંઠાના કુલ ૩૨ નો-સોર્સ વિલેજમાં સિંચાઇના પાણીની સમસ્યા હતી. આ પૈકીના ૨૧ ગામોનો સમાવેશ તાજેતરમાં ૧૧૧ ગામો માટે કરાયેલા ર્નિણયમાં થઇ ગયો હતો. બાકીના ૧૧ ગામોને પણ હવે સિંચાઇ માટે નર્મદાનું પાણી મળશે.
અમદાવાદમાં બોપલ, ઘૂમા, આંબલી વિસ્તારમાં ચાલી રહેલા સફાઇને લગતા પ્રશ્નમાં પણ કેન્દ્રિય મંત્રી અમિત શાહે અંગત રસ લીધો છે. આ વિસ્તારમાં સફાઇ કામદારોની કામગીરીના અભાવે કચરા નિકાલની અને ગટરની સમસ્યા ઉદભવી છે. આ વિસ્તારના રહેવાસીઓને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે અમિત શાહે ત્રણ દિવસમાં આ પ્રશ્નનો સમાધાનથી ઉકેલ લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે.
અમિત શાહના મતવિસ્તાર ગાંધીનગરમાં આ વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીંના સાંસદ તરીકે સ્થાનિક મુશ્કેલીઓના નિવારણ માટે અંગત રસ લઈને તેમણે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી આ મુદ્દાઓનો નિકાલ કર્યો છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.