Home ગુજરાત ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને...

ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ

42
0

(જી.એન.એસ) તા. 27

ગોંડલ,

ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર નેતાઓ ગોંડલ પહોંચ્યા હતાં. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, જીગીશા પટેલ સહિત અનેક પાટીદાર આગેવાનો ગોંડલમાં આવ્યા હતા. જ્યાં અલ્પેશ કથીરિયાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયાની સાથે જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા પણ પહોંચ્યા છે. આ દરમિયાન ગણેશ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે કહ્યું હતું કે, આંદોલનમાં નાપાસ થયેલા હવે ગોંડલમાં મેદાને ચઢ્યાં છે. ગોંડલમાં તમામ સમાજના લોકો અમારી સાથે છે.હાલમાં ગોંડલમાં રાજકિય વાતાવરણ તંગ બન્યું છે. ત્યારે જાણીએ આ સમગ્ર વિવાદ પાછળ કયું કારણ જવાબદાર છે.

ગોંડલમાં ગણેશ જાડેજા અને પાટીદાર નેતાઓ વચ્ચે સર્જાયેલા વિવાદ પાછળ સુલતાનપુર અને સુરતમાં મળેલી બેઠકો જવાબદાર માનવામાં આવે છે. સુલતાનપુરમાં ગણેશ જાડેજાએ શક્તિપ્રદર્શન કરીને પાટીદાર નેતાઓને આકરા શબ્દોમાં પડકારો ફેંક્યા હતાં. ત્યાર બાદ સુરતમા મળેલી પાટીદારોની બેઠકમાં ગણેશ જાડેજાને જડબાતોડ જવાબો અપાયા હતાં. ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના બે યુવાનો વચ્ચે થયેલી માથાકૂટ બાદ વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ બંને સમાજના આગેવાનો દ્વારા સમાધાનકારી વલણ અપનાવી પૂર્ણ કરાયો હતો. પરંતુ સુરતમાં મળેલી બેઠક બાદ આ વિવાદ વધારે ચગ્યો હતો. જ્યારે પાટીદાર અને ક્ષત્રિય સમાજે વિવાદનો અંત કર્યો હતો ત્યારે ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગણેશ જાડેજાને આગામી ઉમેદવાર ગણાવતા મામલો ફરી ચગ્યો હતો.

પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. 

અલ્પેશ કથિરિયાએ આ વિરોધ અને હુમલા વિશે વાત કરતાં કહ્યું કે, ‘જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના. તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે.’ 

બે દિવસ પહેલાં સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ જાડેજાએ ચીમકી ઉચ્ચારતો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ પડકાર આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલ માટે હતો.  ગણેશ ગોંડલે કહ્યું હતું કે હું અને અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં જ રહીએ છીએ. માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. મારી ગાડી 2 વાગે ગોંડલમાં જોવા મળશે. જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પણ પકડીને બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો… 200 કિલોમીટર દૂરથી વીડિયો બનાવીને રમત ન રમશો. આ કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, વરૂણ પટેલ, મેહુલ બોઘરા અને જિગીશા પટેલ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા.