(જી.એન.એસ) તા.૯
જામનગર,
જામનગર મહાનગરપાલિકા સાથે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવ્યા બાદ ગેરકાયદે બાંધકામ કરનારની હાર થતાં આખરે આજે ડિમોલેશન કરાયું. જામનગરમાં જૂની ગેલેક્સી ટોકીઝ નજીકના વિસ્તારમાં એક આસામી દ્વારા મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને ૧૨ જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામા આવ્યું, ત્યારે ભારે પોલીસ બન્દોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાંધકામ કરનાર દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવી હતી અને ત્યાં તેની હાર થઈ જતાં આખરે મહાનગર પાલિકાએ આજે 12 દુકાનની ૫,પ૫૦ ચોરસ ફૂટ જગ્યાને ખુલ્લી કરાવી છે. જામનગરના ગેલેક્સી સિનેમા નજીક મનસુખભાઈ નિમાવત કે જેની એક ટ્રસ્ટ હસ્તકની આશરે ૫,૫૦૦ ચોરસ ફૂટ જેટલી જગ્યા આવેલી છે, જે જગ્યા ઉપર નગરના એક વ્હોરા બિલ્ડર દ્વારા પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેની મંજૂરી ન હોવા છતાં ૨૦૨૦ની સાલમાં આ સ્થળે ૧૫ જેટલી દુકાનો બનાવી દેવામાં આવી હતી, અને તે અંગેની ફરિયાદ થયા બાદ મહાનગરપાલિકાએ મંજૂરી વગરની 15 દુકાનોનું ૨૦૨૦ ની સાલમાં બાંધકામ તોડી પાડ્યું હતું. ત્યારબાદ આ જ સ્થળે ફરીથી બાંધકામ શરૂ કરાયું હતું, અને નવી ૧૨ દુકાનો બનાવી દેવામાં આવી હતી. જે મામલે પણ કાનૂની લડત ચાલી હતી, અને જામનગરની અદાલત ઉપરાંત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલી હતી અને બિલ્ડરની આખરે તેમાં હાર થઈ હતી. એક હિટાચી મશીન, ત્રણ જેસીબી મશીન, ટ્રેકટર વગેરે મશીનરીની મદદથી ૨૫ જેટલા કર્મચારીઓને સાથે રાખીને બાંધકામ દૂર કરવાનું શરૂ કરાયું હતું, અને ગેરકાયદેસર ઉભી કરેલી ૧૨ દુકાનોનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આ વેળાએ મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. જામનગર મહાનગરપાલિકાએ ઉપરોક્ત જગ્યા ખુલ્લી કરવા માટેનો આદેશ કરીને નોટિસ આપી હતી. તેની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં બાંધકામ દૂર કર્યું ન હોવાથી આજે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્તની સાથે બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.