(જી.એન.એસ) તા. 29
અમદાવાદ,
હાલના દિવસોમાં ગરમી તો હદ પાર કરી હોય તેવી પરિસ્થિતિ સરજી છે ત્યારે 43 ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં વર્ષો જૂનો રૅકોર્ડ તૂટ્યો છે. જોકે, રાજકોટવાસીઓને હજુ રાહત નહીં મળે. કારણ કે, હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની સાથે રાજકોટમાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (29 એપ્રિલ) રાજકોટમાં ઑરેન્જ ઍલર્ટ હતું. જ્યારે કચ્છ-મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું હતું.
વધુમાં હવામાન વિભાગે કહ્યું હતું કે, આજે 30 એપ્રિલે ગરમીનો પ્રકોપ વધતો જોવા મલઈ શકે છે કારણ કે, ગુરુવારે પણ રાજકોટમાં વધુ ગરમીના કારણે ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના ત્રણ જિલ્લા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 5 મે સુધી રાજ્યમાં હીટવેવનું કોઈ ઍલર્ટ નથી.
ગુજરાતના અમદાવાદ, અમરેલી, ખેડા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 45 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, નર્મદા, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, તાપી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 30 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. 30 એપ્રિલ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વંટોળ સાથે વરસાદની શક્યતા છે.આ વિસ્તારોમાં ગાજવીજ અને વંટોળ સાથે વરસાદની શક્યતા છે.આવનારા દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી અને લોકો શેકાતા હોય જ્યારે કે અન્ય ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.