(જી.એન.એસ) તા. 25
વોશિંગ્ટન,
અમેરિકાએ ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે આ દુઃખદ ઘડીમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, ‘પ્રમુખ ટ્રમ્પ અને વિદેશમંત્રી રુબિયોએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે અમેરિકા ભારતની સાથે ઉભું છે અને આતંકવાદના દરેક કૃત્યની કડક નિંદા કરે છે.’
સાથેજ આ મુદ્દે તેમણે કહ્યું, ‘આ હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ, ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આ જઘન્ય હુમલાના ગુનેગારોને ન્યાયના કઠઘરામાં લાવવામાં આવે.’
પહલગામ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે અમેરિકા તરફથી સ્પષ્ટ ટિપ્પણીની માગ કરાતા પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ટેમી બ્રુસે કહ્યું, ‘આ એક ઝડપથી બદલાતી પરિસ્થિતિ છે અને અમે તેના પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છીએ.’
તેમજ આ મામલે વધુમાં તેમણે કહ્યું, ‘અમે હાલમાં કાશ્મીર કે જમ્મુની પરિસ્થિતિ પર કોઈ સત્તાવાર વલણ અપનાવી રહ્યા નથી.’ હું હમણાં આનાથી વધુ કંઈ કહી શકું તેમ નથી. તમને જણાવી દઈએ કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 28 નાગરિકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા જેઓ અહીં રજાઓ ગાળવા આવ્યા હતા.