(જી.એન.એસ) તા.૬
જામનગર,
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ દ્વારા ૨૫૦૦ ફૂટની જગ્યામાં ખડકી દેવાયેલા ચાર મકાનોને તોડી પડાયા જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા ઘાંચી ની ખડકી વિસ્તારમાં ગેર કાયદે ખડકી દેવાયેલા ચાર મકાનો પર આજે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ડિમોલેશન કરાયું હતું, અને ચારેય મકાનમાં ના બાંધકામ ને જમીનદોસ્ત કરી દેવાયા હતા. આ ઉપરાંત તેના દ્વારા જ નદીના પટ વિસ્તારમાં ૫,૦૦૦ ફૂટ જેટલી સરકારી જગ્યામાં બોક્સ ક્રિકેટને લગતું બાંધકામ ખડકી દેવાયું હતું, તે ના ઉપર પણ બુલડોઝર ફેરવી દઈ ગેરકાયદે દબાણ દૂર કરી દેવાયું છે. આ સ્થળે એસપી ની સાથે મ્યુનિ. કમિશનર ખુદ હાજર રહ્યા હતા. જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથક માં નોંધાયેલા ચકચારી ગેંગરેપના કેસના મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખ કે જેના દ્વારા ઘાંચી ની ખડકી વિસ્તારમાં મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદે ચાર મકાનો ખડકી દેવામાં આવ્યા હતા, અને અંદાજે ૨,૫૦૦ ફૂટ જેટલી જગ્યા પર બિનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું, જે મામલે જામનગર મહાનગરપાલિકા દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી, અને જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા. પરંતુ આરોપી દ્વારા કોઈ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા, તેમજ સમગ્ર બાંધકામ ગેરકાયદે હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી આજે તમામ બાંધકામને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા, સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા તથા વિશાળ પોલીસ કાફ્લો સ્થળ પર હાજર રહ્યો હતો. ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત ઉપરાંત એસ્ટેટ શાખાના અન્ય અધિકારીઓ સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગજણ સહિતની હાજર રહી હતી, અને બપોરે ત્રણ વાગ્યાથી ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે ૩ જેસીબી મશીન અને ટ્રેક્ટર તેમજ ૧૫ જેટલા દબાણ હટાવ સ્ટાફને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, અને મોડી સાંજ સુધીમાં તમામ બાંધકામને દૂર કરી લઈ મહાનગર પાલિકાની જગ્યાને ખુલ્લી કરાવવામાં આવી હતી.આ ઉપરાંત આરોપી હુસેન શેખ દ્વારા અન્ય એક સ્થળે પણ ગેરકાયદે મોટું દબાણ કર્યું હોવાનું મહાનગર પાલીકાના તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. સુભાષ બ્રિજની નજીક રંગમતી- નાગમતી નદીના પટમાં સરકારી જમીનમાં નદી નું વહેણ બંધ કરીને આશરે પાંચ હજાર ફૂટ જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું, અને તે સ્થળે બોક્સ ક્રિકેટ માટેની પીચ અને નેટ સહિતનું બાંધકામ કરી લેવાયું હતું. જે ગેરકાયદે દબાણ હટાવી લેવા માટે પણ મહાનગરપાલિકા દ્વારા એકાદ માસ પહેલાં નોટિસ પાઠવવામાં આવી હતી. જેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં કોઈ આધાર પુરાવા રજૂ કરાયા ન હતા, અને સંપૂર્ણપણે બાંધકામ ગેર કાયદે હોવાનું સાબિત થયું હતું, જેથી આ બોક્ષ ક્રિકેટને લગતી પીચ સહિતનું તમામ બાંધકામ દૂર કરવા માટે આ સ્થળે પણ જેસીબી સહિતની મશીનરી તે સ્થળે પહોંચાડવામાં આવી હતી, અને ગેરકાયદે દબાણ દૂર કરાયું છે. આ વેળાએ જામનગર મહાનગરપાલિકાના મ્યુની. કમિશનર ડી.એન. મોદી ખુદ હાજર રહ્યા હતા, અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારી અને અન્ય પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં પોલીસ રક્ષણની વચ્ચે ગેરકાયદે દબાણ દૂર કરી લેવામાં આવ્યું હતો. આ બંને સ્થળે દબાણ દૂર હટાવવાની કામગીરી વખતે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.