(જી.એન.એસ) તા. 02
વડોદરા,
સમગ્ર દેશની આઈઆઈટી સહિતની જાણીતી એન્જિનિયરિંગ કોલેજોની 18000 જેટલી બેઠકો પર ધો.12 પછી પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં ગુજરાતના વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-500 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે. વડોદરાના આદિત ભાગાડેએ દેશમાં 94મો, શોર્ય ગુપ્તાએ 237મો અને ધ્યાન શાહે 366મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
આખા દેશમાં આશરે 1.80 લાખ વિદ્યાર્થીઓએ જેઈઈ એડવાન્સના બંને પેપરની પરીક્ષા આપી હતી. વડોદરામાંથી 700 કરતા વધારે વિદ્યાર્થીઓ એડવાન્સ પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. આ પૈકી 250 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજોમાં એડમિશન મળે તેવી શક્યતાઓ છે.
આખા દેશમાં 94મો રેન્ક મેળવનાર આદિત ભાગાડેએ કહ્યું હતું કે, પરીક્ષામાં સફળતા મેળવવા મોક ટેસ્ટ પર ભાર મૂકયો હતો. મોક ટેસ્ટ પૂરો થયા બાદ તેના રિઝલ્ટ અંગે મિત્રો સાથે ચર્ચા વિચારણા કરીને ભૂલ સુધારતો હતો. દિવસમાં રોજ 6 થી 7 કલાક ઘરે વાંચતો હતો. હવે દેશની ટોપ ત્રણ આઈઆઈટી પૈકી એક આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવો છે. અત્યાર સુધી મોબાઈલનો ઉપયોગ નહોતો કર્યો અને હવે મોબાઈલ કેવી રીતે વાપરવો તે શીખી રહ્યો છું. માતા પિતા ડોકટર છે પણ મને પહેલેથી એન્જિનિયરિંગમાં રસ હતો.
જેઈઇ પરીક્ષામાં દેશમાં 237મો રેન્ક મેળવાર શૌર્ય ગુપ્તાએ કહ્યું હતું કે, મારી બહેન આઈઆઈટીમાંથી પાસ આઉટ છે. મારો પિતરાઈ પણ આઈઆઈટીમાંથી ભણેલો છે અને તેના કારણે મને પણ આઈઆઈટીમાં અભ્યાસ કરવો હોવાથી જેઈઈ માટે તૈયારી કરી હતી. બે વર્ષથી મૂવી જોવાનું અને કારણ વગર બહાર જવાનું ટાળતો હતો. અભ્યાસ માટે ટાઈમ ટેબલ બનાવ્યું હતું પરંતુ તેના સિવાય કોઈ વધારાના પ્રયાસ કર્યા નહોતા. માતા પિતા ડોકટર છે પણ હું કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું.
ઓલ ઈન્ડિયા રેન્ક 366 પ્રાપ્ત કરનાર ધ્યાન શાહે કહ્યું હતું કે, મારા માતા અને પિતા ડોકટર છે પરંતુ મને મેથ્સ તરફ પહેલેથી ઝુકાવ હોવાથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. ભણવા માટે આસપાસનો માહોલ પણ અનુકુળ હોવો જરુરી છે. રોજ સાત થી આઠ કલાક હું વાંચતો હતો. જેઈઈમાં સફળતા મેળવવા માટે આટલી મહેનત તો કરવી જ જોઈએ તેવું મારુ માનવું છે. હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માગું છું.
દેશમાં 558મો રેન્ક પ્રાપ્ત કરનાર અભિષેક કુમારના મતે અભ્યાસને બોજો ગણવાનો અર્થ નથી. રસ લઈને ભણવું જરુરી છે. આ વખતનું પેપર અઘરું અને લાંબું હતું. મારા કેટલાક પ્રશ્નો છૂટી ગયા હતા પરંતુ જે પણ પ્રશ્નોના જવાબ લખ્યા હતા તે સારી રીતે લખ્યા હોવાથી સારો રેન્ક મળશે તેવો વિશ્વાસ હતો. પિતા રેલવે અધિકારી છે અને માતા હોમ મેકર છે. હવે આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવો છે.

