(જી.એન.એસ) તા. 03
વિસાવદર,
વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી દરમિયાન ભાજપે દ્વારા એક નવા ચહેરાની પસંદગી કરીને ફરી એકવાર સૌને ચોકાવ્યાં છે. પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને તે બાદ કોંગ્રેસ પક્ષ છોડીને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા પણ ભાજપમાં જોડાયા હતા. આ બંને પક્ષપલટુઓ વિસાવદર બેઠક માટે મજબૂત દાવેદાર હતાં તેમ છતાંય ભાજપે નવોદિત ચહેરા તરીકે કિરીટ પટેલને ચૂંટણી મેદાને ઉતારી સૌને ચોંકાવ્યાં હતાં. આ કારણોસર ભાયાણી અને રિબડિયાની ચૂંટણી લડવાની ઇચ્છા અઘૂરી રહી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઓપરેશન લોટસને કારણે ભૂપત ભાયાણીએ વિસાવદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યુ હતું. આ રાજીનામાને લીધે જ વિસાવદરની બેઠક ખાલી પડી હતી. રાજકીય સોદો થતાં ભાયાણી જ ભાજપના ઉમેદવાર હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતું. આ ઉપરાંત કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરનારાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાને પણ ભાજપ ટિકિટ આપશે તેવું સ્થાનિક નેતાઓ માની રહ્યાં હતાં. પક્ષપલટો કર્યા પછી રાજકીય ફાયદો મેળવવાની બંને નેતાઓની ગણતરી ઉંધી પડી છે. બંને પક્ષપલટુ નેતાઓને ભાજપે હાંસિયામાં ધકેલી દીધા છે. વિસાવદર બેઠક પર કિરીટ પટેલને ચૂંટણી મેદાને ઉતારતાં ભાયાણી અને રિબડિયા જાણે ન ઘરના, ન ઘાટના બની રહ્યાં હતાં.
પેટા ચુંટણીમાં કડી અને વિસાવદર બેઠકો પર ભાજપ, કોંગ્રેસે ઉમેદવારોએ અંતિમ દિવસે ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પેટાચૂંટણીમાં પણ ભાજપ ઓપરેશન સિંદૂરને ચૂંટણી મુદ્દો બનાવી મતદારોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરશે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન આ વાત ગુજરાતની પ્રજા સમક્ષ મૂકી હતી ત્યારે પેટાચૂંટણીમાં પણ ઓપરેશન સિંદૂર ગાજી શકે છે.
મહત્વનું છે કે, ભાજપ અને કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવારો પર પસંદગી ઉતારી છે ત્યારે વિસાવદર બેઠક પર ત્રણ પાટીદાર ઉમેદવાર વચ્ચે ક્શ્મકશભર્યો ચૂંટણી જંગ જામશે. ભાજપ માટે વિસાવદરની બેઠક જીતવી પડે તેમ છે કેમકે, આ બેઠક અત્યાર સુધી ભાજપના ફાળે આવી શકી નથી. તે જોતાં ભાજપે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સહિતના દિગ્ગજ નેતાઓને આ બેઠક જીતવા જવાબદારી આપી છે. વર્ષ 2022માં વિસાવદર બેઠક આપના ફાળે ગઈ હતી. આપે આ વખતે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે ત્યારે ભાજપની સૌથી મોટી ચેલેન્જ એ છે કે, ઈટાલિયાને ગાંધીનગર આવતા રોકે. આ તરફ, આપે પણ આ બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવ્યુ છે. ટૂંકમાં, વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે.
