Home ગુજરાત ઉત્તર ગુજરાત શ્રી ઉમિયાધામ, સીદસર ખાતે આયોજિત વિરાટ કૃષિ સંમેલનમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું...

શ્રી ઉમિયાધામ, સીદસર ખાતે આયોજિત વિરાટ કૃષિ સંમેલનમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સંબોધન

16
0

(જી.એન.એસ) તા.૨૬

જામજોધપુર,

પ્રાકૃતિક કૃષિ જ જંતુનાશક દવાઓથી ઝેરયુક્ત બનેલી ધરતીને અને બિન આરોગ્યપ્રદ ઉત્પાદનોથી માનવજાતને બચાવી શકશે *આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય આપવું હશે તો આજથી જ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું પડશે : શ્રી રાઘવજીભાઈ પટેલ*ખેડૂતોની મહેનત, સરકારની નીતિઓ અને વૈજ્ઞાનિકોના સંશોધનોથી આપણો દેશ આજે અન્નનો ભંડાર બન્યો છે : શ્રી પરસોત્તમભાઈ રૂપાલા જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં માતૃશક્તિનું અનેરું સ્થાન છે. વીરતા, વિદ્યા અને ધનના આદર્શ માતા દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મીજી છે. ‘માતૃદેવો ભવ:’ ની આપણી સંસ્કૃતિ સંદેશ આપે છે કે, માતાનું સાંન્નિધ્ય, આશીર્વાદ અને કૃપા સંતાનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તેને સુખથી સંતૃપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. સિદસર ખાતે માતાજીના પ્રાગટ્યના ૧૨૫ વર્ષ થયા છે ત્યારે આ માત્ર જન્મોત્સવ નહીં પરંતુ સમાજોત્કર્ષનું પર્વ છે. સમાજની આવનાર પેઢીઓમાં સંસ્કાર સિંચન અને વિદ્યાદાન હેતુ રાજકોટ, અમદાવાદમાં વિવિધ શૈક્ષણિક સંકુલો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ ઉત્સવ નિમિત્તે આયોજિત સંમેલનોમાં વિચાર-વિમર્શ દ્વારા કુરીવાજ નિર્મૂલન અને સમાજ ઉત્કર્ષ માટે આ સમાજની પ્રતિબદ્ધતા જોવા મળે છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અનેક ધાર્મિક, સામાજિક સંસ્થાઓના પરિશ્રમથી ગુજરાતમાં સદભાવના, વ્યસનમુક્તિ, મદદની ભાવનાનું વાતાવરણ જોવા મળે છે. આ શ્રેષ્ઠ કર્મોથી જ સમાજ આગળ આવશે. હાલના સમયમાં આ મૂલ્યો જાળવવા અને વિસ્તારવા માટે આધ્યાત્મિકતા તરફ વળવું જરૂરી બન્યું છે. માત્ર શાસ્ત્ર વાંચન નહીં પરંતુ આધ્યાત્મિકતાને જીવનમાં ઉતારવી વધારે આવશ્યક છે. ધનની દાન, ભોગ અને નાશ એમ ત્રણ પ્રકારની ગતિ પૈકી  દાન ગતિ શ્રેષ્ઠ છે. તેમા પણ વિદ્યા દાન શ્રેષ્ઠ છે, તે ધનને પવિત્ર કરનારું છે. દાન આ જન્મમાં સારું કર્મ કર્યાના સંતોષનો અનુભવ કરાવે છે અને આવતા જન્મમાં આ પુણ્ય સુખ આપે છે. વિદ્યા સંકુલો માટે કરોડો રૂપિયાનું દાન કરનાર દાતાઓને મારા નમન છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે તેમ જણાવતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, નિરોગી કાયા એ ઈશ્વરના આશીર્વાદ છે. જો શરીર જ સ્વસ્થ નહીં હોય તો સંપત્તિ, વૈભવ બધું નિરર્થક છે. આજે જંતુનાશક દવાઓના પરિણામે ખેત ઉત્પાદનો કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા અનેક રોગોનું કારણ બન્યા છે.જેઓને કોઈ જ વ્યસન નથી તેવા લોકો પણ આજે કેન્સર જેવા ગંભીર રોગોના ભોગ બની રહ્યા છે. આ તમામ રોગોના મૂળમાં ખોરાકના માધ્યમથી શરીરમાં જતા ઝેરી પદાર્થો છે. આજે જંતુનાશક દવાઓથી ધરતી ઝેરયુક્ત અને તેના ઉત્પાદનો બિનઆરોગ્યપ્રદ બન્યા છે. ધાન્યોમાંથી પોષક તત્વો વિલુપ્ત થયા છે, ત્યારે જો આવનારી પેઢીને સશક્ત અને નિરોગી રાખવી હશે તો પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર વિકલ્પ છે.પ્રાકૃતિક કૃષિના પાંચ સિદ્ધાંતો અપનાવવાથી પાક ઉત્પાદનમાં કોઈ જ ઘટાડો થતો નથી કે કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી પરંતુ જમીન ફળદ્રુપ બને છે અને ઉત્પાદનોમાં નોંધપાત્ર વધારો થાય છે, તેમ જણાવી કાર્યક્રમમાં લોકો સમક્ષ વીડિયો સંદેશના માધ્યમથી રાજયપાલશ્રીએ પોતાનો કૃષિ અનુભવ  રજૂ કર્યો હતો.ઓર્ગેનિક કાર્બન એ ખેડૂતના ખેતરનો પ્રાણ છે. જો જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી નીચે જાય તો એ જમીન બંજર-વેરાન થઈ ચૂકી છે એમ કહી શકાય. ગુજરાતનો ઓર્ગેનિક કાર્બન ૦.૨ ટકા છે. એટલે કે આપણી જમીન બંજરની કેટેગરીમાં આવે છે એ સ્પષ્ટ છે. જો આ જ પ્રમાણે યુરિયા, ડી.એ.પી.નો ઉપયોગ કરતા રહીશું તો આગામી ૪૦ થી ૫૦ વર્ષમાં આપણી કૃષિની જમીન પથ્થર સમાન બની જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી તેમ સીદસર ખાતે રાજ્યપાલશ્રીએ કહ્યું હતું.રાજ્યપાલશ્રીએ પાણીની બચત, પર્યાવરણની રક્ષા, જમીન અને દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ પર ભાર મુકતાં જણાવ્યું હતું કે આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય આપવું હશે તો આજથી જ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું અનિવાર્ય છે. પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત પાકો માનવ સ્વાસ્થ્યને મજબૂત રાખવાની સાથે દેશના વિકાસમાં પણ અમૂલ્ય ફાળો આપે છે. પર્યાવરણ જાળવણી, ઝેરમુક્ત ખોરાક, ગૌ સંવર્ધન અને કૃષિ સમૃદ્ધિ આ તમામ બાબતો પ્રાકૃતિક ખેતીથી શક્ય બને છે.કૃષિ, ખેડૂત અને સરકારની ભૂમિકા વિષયે સંબોધન કરતાં સાંસદશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે દેશનો ખેડૂત આજે પ્રગતિશીલ બન્યો છે. નવીન ટેકનોલોજી અને આધુનિક કૃષિ સંશોધનોના માધ્યમથી આજના ખેડૂતે સમૃદ્ધિ તરફ પોતાના ડગ માંડ્યા છે. ખેડૂતોની મહેનત, સરકારની નીતિઓ અને કૃષિ વૈજ્ઞાનિકોના વિવિધ સંશોધનોના પરિણામે એક સમયે અન્નની અછત ભોગવતો આપણો દેશ આજે અન્નનો ભંડાર બન્યો છે. કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યો સર્વ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મહેન્દ્ર પાડલીયા, પ્રકાશ વરમોરા, રમેશ ટિલાળા, ઉમિયાધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી મૌલેશભાઈ ઉકાણી, પ્રમુખ શ્રી જયરામભાઈ વાંસજાળીયા, આગેવાન સર્વ શ્રી પુનિતભાઈ ચોવટીયા, બી.એચ.ઘોડાસરા, જગદીશભાઈ કોટડીયા, ગોવિંદભાઈ વરમોરા, સી.કે.પટેલ, મગનભાઈ જાવીયા, જયેશભાઈ પટેલ સહિત બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field