વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં કેચ ધ રેઇન, એક પેડ મા કે નામ અને સ્વચ્છતા સૌનો સહજ સ્વભાવ બને: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
(જી.એન.એસ) તા. 23
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન કરાવતા ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રભાવક ગાથા પ્રસ્તુત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરીને વૈશ્વિક નામના મેળવી છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વીઝીનરી લીડરશીપ અને પોલિટિકલ વિલ ને આભારી છે.
તેમણે કહ્યું કે સાબરમતી નદી પર બનેલો રિવરફ્રન્ટ એ ડેવલપમેન્ટ માટેની રાજકીય ઈચ્છાશક્તિ અને નાનામાં નાના માનવીની સુવિધાનો ખ્યાલ રાખવાના શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારનું ઉત્તમ ઉદાહરણ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાત 1960માં જ્યારે મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યારે રણ, ડુંગર અને અછત ધરાવતા પ્રદેશોની ઓળખ હતી. એટલું જ નહીં ઔદ્યોગિક વિકાસ પણ વાપીથી તાપી સુધી સીમિત હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પાછલા ત્રણ દાયકામાં થયેલા સર્વાંગી વિકાસમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા આયોજનનો કોઈ વિચાર પણ નહોતું કરતું ત્યારે શ્રી નરેન્દ્રભાઈએ તેનો અમલ કરાવ્યો.
પોલિસી ડ્રીવન સ્ટેટ અને વાઇબ્રન્ટ સમિટની ઉતરોતર સફળતાને પગલે આજે ગુજરાત બેસ્ટ ચોઈસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચોવીસ કલાક વીજળી, નર્મદાના જળ વિતરણના વ્યાપક નેટવર્કથી કચ્છ જેવા છેવાડાના વિસ્તારને પણ પાણી પહોંચાડવાની સફળતા શ્રી નરેન્દ્રભાઈની દૂરંદેશીનું જ પરિણામ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે ગુજરાત ઉભરતા ક્ષેત્રો જેવા કે સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી વગેરેમાં પણ અગ્રેસર રહેવાની નેમ રાખી છે.
ભારતમાં સેમિકન્ડક્ટરની પહેલી ચીપ ગુજરાતમાં બનશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત@2047નો સંકલ્પ કર્યો છે તેમાં પણ વિકસિત ગુજરાતના નિર્માણથી ગુજરાત અગ્રેસર રહેશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત- વિકસિત ગુજરાત માટે કેચ ધ રેઇન દ્વારા વરસાદી પાણીનો સંચય, એક પેડ મા કે નામ દ્વારા પર્યાવરણ પ્રિય વિકાસ, અને સ્વચ્છતા સાથે સર્વાંગી વિકાસ માટેના વડાપ્રધાનશ્રીના આહવાનને દરેક વ્યક્તિ પોતાનો સહજ સ્વભાવ બનાવે તેવી હૃદયસ્પર્શી અપીલ કરી હતી.
આ સંવાદમાં મુખ્યમંત્રી શ્રી એ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞોનું સન્માન પણ કર્યું હતું. આ પ્રસંગે પાંચજન્યના સંપાદક શ્રી હિતેશ શંકર, ભારત પ્રકાશનના શ્રી અરુણ ગોયલ, અને પાંચજન્યના એડિટર શ્રી વિનીત ગર્ગ સહિત આમંત્રિતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.