(જી.એન.એસ),તા.૦૨
શ્રીલંકા
શ્રીલંકાના ઉર્જા મંત્રીએ કહ્યું કે તેમણે પહેલાથી જ સત્તાવાળાઓને સ્ટ્રીટ લાઇટ બંધ કરવા સૂચના આપી દીધી છે જેથી વીજળી બચાવી શકાય. બીજી તરફ કોલંબો સ્ટોક એક્સચેન્જે પાવર કટના કારણે એક સપ્તાહ માટે ટ્રેડિંગનો સમય 2 કલાક ઘટાડી દીધો છે. આર્થિક સંકટના કારણે શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. બગડતી પરિસ્થિતિ વચ્ચે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. દેશ અત્યારે આઝાદી પછીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. અહીં ઇંધણની ભારે કટોકટી છે અને લોકોને કેટલાક કલાકો વીજ કાપનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રીલંકામાં પેપરોની એટલી અછત છે કે અહીંની તમામ પરીક્ષાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સરકાર સામે દેખાવો ભારે ઉગ્ર બની ગયા છે. રાષ્ટ્રપતિ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. ગુરુવારે પણ રાષ્ટ્રપતિના આવાસની બહાર હિંસક દેખાવો જોવા મળ્યા હતા. ખરાબ સ્થિતિને જોતા સરકારે ઈમરજન્સી જાહેર કરી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અને આવશ્યક સેવાઓની સપ્લાયને જાળવી રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ, શ્રીલંકાની સરકારે શુક્રવારે વર્તમાન આર્થિક કટોકટી અંગે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન નજીક હિંસક વિરોધને “આતંકવાદી કૃત્ય” તરીકે ગણાવ્યો હતો અને આ ઘટના માટે વિરોધ પક્ષો સાથે જોડાયેલા “ઉગ્રવાદી તત્વો” ને જવાબદાર ઠેરવ્યા હતા. ગુરુવારે હજારો વિરોધીઓ રાજપક્ષેના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા, જેઓએ ટાપુ રાષ્ટ્રમાં આર્થિક કટોકટીને દુર કરવામાં તેમની નિષ્ફળતા બદલ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગણી કરી હતી. ત્યારે જોતજોતામાં જ વિરોધ પ્રદર્શનમાં હિંસા ફાટી નીકળી હતી. આંદોલન હિંસક બનતા અનેક લોકો ઘાયલ થયા હતા અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીકના સ્ટીલ બેરિકેડને તોડી પાડ્યા બાદ પોલીસે દેખાવકારો પર ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા. આ સંબંધમાં કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કોલંબો શહેરના મોટાભાગના વિસ્તારોમાં થોડા સમય માટે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિના મીડિયા વિભાગ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષેના નિવાસસ્થાન નજીકની હિંસામાં એક ઉગ્રવાદી જૂથ સામેલ હતું, રિપોર્ટ અનુસાર, હાલમાં શ્રીલંકામાં 13 કલાકનો પાવર કટ જોવા મળી રહ્યો છે. હાલમાં વિદેશી મુદ્રા ભંડારના અભાવે દેશ ઇંધણની આયાત કરી શકતો નથી. આ સાથે ઉનાળામાં ગરમી વિક્રમી વધારાને કારણે એક તરફ વીજળીની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પાણી ઉત્પન્ન કરતા જળાશયોમાં પાણી એટલુ નીચું પહોંચી ગયું છે કે વીજળીના ઉત્પાદન પર અસર પડી છે. અગાઉ એવા અહેવાલ હતા કે ઇંધણ મેળવવામાં નિષ્ફળ ગયેલી શ્રીલંકાની સરકાર સ્ટ્રીટ લાઇટ બંધ કરીને પૈસા બચાવવાનો પ્રયાસ કરી રહી છે. રોયટર્સે શ્રીલંકાના ઉર્જા મંત્રીને ટાંકીને આ માહિતી આપી હતી. રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં ઇંધણની અછતને કારણે લાંબા સમય સુધી પાવર કટ જોવા મળી રહ્યો છે. સ્થિતિ વણસતી બચાવવા સરકારને રસ્તાઓ પર અંધારપટ કરવાની ફરજ પડી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.