ઈરાકમાં ફરી એકવાર મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. શિયા મૌલવી મુક્તદા અલ સદર અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેની હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 20 લોકો માર્યા ગયા છે. વાસ્તવમાં, મુક્તદા અલ સદરે રાજકારણ છોડવાની જાહેરાત કર્યા પછી પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી. બગદાદમાં મુક્તદાના સમર્થકો અને ઈરાનને સમર્થન આપનારાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
ગુસ્સે ભરાયેલા ટોળાએ રાષ્ટ્રપતિ ભવન અને સરકારી ઈમારતો પર પણ હુમલો કર્યો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે યુએસ એમ્બેસીના કર્મચારીઓને હેલિકોપ્ટર દ્વારા ગ્રીન ઝોનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઇરાકી સુરક્ષા દળોએ દેખાવકારોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે આ લોકો રાષ્ટ્રપતિ ભવનમાં બનેલા સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરી રહ્યા છે.
નોંધનીય છે કે છેલ્લા 10 મહિનાથી ઈરાકમાં કોઈ કાયમી વડાપ્રધાન નથી અને કોઈ સરકાર નથી. કેબિનેટ વગર દેશ ચાલે છે. જેના કારણે દેશની હાલત કફોડી બની છે અને અરાજકતાનુ વાતાવરણ સર્જાયુ છે. હાલમાં ઇરાકની સ્થિતિ શ્રીલંકા જેવી છે. અહેવાલ મુજબ મૌલવી દ્વારા રાજકારણ છોડવાની જાહેરાત બાદથી ગ્રીન ઝોનમાં વાતાવરણ વણસી ગયુ છે. તેમના પ્રશંસકોએ હોબાળો મચાવ્યો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઠેર-ઠેર હિંસક અથડામણ જોવા મળી હતી. ગ્રીન ઝોનની બહાર લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
નોંધનીય છે કે આ વિસ્તારમાં મહત્વના મંત્રાલયો અને દૂતાવાસોમાં રહેતા લોકોના ઘર છે. છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય બગદાદમાં ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે. જેના કારણે અહી ગભરાટ ફેલાયો છે. આ હુમલામાં કુલ 20 લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. પરિસ્થિતિને જોતા ઈરાકમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સોમવારે ઇરાકી સેનાએ બપોરથી દેશમાં કર્ફ્યુ લાદી દીધો છે.
આ સાથે લોકોને ગ્રીન ઝોનમાંથી બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે. શિયા ધર્મગુરુઓ દેશમાં વહેલી ચૂંટણીની માંગ કરી રહ્યા છે. હિંસા રોકવા માટે મુક્તદા અલ સદરે ભૂખ હડતાલ કરી છે. તેમણે કહ્યુ કે જ્યાં સુધી હિંસા બંધ નહિ થાય, હથિયારોનો ઉપયોગ બંધ નહિ થાય ત્યાં સુધી તેઓ ભૂખ હડતાળ પર ઉતરશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.