Home ગુજરાત પ્રવાસીઓ પર આતંકી હુમલા વખતે જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા 20 જેટલા લોકો વડોદરા પહોંચ્યા,...

પ્રવાસીઓ પર આતંકી હુમલા વખતે જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા 20 જેટલા લોકો વડોદરા પહોંચ્યા, સર્જાયા ભાવુક દ્રશ્યો

35
0

(જી.એન.એસ) તા. 26

વડોદરા,

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બે દિવસ શ્રીનગરમાં અટવાઈ ગયેલા વડોદરાના 20 જેટલા પ્રવાસીઓનો સમૂહ આજે વડોદરા પરત ફર્યું હતું. વતનની ધરતી પર પગ મૂકતાની સાથે ઘણાની આંખો ભીની થઇ ગઇ હતી. રેલવે સ્ટેશન પર લેવા માટે આવેલા સબંધીઓ પણ તેમને ખુશીથી ભેટી પડયા હતા. પરત આવેલા પ્રવાસીઓ તથા તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રવાસીઓ સર્વેનું કહેવું છે કે, સ્થાનિકો દ્વારા અમને ખુબ સપોર્ટ કરવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરથી પરત આવેલા એક મહિલા પર્યટકે કહ્યું હતું કે, અમે ભગવાનનો આભાર માનીએ છે. આતંકવાદી હુમલો થયો ત્યારે અમે શ્રીનગરના શાલીમાર બાગમાં હતા. જેમ જેમ હુમલાના સમાચાર સામે આવતા ગયા હતા તેમ તેમ શ્રીનગરમાં ગભરાટ વધતો ગયો હતો. સ્કૂલો અને બજારો બંધ થઈ ગયા હતા અને લાલચોકમાં આ હુમલાના વિરોધમાં પ્રદર્શન થયું હતું. ભારતીય સેનાનો ઘણો સપોર્ટ મળ્યો. સ્થાનિક લોકો પણ હુમલાના વિરોધમાં હતા અને તેમણે પણ પ્રવાસીઓને મદદ કરી હતી. આતંકવાદી હુમલામાં નિર્દોષોનો જીવ ગયા છે. આ સારી વાત નથી. સરકારે ઈટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ.

અન્ય મહિલાએ જણાવ્યું કે, આતંકી હુમલાની ઘટના બાદ અમે ડરી ગયા હતા. ત્યાં કરફ્યુ લાગી ગયા હતા. અમે અમારી હોટલમાં સુરક્ષિત હતા. અમે રૂ. 25 હજાર ખર્ચીને જમ્મુ આવ્યા હતા. ત્યાંના લોકો ખુબ સારા છે, અમને ઘણો સપોર્ટ કર્યો હતો. અમને જમવા અને રહેવા માટે તેઓ બોલાવતા હતા. અમારા સંતાનો ચિંતા કરતા હતા. હવે ઘરે આવીને ઘણી રાહત અનુભવી રહ્યા છે.