(જી.એન.એસ) તા.૨૭
જામનગર,
જામનગર ખંભાળીયા હાઈ વે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માતની ઘટના બની, લોકો અંદાજે 1 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર આજે વહેલી સવારે સરમત ગામના પાટીયા પાસે 2 ખાનગી બસ તેમજ બોલેરો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરો કારની અંદર બેઠેલી 3 વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી, અને તેઓને જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવા લઈ જવામાં આવ્યા હતા. જામનગર થી મોટી ખાવડી તરફ જઈ રહેલી એક ખાનગી બસ કે જેના ચાલકે એકાએક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી બોલેરો કાર ધડાકાભેર બસની સાથે અથડાઈ હતી. ત્યારબાદ પાછળ આવી રહેલી બીજી ખાનગી બસ ધડાકાભેર બોલેરો સાથે ટકરાતાં બોલેરોનું પડીકું વળી ગયું હતું. આ અકસ્માતને લઈને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ખાનગી બસમાં બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી, અને તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. જે લોકો બીજા વાહનો મારફતે પોતાના કામ ધંધા તરફ રવાના થયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો. અને અંદાજે ૪૫ મિનિટની જહેમત ઉઠાવીને ટ્રાફિક જામને હળવો કરીને વાહન વ્યવહાર પૂર્વવત ચાલુ કર્યો હતો. વહેલી સવારે મોટી ખાવડી સહિતની જુદી જુદી ખાનગી કંપનીઓમાં અથવા તો અન્ય ધંધા ના સ્થળે જઈ રહેલા લોકો ફસાયા હતા. પરંતુ ધીમે ધીમે ટ્રાફિકને પૂર્વવત ચાલુ કરી દીધો હતો. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.